પણ કાળની દાઢમાં ફસાયેલો છે, તેનો શોક કેમ કરતો નથી? જો એમનું જ મૃત્યુ થયું
હોય અને બીજા અમર હોય તો રુદન કરવું ઠીક છે, પણ જો બધાની જ એ દશા થવાની
હોય તો રુદન શેનું? જેટલા દેહધારી છે તે બધા કાળને આધીન છે, સિદ્ધ ભગવાનને દેહ
નથી તેથી મરણ નથી. આ દેહ જે દિવસે ઉપજ્યો છે તે જ દિવસથી કાળ એને ઉપાડી
જવાની તૈયારીમાં છે. આ બધા સંસારી જીવોની રીત છે તેથી સંતોષ અંગીકાર કરો,
ઈષ્ટના વિયોગથી શોક કરે તે વૃથા છે, શોકથી મરે તો પણ તે વસ્તુ પાછી આવતી નથી,
માટે શોક શા માટે કરીએ? જુઓ, કાળ તો વજ્રદંડ લઈને શિર પર ખડો છે અને સંસારી
જીવ નિર્ભય થઈને રહે છે જેમ માથા પર સિંહ ઊભો હોય અને હરણ લીલું ઘાસ ચરતું
હોય. ત્રિલોકનાથ પરમેષ્ઠી અને સિદ્ધ પરમેષ્ઠી સિવાય ત્રણ લોકમાં કોઈ મૃત્યથી બચ્યા
હોય એવું સાંભળ્યું નથી. તે જ અમર છે, બીજા બધા જન્મમરણ કરે છે. આ સંસાર
વિંધ્યાચળના વન સમાન, કાળરૂપ દાવાનળ સમાન બળે છે તે શું તમે જોતા નથી? આ
જીવ સંસારવનમાં ભટકીને અતિકષ્ટથી મનુષ્યદેહ પામે છે તે વૃથા ખોવે છે. કામભોગના
અભિલાષી થઈ મદમાતા હાથીની જેમ બંધનમાં પડે છે, નરક નિગોદનાં દુઃખ ભોગવે છે.
કોઈ વાર વ્યવહારધર્મથી સ્વર્ગમાં દેવ પણ થાય છે, આયુષ્યના અંતે ત્યાંથી પડે છે. જેમ
નદીના કાંઠા પરના ઝાડ કોઈ વાર ઉખડે જ તેમ ચારે ગતિનાં શરીર મૃત્યુરૂપ નદીના
તીર પરનાં વૃક્ષો છે, એમનાં ઊખડવાનું આશ્ચર્ય શું? ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ
અનંત જીવો નાશ પામ્યા છે. જેમ મેઘથી દાવાનળ બુઝાય તેમ શાંતિરૂપ મેઘથી કાળરૂપ
દાવાનળ બુઝાય છે, બીજો ઉપાય નથી. પાતાળમાં, ભૂતળ પર અને સ્વર્ગમાં એવું કોઈ
સ્થાન નથી જ્યાં કાળથી બચી શકાય, અને છઠ્ઠા કાળનો છેડો આવતાં આ ભરતક્ષેત્રમાં
પ્રલય થશે, પહાડો પણ વિલય પામશે, તો મનુષ્યોની તો શી વાત? જે ભગવાન
તીર્થંકરદેવ વજ્રાર્ષભનારાચસંહનના ધારક જેમને સમચતુરસ્રસંસ્થાન હોય છે, જે સુર,
અસુર, નરોથી પૂજ્ય છે, જે કોઈથી જિતાતા નથી તેમનું શરીર પણ અનિત્ય છે. તે પણ
દેહ તજી સિદ્ધલોકમાં નિજભાવરૂપ રહે છે તો બીજાઓના દેહ કેવી રીતે નિત્ય હોય? સુર,
નર, નારક અને તિર્યંચોના શરીર કેળાના ગર્ભ સમાન અસાર છે. જીવ તો દેહનો યત્ન
કરે છે અને કાળ પ્રાણ હરે છે; જેમ દરમાંથી સર્પને ગરુડ ઊઠાવી જાય તેમ દેહની
અંદરથી કાળ લઈને જાય છે. આ પ્રાણી અનેક મૃત્યુ પામેલાઓને રોવે છે-અરે ભાઈ!
અરે પુત્ર! અરે મિત્ર! આ પ્રમાણે શોક કરે છે અને કાળરૂપ સર્પ બધાને ગળી જાય છે-
જેમ સર્પ દેડકાને ગળી જાય છે. આ મૂઢ બુદ્ધિવાળો જૂઠા વિકલ્પો કરે છે કે મેં આ કર્યું, હું
આ કરું છું, આ હું કરીશ-એવા વિકલ્પો કરતો કરતો કાળના મુખમાં જઈ પડે છે, જેમ
તૂટેલું જહાજ સમુદ્રના તળિયે પહોંચી જાય છે. પરલોકમાં ગયેલા સજ્જનની સાથે જો કોઈ
જઈ શકતું હોય તો ઇષ્ટનો વિયોગ કદી ન થાય. જે શરીરાદિક પરવસ્તુ સાથે સ્નેહ કરે છે
તે કલેશરૂપ અગ્નિમાં પ્રવેશ કરે છે. આ જીવોને