અશાતના લાગે તેથી જિનરાજના ચરણ હૃદયમાં ધારણ કરીને મંદિરમાંથી બહાર નીકળ્યા,
વિમાનોમાં બેઠા અને હજારો સ્ત્રીઓની સાથે સુમેરુની પ્રદક્ષિણા કરી. જેમ સૂર્ય સુમેરુની
પ્રદક્ષિણા કરે તેમ શ્રી શૈલ એટલે કે હનુમાને શૈલરાજ એટલે સુમેરુની પ્રદક્ષિણા કરી
સમસ્ત ચૈત્યાલયોમાં દર્શન કરી, ભરતક્ષેત્ર તરફ આવ્યા, માર્ગમાં સૂર્યાસ્ત થઈ ગયો અને
સૂર્યની પાછળ સંધ્યા પણ વિલય પામી, કૃષ્ણ પક્ષની રાત્રિ તારારૂપ બંધુઓથી ચંદ્રરૂપ
પતિ વિના શોભતી નહોતી. હનુમાને નીચે ઊતરી એક સુરદુંદુભિ નામના પર્વત પર સેના
સહિત રાત્રિ વિતાવી. કમળાદિ અનેક સુગંધી પુષ્પોને સ્પર્શીને પવન આવ્યો તેથી સેનાના
માણસોને ખૂબ મજા આવી, જિનેશ્વરદેવની વાતો કરતા હતા ત્યાં રાત્રે આકાશમાંથી એક
દેદીપ્યમાન તારો ખરી પડયો તે હનુમાને જોયો અને મનમાં વિચાર્યું કે અરેરે! આ અસાર
સંસારવનમાં દેવ પણ કાળને વશ છે, એવું કોઈ નથી જે કાળથી બચે. વીજળીના ચમકારા
અને જળના તરંગ જેવા ક્ષણભંગુર છે તેવું શરીર વિનશ્વર છે. આ સંસારમાં આ જીવે
અનંત ભવમાં દુઃખ જ ભોગવ્યાં છે. જીવ વિષયનાં સુખને સુખ માને છે તે સુખ નથી,
દુઃખ જ છે, પરાધીન છે, વિષમ ક્ષણભંગુર સંસારમાં દુઃખ જ છે, સુખ હોતું નથી. એ
મોહનું માહાત્મ્ય છે કે અનંતકાળથી જીવ દુઃખ ભોગવતો ભટકે છે, અનંત અવસર્પિણી
ઉત્સર્પિણી કાળભ્રમણ કરીને મનુષ્યદેહ કોઈ વાર કોઈક જ પામે છે તે પામીને ધર્મનું
સાધન વૃથા ખોઈ નાખે છે, આ વિનાશિક સુખમાં આસક્ત થઈ અનેક સંકટ પામે છે.
આ જીવ રાગાદિને વશ થયો છે અને વીતરાગભાવને જાણતો નથી. આ ઇન્દ્રિયો
જૈનમાર્ગના આશ્રય વિના જીતી શકાય તેમ નથી. આ ઇન્દ્રિયો ચંચળ છે તે જીવને
કુમાર્ગમાં લગાડી આ જીવને આ ભવ અને પરભવમાં દુઃખ આપે છે. જેમ મૃગ, મત્સ્ય
અને પક્ષી લોભના વશે પારધિની જાળમાં પડે છે તેમ આ કામી, ક્રોધી, લોભી જીવ
જિનમાર્ગ પામ્યા વિના અજ્ઞાન વશે પ્રપંચરૂપ પારધીની બિછાવેલી વિષયરૂપ જાળમાં પડે
છે. જે જીવ આશીવિષ સર્પ સમાન આ મન-ઇન્દ્રિયોના વિષયોમાં રમે છે તે મૂઢ દુઃખરૂપ
અગ્નિમાં બળે છે. જેમ કોઈ એક દિવસ રાજ્ય કરી ઘણા દિવસો સુધી ત્રાસ ભોગવે તેમ
આ મૂઢ જીવ થોડા દિવસો વિષયનું સુખ ભોગવી અનંતકાળપર્યંત નિગોદનાં દુઃખ ભોગવે
છે. જે વિષયસુખના અભિલાષી છે તે દુઃખોના અધિકારી છે, નરક નિગોદનું મૂળ એવા
આ વિષયોને જ્ઞાની ઈચ્છતા નથી, મોહરૂપ ઠગથી ઠગાયેલા જે આત્મકલ્યાણ કરતા નથી
તે મહાકષ્ટ પામે છે. જે પૂર્વભવમાં ધર્મ ઉપાર્જીને મનુષ્યભવ પામી ધર્મનો આદર કરતા
નથી તે જેમ ધન ઠગાવીને કોઈ દુઃખી થાય તેમ દુઃખી થાય છે. દેવોના ભોગ ભોગવીને
પણ આ જીવ મરીને દેવમાંથી એકેન્દ્રિય થાય છે. પાપ આ જીવનો શત્રુ છે, બીજો કોઈ
શત્રુ મિત્ર નથી. આ ભોગ જ પાપનું મૂળ છે, એનાથી તૃપ્તિ ન થાય, એ મહાભયંકર છે
અને એમનો વિયોગ તો નિશ્ચયથી થવાનો. એ કાયમ રહેવાના નથી. જો હું રાજ્યને અને
પ્રિયજનોને તજીને તપ ન કરું તો અતૃપ્ત થઈ સુભૂમ ચક્રવર્તીની જેમ