રામ? જે વિષયસુખને વિષસહિત અન્ન સમાન જાણે છે અને સમસ્ત વિભૂતિને કુલટા
સ્ત્રી સમાન માને છે, એક કલ્યાણનું કારણ, મુનિઓને સેવવાયોગ્ય સુર-અસુરોથી પૂજ્ય
શ્રી મુનિ સુવ્રતનાથનો ભાખેલો માર્ગ તેમણે હૃદયમાં ધારણ કર્યો, જન્મ-મરણના ભયથી
જેમનું હૃદય કંપી ઊઠયું છે, જેમણે કર્મબંધ ઢીલાં કર્યાં છે, જેમણે રાગાદિક કલંક ધોઈ
નાખ્યાં છે, જેમનું ચિત્ત વૈરાગ્યરૂપ છે, તે કલેશભાવથી રહિત મેઘપટલરહિત ભાનુ જેવા
ભાસવા લાગ્યા, મુનિવ્રત ધારવાનો જેમનો અભિપ્રાય છે. તે સમયે અરહદાસ શેઠ આવ્યા.
શ્રી રામે તેમને ચતુર્વિધ સંઘના કુશળ પૂછયા. તેમણે કહ્યું-હે દેવ! તમારા કષ્ટથી
મુનિઓનાં મન પણ અનિષ્ટ સંયોગ પામ્યા. તેઓ વાત કરે છે અને સમાચાર આવ્યા છે
કે મુનિસુવ્રતનાથના વંશમાં ઉપજેલા ચાર ઋદ્ધિના ધારક સ્વામી સુવ્રત, મહાવ્રતના ધારક-
કામક્રોધના નાશક આવ્યા છે. આ વાત સાંભળી અતિઆનંદથી ભરાઈ ગયેલા રામ,
જેમના શરીરે રોમાંચ થઈ ગયાં છે, જેમનાં નેત્રો ખીલી ઊઠયાં છે, અનેક ભૂચર, ખેચર
રાજાઓ સહિત જેમ પ્રથમ બળભદ્રવિજય સ્વર્ણકુંભ સ્વામી પાસે જઈ મુનિ થયા હતા
તેમ મુનિ થવા સુવ્રત મુનિની પાસે ગયા. તે શ્રેષ્ઠ ગુણોના ધારક, જેમની આજ્ઞા હજારો
મુનિ માને છે, તેમની પાસે જઈ પ્રદક્ષિણા દઈ હાથ જોડી, મસ્તક નમાવી નમસ્કાર કર્યા.
સાક્ષાત્ મુક્તિનું કારણ એવા મહામુનિના દર્શન કરીને અમૃતના સાગરમાં મગ્ન થયા. પરમ
શ્રદ્ધાથી રામચંદ્રે મુનિરાજને જિનચંદ્રની દીક્ષા આપવાની વિનંતી કરી-હે યોગીશ્વરોના
ઇન્દ્ર! હું ભવપ્રપંચથી વિરક્ત થયેલો તમારું શરણ ગ્રહવા ચાહું છું. તમારા પ્રસાદથી
યોગીશ્વરોના માર્ગમાં વિહાર કરું. આ પ્રમાણે રામે પ્રાર્થના કરી. રામે સમસ્ત રાગદ્વેષાદિક
કલંક ધોઈ નાખ્યાં છે. ત્યારે મુનીન્દ્રે કહ્યું-હે નરેન્દ્ર! તમે આ કાર્ય માટે યોગ્ય જ છો, આ
સંસાર ક્યો પદાર્થ છે? એને તજી તમે જિનધર્મરૂપ સમુદ્રનું અવગાહન કરો, આ માર્ગ
અનાદિસિદ્ધ, બાધારહિત અવિનાશી સુખ આપનાર છે તેને તમારા જેવા બુદ્ધિમાન જ
આદરે છે. મુનિએ આમ કહ્યું એટલે સંસારથી વિરક્ત મહાપ્રવીણ રામ જેમ સૂર્ય સુમેરુની
પ્રદક્ષિણા કરે તેમ મુનીન્દ્રની પ્રદક્ષિણા કરવા લાગ્યા. જેમને જ્ઞાન પ્રગટયું છે, તેમણે
વૈરાગ્યરૂપ વસ્ત્ર પહેરી કર્મોના નાશ માટે કમર કસી, આશારૂપ પાશ તોડી, સ્નેહનું પીંજરું
બાળી, સ્ત્રીરૂપ બંધનથી છૂટી, મોહનું માન મારીને, હાર, કુંડળ, મુગટ, કેયૂર, કટિમેખલાદિ
સર્વ આભૂષણો ફેંકી દઈ બધાં વસ્ત્રો ત્યાંજ્યાં. જેમનું મન પરમતત્ત્વમાં લાગ્યું છે તેમણે
જેમ શરીરને તજે તેમ વસ્ત્રાભરણનો ત્યાગ કર્યો, પોતાના સુકુમાર કરથી કેશલોચ કર્યો,
પદ્માસન ધારણ કરીને બેઠા. શીલના મંદિર આઠમા બળભદ્ર સમસ્ત પરિગ્રહ તજીને રાહુ
રહિત સૂર્યની જેવા શોભવા લાગ્યા. તેમણે પાંચ મહાવ્રત લીધાં, પાંચ સમિતિ અંગીકાર
કરી, ત્રણ ગુપ્તિરૂપ ગઢમાં બિરાજ્યા, મનદંડ, વચનદંડ, કાયદંડને નષ્ટ કરનાર છ કાયના
મિત્ર સાત ભયરહિત, આઠ કર્મના રિપુ, નવ વાડે બ્રહ્મચર્ય પાળનાર, દશલક્ષણધર્મધારક,
શ્રીવત્સલક્ષણથી શોભિત જેમનું ઉરસ્થળ છે એવા ગુણભૂષણ સકળદૂષણરહિત તત્ત્વજ્ઞાનમાં દ્રઢ