પ્રિયે! પાંડુક વનમાં પરમ અદ્ભુત જિનમંદિરો શોભે છે, જેને જોતાં મન પ્રફુલ્લિત થઈ
જાય, અત્યંત પ્રજ્વલિત નિર્ધૂમ અગ્નિ સમાન, સંધ્યાનાં વાદળોના રંગ સમાન, ઊગતા
સૂર્ય સમાન સ્વર્ણમય શોભે છે. સમસ્ત ઉત્તમ રત્નોથી શોભતા, હજારો મોતીઓની
માળાથી મંડિત અતિ મનોહર છે. માળાઓના મોતી પાણીના પરપોટા જેવા શોભે છે.
ચારે તરફ ઊંચા કોટ અને દરવાજા વગેરે વિભૂતિથી વિરાજમાન છે. રંગબેરંગી લહેરાતી
ધજાઓ સુવર્ણના સ્તંભથી દેદીપ્યમાન આ અકૃત્રિમ ચૈત્યાલયોની શોભા ક્યાં સુધી
કહીએ? તેનું સંપૂર્ણ વર્ણન ઇન્દ્રાદિક દેવો પણ કરી શકે નહિ. કે કાંતે! પાંડુકવનનાં
ચૈત્યાલયો જાણે સુમેરુના મુગટો જ છે, અતિરમણીક છે.
અકૃત્રિમ પ્રતિબિંબ સર્વ અતિશયથી બિરાજે છે, શરદનાં ઉજ્જવળ વાદળાઓ વચ્ચે
ચંદ્રમાની જેમ શોભે છે. સર્વ ઉત્તમ લક્ષણોથી મંડિત હનુમાને હાથ જોડી રાણીઓ સહિત
નમસ્કાર કર્યા. જેમ તારાઓ વચ્ચે ચંદ્રમા શોભે તેમ રાજ્યલોકો વચ્ચે હનુમાન શોભે છે,
જિનેન્દ્રનાં દર્શનથી તેમને અતિ હર્ષ ઊપજ્યો છે. બધી સ્ત્રીઓ પણ અત્યંત આનંદ પામી
છે, બધાને રોમાંચ થઈ ગયો, નેત્રો ખીલી ઊઠયાં. વિદ્યાધરીઓ ભક્તિયુક્ત સર્વ ઉપકરણો
સહિત ઉત્તમ ચેષ્ટાવાળી, પવિત્ર કુળમાં ઊપજેલી દેવાંગનાઓની જેમ અનુરાગપૂર્વક
દેવાધિદેવની વિધિપૂર્વક પૂજા કરવા લાગી. પવિત્ર પદ્મહૃદનું જળ અને સુગંધ, ચંદન,
મુક્તાફળના અક્ષત્ સ્વર્ણમય કમળ, કલ્પવૃક્ષનાં પુષ્પ અને અમૃતરૂપ નૈવેદ્ય, રત્નોના
દીપથી પૂજા કરતી હતી. મલયાગિરિ ચંદનાદિથી દશે દિશા સુગંધમય થઈ રહી છે, પરમ
ઉજ્જવળ અત્યંત શીતળ જળ, અગુરુ આદિ પવિત્ર દ્રવ્યોથી ઊપજેલ ધૂપનું ક્ષેપણ કરતી
હતી, અમૃતફળ ચડાવતી હતી, રત્નોના ચૂર્ણથી માંડલું તૈયાર કરતી હતી. મનોહર અષ્ટ
દ્રવ્યોથી પતિની સાથે પૂજા કરતી હતી. રાણીઓ સાથે પૂજા કરતા હનુમાન સૌધર્મ ઇન્દ્ર
પૂજા કરતાં શોભે તેવા શોભે છે. હનુમાને જનોઈ પહેરી છે, સર્વ આભૂષણ અને ઝીણાં
વસ્ત્ર પહેર્યાં છે, તેના મુગટ પર પાપરહિત વાનરનું ચિહ્ન છે, મુગટ રત્નોથી દેદીપ્યમાન
છે. તે પ્રમોદથી જેનાં નેત્ર પ્રફુલ્લિત બન્યાં છે, તે રીતે પૂજા કરે છે. પૂજા કર્યા પછી તેણે
સુર-અસુરોના ગુરુ જિનેશ્વરના પ્રતિબિંબની સ્તુતિ કરી. ઇન્દ્રની અપ્સરાઓએ તેને પૂજા
અને સ્તુતિ કરતાં જોયા અને તેની ખૂબ પ્રશંસા કરી. એ પોતે વીણાવાદનમાં પ્રવીણ હતા
તેથી વીણા લઈને જિનેન્દ્રચંદ્રનાં ગુણગાન કરવા લાગ્યા. જે શુદ્ધ ચિત્તવાળા જિનેન્દ્રની
પૂજામાં અનુરાગી છે, તેની સમીપે સર્વ કલ્યાણ છે. તેમને કાંઈ દુર્લભ નથી, તેમનું દર્શન
મંગળરૂપ છે. જેમણે ઉત્તમ મનુષ્યદેહ પામીને શ્રાવકનાં વ્રત લઈ દ્રઢ ભક્તિથી જિનવરને
પૂજ્યા તે જીવોએ પોતાનો જન્મ સફળ કર્યો છે; તે પોતાના હાથમાં કલ્યાણને ધારણ કરે
છે, જન્મનું ફળ તેમણે જ મેળવ્યું છે. હનુમાને પૂજા, સ્તુતિ, વંદના કરી, વીણા બજાવી
અનેક રાગ ગાઈ અદ્ભુત સ્તુતિ કરી. જોકે ભગવાનનાં દર્શનથી