Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 645 of 660
PDF/HTML Page 666 of 681

 

background image
પદ્મપુરાણ એકસો ઓગણીસમું પર્વ ૬૪પ
રામચંદ્ર મહામુનિ થયા. દેવોએ પંચાશ્ચર્ય કર્યા, દુંદુભિ વાજિંત્રો વાગ્યાં. કૃતાંતનો જીવ અને
જટાયુનો જીવ એ બન્ને દેવોએ મહાન ઉત્સવ કર્યો. જ્યારે પૃથ્વીપતિ રામ પૃથ્વીને તજીને
નીકળ્‌યા ત્યારે ભૂમિગોચરી વિદ્યાધર બધા જ રાજા આશ્ચર્ય પામ્યા, વિચારવા લાગ્યા કે
આવી વિભૂતિ, આવા રત્ન, આ પ્રતાપ ત્યજીને રામદેવ મુનિ થયા તો અમારે બીજો ક્યો
પરિગ્રહ છે કે જેના લોભથી ઘરમાં બેસી રહીએ. વ્રત વિના અમે આટલા દિવસ એમ જ
ગુમાવ્યા છે. આમ વિચારીને અનેક રાજા ગૃહબંધનથી છૂટી, રાગમય ફાંસી કાપીને, દ્વેષરૂપ
વેરીનો નાશ કરી, સર્વ પરિગ્રહનો ત્યાગ કરી મુનિ ભાઈ શત્રુઘ્ન પણ મુનિ થયા અને
વિભીષણ, સુગ્રીવ, નળ, નીલ, ચંદ્રનખ, વિરાધિત ઈત્યાદિ અનેક રાજા મુનિ થયા.
વિદ્યાધરો સર્વ વિદ્યાનો ત્યાગ કરી બ્રહ્મવિદ્યા પામ્યા. કેટલાકને ચારણઋદ્ધિ ઉત્પન્ન થઈ.
આ પ્રમાણે રામને વૈરાગ્ય થતાં સોળ હજારથી થોડા અધિક રાજાઓ મુનિ થયા અને
સત્તાવીસ હજાર રાણીઓ શ્રીમતી આર્યિકાની પાસે આર્યિકા થઈ.
પછી શ્રી રામ ગુરુની આજ્ઞા લઈ એકલવિહારી થયા. જેમણે સમસ્ત વિકલ્પો
છોડયા છે તે પર્વતોની ગુફામાં, પર્વતોનાં શિખર પર અને વિષમ વનમાં જ્યાં દુષ્ટ જીવો
ફરે છે ત્યાં શ્રી રામ જિનકલ્પી થઈ ધ્યાન ધરવા લાગ્યા. તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું
તેનાથી પરમાણું પર્યંત દેખતા હતા, તેમને જગતના સકળ મૂર્તિક પદાર્થ ભાસતા હતા.
તેમણે લક્ષ્મણના અનેક ભવ જાણ્યા, મોહનો સંબંધ તો નથી તેથી મન મમત્વ ન પામ્યું.
હવે રામના આયુષ્યનું વર્ણન સાંભળો. કુમારકાળ ૧૦૦ વર્ષ, મંડળિક પદ ૩૦૦ વર્ષ,
દિગ્વિજય ૪૦ વર્ષ અને ૧૧, પ૬૦ વર્ષ સુધી ત્રણ ખંડનું રાજ્ય કરી પછી મુનિ થયા.
લક્ષ્મણનું મરણ એ જ પ્રમાણે હતું. તેમાં દેવોનો દ્રોષ નહોતો અને ભાઈના મરણના
નિમિત્તે રામને વૈરાગ્યનો ઉદય હતો. અવધિજ્ઞાનના પ્રતાપથી રામે પોતાના અનેક ભવ
ગણ્યા. અત્યંત ધૈર્ય ધારી વ્રતશીલના પહાડ, શુક્લલેશ્યાથી યુક્ત, અતિગંભીર, ગુણોના
સાગર, મોક્ષલક્ષ્મીમાં તત્પર શુદ્ધોપયોગના માર્ગમાં પ્રવર્ત્યા. ગૌતમસ્વામી રાજા શ્રેણિક
આદિ સકળ શ્રોતાઓને કહે છે કે જેમ રામચંદ્ર જિનેન્દ્રના માર્ગમાં પ્રવર્ત્યા તેમ તમે સૌ
પ્રવર્તો, તમારી શક્તિ પ્રમાણે અત્યંત ભક્તિથી જિનશાસનમાં તત્પર થાવ, જિન નામનાં
અક્ષય (કદી નાશ ન પામે તેવાં) રત્નોને પામી હે પ્રાણીઓ! મિથ્યા આચરણ તજો.
દુરાચાર મહાન દુઃખનો દાતા છે, મિથ્યા શાસ્ત્રોથી જેનો આત્મા મોહિત છે અને જેમનું
ચિત્ત પાખંડક્રિયાથી મલિન છે તે કલ્યાણનો માર્ગ ત્યજી જન્માંધની જેમ કુમાર્ગમાં પ્રવર્તે
છે. કેટલાક મૂર્ખ સાધુનો ધર્મ જાણતા નથી અને સાધુને નાના પ્રકારનાં ઉપકરણ બતાવે
છે અને તેમને નિર્દોષ માની ગ્રહણ કરે છે તે વાચાળ છે. જે કુલિંગ એટલે ખોટા વેશ
મૂઢજનોએ આચર્યા છે તે વૃથા ખેદ પામે છે, તેમનાથી મોક્ષ નથી, જેમ કોઈ મૂર્ખ
મડદાનો ભાર વહે તે વૃથા ખેદ પામે છે. જેમને પરિગ્રહ નથી અને કોઈની પાસે યાચના
કરતા નથી તે ઋષિ છે. નિર્ગ્રંથ ઉત્તમ ગુણોથી મંડિત હોય તે પંડિતોએ સેવવાયોગ્ય છે.
આ મહાબલી બળદેવના વૈરાગ્યનું વર્ણન સાંભળી સંસારથી વિરક્ત થાવ, જેનાથી
ભવતાપરૂપ સૂર્યનો આતાપ પામો નહિ.