વનને ભસ્મ કર્યું અને શુદ્ધ લેશ્યારૂપ ત્રિશૂળથી મોહરિપુને હણ્યો, વૈરાગ્યરૂપ વજ્રથી દ્રઢ
સ્નેહરૂપ પિંજરાના ચૂરા કર્યા. હે નાથ! હે ભવસૂદન! સંસારરૂપ વનથી જે ડરે છે તેમને
માટે તમે શરણ છો. હે સર્વજ્ઞ! કૃતકૃત્ય, જગતગુરુ, જેમણે પ્રાપ્ત કરવા યોગ્ય પદની પ્રાપ્તિ
કરી લીધી છે એવા હે પ્રભો! મારી રક્ષા કરો. મારું મન સંસારના ભ્રમણથી અત્યંત
વ્યાકુળ છે. તમે અનાદિનિધન જિનશાસનનું રહસ્ય જાણી પ્રબળ તપથી સંસારસાગરથી
પાર થયા. હે દેવાધિદેવ! આ તમને શું યોગ્ય છે કે મને ભવવનમાં તજી આપ એકલા
વિમળપદ પામ્યા? ત્યારે ભગવાને કહ્યું- હે પ્રતીન્દ્ર! તું રાગ તજ. જે વૈરાગ્યમાં તત્પર છે
તેમની જ મુક્તિ થાય છે. રાગી જીવ સંસારમાં ડૂબે છે. જેમ કોઈ શિલાને ગળે બાંધી
ભુજાઓ વડે નદીને તરી શકે નહિ તેમ રાગાદિના ભારથી ચતુર્ગતિરૂપ નદી તરી શકાય
નહિ. જે જ્ઞાન, વૈરાગ્ય, શીલ, સંતોષના ધારક છે તે જ સંસારને તરે છે. જે શ્રી ગુરુનાં
વચનથી આત્માનુભવના માર્ગમાં લાગ્યા છે તે જ ભવભ્રમણથી છૂટયા છે, બીજો ઉપાય
નથી. કોઈના લઈ જવાથી કોઈ લોકશિખરે જઈ શકે નહિ, એકમાત્ર વીતરાગભાવથી જ
જાય. આ પ્રમાણે શ્રીરામ ભગવાને સીતાના જીવને કહ્યું. આ વાત ગૌતમ સ્વામીએ રાજા
શ્રેણિકને કહી અને ઉમેર્યું કે હે નૃપ! સીતાના જીવ પ્રતીન્દ્રે જે કેવળીને પૂછયું અને એમણે
જવાબ આપ્યો તે તું સાંભળ. પ્રતીન્દ્રે પૂછયું-હે નાથ! દશરથાદિક ક્યાં ગયા અને લવ-
અંકુશ ક્યાં જશે? ત્યારે ભગવાને કહ્યું-દશરથ, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી, સુપ્રભા અને
જનકનો ભાઈ, કનક આ બધા તપના પ્રભાવથી તેરમા દેવલોકમાં ગયા છે, એ બધા જ
સમાન ઋદ્ધિના ધારક દેવ છે અને લવ-અંકુશ મહાભાગ્યવાન કર્મરૂપ રજથી રહિત થઈ
આ જ જન્મમાં વિમળપદને પામશે. આ પ્રમાણે કેવળીની વાણી સાંભળી ફરીથી પૂછયું-હે
પ્રભો! ભામંડળ ક્યાં ગયો? ત્યારે તેમણે કહ્યું-હે પ્રતીન્દ્ર! તારો ભાઈ રાણી સુંદરમાલિની
સહિત મુનિદાનના પ્રભાવથી દેવકુરુ ભોગભૂમિમાં ત્રણ પલ્યના આયુષ્યનો ભોક્તા
ભોગભૂમિમાં થયો છે. તેના દાનની વાત સાંભળ-અયોધ્યામાં એક બહુકોટિ શેઠ કુલપતિ
રહેતો. તેની સ્ત્રીનું નામ મકરા હતું. તેને રાજાઓ જેવો પરાક્રમી પુત્ર હતો. જ્યારે
કુલપતિએ સાંભળ્યું કે સીતાને વનમાં મોકલી દેવામાં આવી છે ત્યારે તેણે વિચાર્યું-તે
મહાગુણવતી, શીલવતી, સુકુમાર અંગવાળી, નિર્જન વનમાં એકલી કેવી રીતે રહેશે?
ધિક્કાર છે સંસારની ચેષ્ટાને! આમ વિચારીને ચિત્તમાં દયા લાવી દ્યુતિ ભટ્ટારકની સમીપે
મુનિ થયો. તેને બે પુત્ર અશોક અને તિલક નામના હતા. આ બન્ને પણ મુનિ થયા.
દ્યુતિ ભટ્ટારક સમાધિમરણ કરી નવમી ગ્રૈવેયકમાં અહમિન્દ્ર થયા અને આ પિતા અને
બેય પુત્રો તામ્રચૂર્ણ નામના નગરમાં કેવળીની વંદના કરવા ગયા. માર્ગમાં પચાસ
યોજનની એક અટવી આવી ત્યાં ચાતુર્માસ કરીને રહ્યા. એક વૃક્ષ નીચે ત્રણે સાધુ
બિરાજ્યા, જાણે સાક્ષાત્ રત્નત્રય જ છે. ત્યાં ભામંડળ આવી ચડયો, અયોધ્યા આવતો
હતો, તેણે વિષમ વનમાં મુનિઓને જોઈ વિચાર કર્યો કે આ મહાપુરુષ જિનસૂત્રની
આજ્ઞા-પ્રમાણ નિર્જન વનમાં બિરાજ્યા છે.