સર્વના ગર્ભાવતારમાં રત્નોની વર્ષા થશે. સર્વના જન્મકલ્યાણક સુમેરુ પર્વત પર
ક્ષીરસાગરના જળથી થશે, તે સર્વ ઉપમારહિત, તેજરૂપ, સુખ અને બળવાન થઈ સર્વ
કર્મશુત્રનો નાશ કરશે. મહાવીર સ્વામીરૂપી સૂર્યનો અસ્ત થયા પછી પાખંડરૂપ અજ્ઞાની
ચમત્કાર કરશે. તે પાખંડી સંસારરૂપ કૂવામાં પોતે પડશે અને બીજાઓને પાડશે.
ચક્રવર્તીઓમાં પ્રથમ ભરત થયા, બીજો તું સગર, ત્રીજા સનત્કુમાર, ચોથા મધવા, પાંચમા
શાંતિ, છઠ્ઠા કુંથુ, સાતમા અર, આઠમા સુભૂમ, નવમા મહાપદ્મ, દશમા હરિષેણ,
અગિયારમા જયસેન, બારમા બ્રહ્મદત્ત. આ બાર ચક્રવર્તી, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ
અને નવ બળદેવ થશે. તેમનું ચિત્ત ધર્મમાં સાવધ રહેશે. આ અવસર્પિણીના મહાપુરુષ
કહ્યા. એ જ પ્રમાણે ઉત્સર્પિણીમાં ભરત ઐરાવતમાં જાણવા. આ પ્રમાણે મહાપુરુષોની
વિભૂતિ અને કાળની પ્રવૃત્તિ તથા કર્મોને વશ થવાથી સંસારનું ભ્રમણ, કર્મરહિત
થનારાઓને મુક્તિનું નિરુપમ સુખ, એ સર્વકથન મેઘવાહને સાંભળ્યું. એ વિચક્ષણ પુરુષ
મનમાં વિચારવા લાગ્યો કે અરેરે! જે કર્મોથી આ જીવ આતાપ પામે છે તે જ કર્મોને
મોહમદિરાથી ઉન્મત્ત થયેલો આ જીવ બાંધે છે. આ વિષયો વિષની જેમ પ્રાણનું હરણ
કરનારા, કલ્પનામાત્ર મનોજ્ઞ છે. દુઃખ ઉત્પન્ન કરનારા છે. એમાં રતિ શા માટે કરવી?
આ જીવે ધન, સ્ત્રી, કુટુંબાદિમાં અનેક ભવોમાં રાગ કર્યો, પરંતુ એ પરપદાર્થ એના થયા
નહિ. આ સદાય એકલો જ સંસારમાં પરિભ્રમણ કરે છે અને સર્વ કુટુંબાદિક ત્યાં સુધી જ
તેના તરફ સ્નેહ રાખે છે, જ્યાં સુધી દાનથી એ તેમનું સન્માન કરે છે. જેમ કૂતરાના
બચ્ચાને જ્યાં સુધી રોટલાનો ટૂકડો ફેંકીએ ત્યાં સુધી જ તે આપણું હોય છે. અંતકાળે
પુત્ર, સ્ત્રી, બાંધવ, મિત્ર, ધનાદિકની સાથે કોણ ગયું અને એ કોની સાથે ગયા? આ
ભોગ છે તે કાળા સર્પની ફેણ સમાન ભયાનક છે, નરકનાં કારણ છે, તેનો સંગ ક્યો
બુદ્ધિમાન કરે? અહો! આ મહાન આશ્ચર્ય છે. લક્ષ્મી ઠગ છે, પોતાના આશ્રિતોને ઠગે છે,
એના જેવી બીજા દુષ્ટતા કઈ છે? જેમ સ્વપ્નમાં કોઈનો સમાગમ થાય છે તેમ કુટુંબનો
સમાગમ જાણવો. જેમ ઇન્દ્ર ધનુષ્ય ક્ષણભંગુર છે, તેમ પરિવારનું સુખ ક્ષણભંગુર જાણવું.
આ શરીર પાણીના પરપોટા સમાન અસાર છે અને આ જીવન વીજળીના ચમકારની પેઠે
અસાર, ચંચળ છે માટે આ સર્વનો ત્યાગ કરી એક ધર્મની જ સહાય અંગીકાર કરું. ધર્મ
સદા કલ્યાણકારી છે, કદાપિ વિઘ્નકારી નથી. સંસાર, શરીર, ભોગાદિક ચાર ગતિનાં
ભ્રમણનાં કારણ છે, મહાદુઃખરૂપ છે. સુખ ઇન્દ્રધનુષ્યવત્ અને શરીર જળબુદબુદવત્ ક્ષણિક
છે, એમ જાણી તે રાજા મેઘવાહને જેને મહાવૈરાગ્ય જ કવચ છે તેણે મહારક્ષ નામના
પુત્રને રાજ્ય આપીને ભગવાન શ્રી અજિતનાથની પાસે દીક્ષા અંગીકાર કરી. રાજાની
સાથે બીજા એકસો દસ રાજા વૈરાગ્ય પામી ઘરરૂપ બંદીખાનામાંથી છૂટયા.
વિદ્યાધર રાજાઓ સ્વપ્નમાં પણ તેની આજ્ઞા પામી આદરપૂર્વક પ્રતિબોધ પામી હાથ જોડી