આ સંસારમાં એટલાં સ્વજનો થયાં છે કે જેની સંખ્યા નથી. તે સમુદ્રની રેતીના કણોથી
પણ અપાર છે અને નિશ્ચયથી જોઈએ તો આ જીવનો ન કોઈ શત્રુ છે, ન કોઈ મિત્ર છે.
શત્રુ તો રાગાદિ છે અને મિત્ર જ્ઞાનાદિ છે. જેમને અનેક પ્રકારે લાડ લડાવીએ છીએ અને
પોતાના માનીએ છીએ તે પણ વેર પામી અત્યંત રોષથી તેને જ હણે છે. જેણે પોતાનાં
સ્તનોનું દૂધ પાયું હોય જેનાથી શરીર વૃદ્ધિ પામ્યું હોય એવી માતાને પણ જીવ હણે છે.
ધિક્કાર છે આ સંસારની ચેષ્ટાને. જે પહેલાં સ્વામી હતો અને વારંવાર નમસ્કાર કરાવતો
તે તેનો જ દાસ થઈ જાય છે ત્યારે તેને પગની લાતોથી મારીએ છીએ. હે પ્રભો! મોહની
શક્તિ જુઓ-એને વશ થયેલો આ જીવ પોતાને જાણતો નથી, પરને પોતારૂપ જાણે છે,
જેમ કોઈ હાથથી કાળો નાગ પકડે તેમ કનક અને કામિનીને ગ્રહે છે. આ લોકાકાશમાં
એવું તલમાત્ર ક્ષેત્ર નથી, જ્યાં જીવે જન્મમરણ ન કર્યાં હોય, અને નરકમાં એને ત્રાંબાનો
ઉકાળેલો રસ પાયો અને એ એટલી વાર નરકમાં ગયો છે કે એને પાયેલા તાંબાના
પ્રજ્વલિત રસનો સરવાળો કરીએ તો સમુદ્રના જળથી તે અધિક થાય, અને ભૂંડ, કૂતરા,
ગધેડાના અવતાર ધરીને આ જીવે એટલા મળનો આહાર કર્યો છે કે અનંત જન્મનો
સરવાળો કરતાં તે હજારો વિંધ્યાચળના રાશિથી અધિક થાય અને આ અજ્ઞાની જીવે
ક્રોધના વશે બીજાનાં એટલાં શિર કાપ્યાં છે કે તેણે છેદેલાં શિરને એકત્ર કરતાં તે
જ્યોતિષચક્રને ઓળંગી જાય. આ જીવ નરકમાં ગયો ત્યાં અધિક દુઃખ મળ્યું અને
નિગોદમાં ગયો ત્યાં અનંતકાળ જન્મમરણ કર્યાં. આ વાત સાંભળ્યા પછી કોણ મિત્ર પ્રત્યે
મોહ કરે? એક નિમિષમાત્ર વિષયના સુખને અર્થે કોણ અપાર દુઃખ સહન કરે? આ જીવ
મોહરૂપ પિશાચને વશ પડી સંસારવનમાં ભટકે છે. હે શ્રેણિક! વિભીષણ રામને કહે છે-હે
પ્રભો! લક્ષ્મણનું આ મૃતક શરીર છોડો એ યોગ્ય છે અને શોક કરવો યોગ્ય નથી. આ
કલેવરને છાતીએ વળગાડી રાખવું યોગ્ય નથી. આ પ્રમાણે વિદ્યાધરોના સૂર્ય વિભીષણે
શ્રી રામને વિનંતી કરી. રામ મહાવિવેકી છે, તેમના દ્વારા બીજા પ્રતિબોધ પામે એમ છે,
તોપણ મોહના યોગથી તેમણે લક્ષ્મણની મૂર્તિને તજી નહિ, જેમ વિનયવાન શિષ્ય ગુરુની
આજ્ઞા તજે નહિ.
અને વિભીષણનું સંસાર સ્વરૂપનું વર્ણન કહેનાર એકસો સત્તરમું પર્વ પૂર્ણ થયું.