પ્રભાવાળા હાર પહેરી સીતોદા નદીના પ્રવાહયુક્ત નિષધાચળ પર્વત જેવા જ શોભતા
હતા. મુગટ, કંઠાભરણ, કુંડળ, કેયૂરાદિ ઉત્તમ આભૂષણ પહેરીને દેવોથી મંડિત નક્ષત્રો
વચ્ચે ચંદ્ર જેવા શોભતા હતા. આપણા મનુષ્યલોકમાં ચંદ્રમા નક્ષત્ર જ દેખાય છે તેથી
ચંદ્રમા-નક્ષત્રોનું દ્રષ્ટાંત આપ્યું છે. ચંદ્રમા નક્ષત્ર તો જ્યોતિષી દેવ છે. તેમના કરતાં
સ્વર્ગવાસી દેવોની જ્યોતિ અધિક અને બધા દેવો કરતાં ઇન્દ્રની જ્યોતિ અધિક હોય છે.
પોતાના તેજથી દશે દિશામાં ઉદ્યોત કરતા સિંહાસન પર બેઠેલા જિનેશ્વર જેવા ભાસે છે.
ઇન્દ્રની સભા અને ઇન્દ્રાસનનું વર્ણન સમસ્ત મનુષ્યો સેંકડો વર્ષ સુધી કરે તો પણ કરી
ન શકે. સભામાં ઇન્દ્રની પાસે લોકપાલ બધા દેવોમાં મુખ્ય છે, જેમનાં ચિત્ત સુંદર છે, તે
સ્વર્ગમાંથી ચ્યવીને મનુષ્ય થઈ મુક્તિ પામે છે. સોળ સ્વર્ગના બાર ઇન્દ્ર છે, એક એક
ઇન્દ્રના ચાર ચાર લોકપાલ છે તે એકભવધારી છે અને ઇન્દ્રોમાં સૌધર્મ, સનત્કુમાર,
મહેન્દ્ર, લાંતવેન્દ્ર, આરણેન્દ્ર આ છ એકભવધારી છે અને શચિ ઇન્દ્રાણી, પાંચમા સ્વર્ગના
લૌકાંતિક દેવો તથા સર્વાર્થસિદ્ધિના અહમિન્દ્ર મનુષ્ય થઈને મોક્ષ જાય છે. તે સૌધર્મ ઇન્દ્ર
પોતાની સભામાં પોતાના સમસ્ત દેવો સહિત બેઠા છે. લોકપાલાદિક પોતપોતાના સ્થાન
પર બેઠા છે. ઇન્દ્ર શાસ્ત્રનું વ્યાખ્યાન કરતા હતા ત્યાં પ્રસંગ પ્રાપ્ત થતાં એવું કથન કર્યું-
હે દેવો! તમે પોતાના ભાવરૂપ પુષ્પ અત્યંત ભક્તિથી નિરંતર અર્હંતદેવને ચડાવો,
અર્હંતદેવ જગતના નાથ છે. સમસ્ત દોષરૂપ વનને બાળવા દાવાનળ સમાન છે, જેમણે
સંસારના કારણરૂપ મહાઅસુરને અત્યંત દુર્જય જ્ઞાનથી માર્યો. તે અસુર જીવોનો મહાન
વેરી નિર્વિકલ્પ સુખનો નાશક છે અને ભગવાન વીતરાગ ભવ્યજીવોને સંસારસમુદ્રથી
તારવાને સમર્થ છે. સંસારસમુદ્ર કષાયરૂપ ઉગ્ર તરંગથી વ્યાકુળ છે, કામરૂપ ગ્રાહથી
ચંચળતારૂપ, મોહરૂપ મગરથી મૃત્યુરૂપ છે. આવા ભવસાગરથી ભગવાન સિવાય બીજું
કોઈ તારવાને સમર્થ નથી. જેમના જન્મકલ્યાણકમાં ઇન્દ્રાદિક દેવ સુમેરુગિરિ ઉપર
ક્ષીરસાગરના જળથી અભિષેક કરાવે છે, મહાભક્તિથી એકાગ્રચિત્તે પરિવાર સહિત પૂજા
કરે છે, જેમનું ચિત્ત ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થમાં લાગેલું છે, જિનેન્દ્રદેવ
પૃથ્વીરૂપ સ્ત્રીને તજી સિદ્ધરૂપ વનિતાને વર્યા છે. જે પૃથ્વીને વિંધ્યાચળ અને કૈલાસ બે
સ્તન છે અને સમુદ્રના તરંગો જેની કટિમેખલા છે. આ જીવ અનાથ મોહરૂપ અંધકારથી
આચ્છાદિત છે તેમને તે પ્રભુ સ્વર્ગલોકમાંથી મનુષ્યલોકમાં જન્મ ધરી ભવસાગરથી પાર
કરે છે. પોતાના અદ્ભુત અનંતવીર્યથી આઠે કર્મરૂપ વેરીને ક્ષણમાત્રમાં ખપાવ્યા, જેમ
સિંહ મદોન્મત્ત હાથીઓને નસાડે તેમ. ભગવાન સર્વજ્ઞદેવને ભવ્યજીવ અનેક નામથી ગાય
છે-જિનેન્દ્ર ભગવાન, અર્હંત, સ્વયંભૂ, શંભુ, સ્વયંપ્રભુ, સુગત, શિવસ્થાન, મહાદેવ,
કાલંજર, હિરણ્યગર્ભ, દેવાધિદેવ ઇશ્વર, મહેશ્વર, બ્રહ્મા-વિષ્ણુ, બુદ્ધ, વીતરાગ, વિમલ,
વિપુલ, પ્રબલ, ધર્મચક્રી, પ્રભુ, વિભુ, પરમેશ્વર, પરમજ્યોતિ, પરમાત્મા, તીર્થંકરકૃત કૃત્ય કૃપાલુ,
સંસારસૂદન, સુર જ્ઞાનચક્ષુ, ભવાંતક ઇત્યાદિ અપાર નામ યોગીશ્વર ગાય છે. ઇન્દ્ર, ધરણેન્દ્ર,