વાનરવંશીઓનો શિરોમણિ સુગ્રીવ સ્વામીદ્રોહી થઈને રામને મળી ગયો તેથી રામ સમુદ્ર
ઓળંગીને લંકામાં આવ્યા, રાક્ષસદ્વિપને ઉજ્જડ કર્યો, રામને સીતાનું અતિદુઃખ હતું તેથી
લંકા લેવા તે અભિલાષી થયા અને સિંહવાહિની તથા ગરુડવાહિની, બે મહાવિદ્યા રામ-
લક્ષ્મણને મળી તેનાથી ઇન્દ્રજિત, કુંભકરણને કેદ કર્યા. લક્ષ્મણના હાથમાં ચક્ર આવ્યું
તેનાથી રાવણની હત્યા કરી. હવે કાળચક્રથી લક્ષ્મણ મર્યા તેથી વાનરવંશીઓનો પક્ષ
તૂટયો છે, વાનરવંશીઓ લક્ષ્મણની ભુજાઓના આશ્રયથી ઉન્મત્ત થઈ રહ્યા હતા, હવે તે
શું કરશે, તે પક્ષ (મદદ) વિનાના થયા. રામને અગિયાર પખવાડિયાં થઈ ગયા, બારમું
પખવાડિયું થયું છે. તે મૂઢ બની ગયા છે, ભાઈના મડદાને ઉપાડીને ફરે છે, આવો મોહ
કોને હોય? જોકે રામ જેવા યુદ્ધા પૃથ્વી પર બીજા કોઈ નથી. તે હળ-મૂશળના ધારક
અજિતીય મલ્લ છે તો પણ ભાઈના શોકરૂપ કીચડમાં ફસાયેલા બહાર નીકળવા સમર્થ
નથી. તેથી અત્યારે રામ તરફના વેરનો બદલો લેવાની તક છે, જેના ભાઈએ આપણા
વંશના ઘણાનો સંહાર કર્યો છે. શંબૂકના ભાઈના પુત્રે જ્યારે ઇન્દ્રજિતના પુત્રને આ વાત
કરી ત્યારે તે ક્રોધથી પ્રજ્વલિત થયો, મંત્રીઓને આજ્ઞા આપી, રણભેરી વગડાવી સેના
ભેગી કરી શંબૂકના ભત્રીજા સાથે અયોધ્યા તરફ ચાલ્યો. સેનારૂપ સમુદ્ર લઈ પ્રથમ તો
તેણે સુગ્રીવ પર કોપ કર્યો કે સુગ્રીવને મારી અથવા પકડી તેનો દેશ પડાવી લઈએ, પછી
રામ સાથે લડીએ. ઇન્દ્રજિતના પુત્ર વજ્રમાલિએ આ વિચાર કર્યો અને સુંદરના પુત્ર
સહિત ચડાઈ કરી. આ સમાચાર સાંભળી રામના જે સેવક વિદ્યાધરો હતો તે બધા
રામચંદ્રની પાસેય અયોધ્યામાં આવી ભેગા થયા. જેવી ભીડ અયોધ્યામાં લવણ-અંકુશના
આવવાના દિવસે થઈ હતી તેવી થઈ. વેરીઓની સેના અયોધ્યાની સમીપે આવેલી
સાંભળીને રામચંદ્ર લક્ષ્મણને ખભા ઉપર લઈને જ ધનુષબાણ હાથમાં સંભાળીને
વિદ્યાધરોને સાથે લઈ પોતે બહાર નીકળ્યા. તે વખતે કૃતાંતવક્રનો જીવ અને જટાયુ
પક્ષીનો જીવ ચોથા સ્વર્ગમાં દેવ થયા હતા તેમનાં આસન કંપ્યાં. કૃતાંતવક્રનો જીવ સ્વામી
અને જટાયું પક્ષીનો જીવ સેવક હતો. કૃતાંતવક્રના જીવે જટાયુના જીવને કહ્યું-હે મિત્ર!
આજે તમે ગુસ્સે કેમ થયા છો? ત્યારે તેણે કહ્યું કે હું ગીધ પક્ષી હતો ત્યારે રામે મને
વહાલા પુત્રની જેમ રક્ષ્યો હતો અને જિનધર્મનો ઉપદેશ આપ્યો હતો. મરણસમયે ણમોકાર
મંત્ર આપ્યો હતો. તેથી હું દેવ થયો છું. અત્યારે તે તો ભાઈના શોકથી તપ્ત છે અને
શત્રુની સેના તેના ઉપર ચડી આવી છે. ત્યારે કૃતાંતવક્રનો જીવ જે દેવ હતો તેણે
અવધિજ્ઞાનથી જોઈને કહ્યું-હે મિત્ર! મારા એ સ્વામી હતા, હું તેમનો સેનાપતિ હતો,
તેમણે મને ખૂબ લાડ કર્યા છે, ભાઈ અને પુત્રોથી પણ અધિક ગણ્યો હતો. મારું એમને
વચન આપેલું છે કે તમે જ્યારે ખેદ પામશો ત્યારે તમારી પાસે હું આવીશ. આમ પરસ્પર
વાત કરીને ચોથા સ્વર્ગના વાસી તે બન્ને દેવ સુંદર આભૂષણ પહેરી, અયોધ્યા તરફ
ચાલ્યા. બન્ને વિચિક્ષણ, પરસ્પર બન્નેએ મસલત કરી લીધી. કૃતાંતવક્રના જીવે જટાયુના
જીવને કહ્યું કે તમે શત્રુઓની સેના તરફ જાવ,