Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 48 of 660
PDF/HTML Page 69 of 681

 

background image
૪૮ પાંચમું પર્વ પદ્મપુરાણ
ભેળા જ હોય છે. તેઓ સાથે જ ભેગા થઈને મારી પાસે આવે છે અને નમસ્કાર કરે છે
અને આજે આ બે જ દીન મુખે આવેલા દેખાય છે તેથી લાગે છે કે બીજા બધા કાળવશ
થયા છે. આ રાજાઓ મને અન્યોક્તિ વડે સમજાવે છે, તેઓ મારું દુઃખ જોઈ શકવાને
અસમર્થ છે, આમ જાણીને રાજાએ શોકરૂપી સર્પથી ડંસ પામવા છતાં પણ પ્રાણ ત્યજ્યા
નહિ. મંત્રીઓનાં વચનથી શોકને દબાવી, સંસારને કેળના ગર્ભ સમાન અસાર જાણી,
ઇન્દ્રિયોનાં સુખ છોડી, ભગીરથને રાજ્ય આપી જિનદીક્ષા ગ્રહણ કરી. આ આખીયે છ
ખંડની ધરતીને જીર્ણ ઘાસ સમાન જાણીને છોડી દીધી. તેમણે ભીમરથ સહિત શ્રી
અજિતનાથ ભગવાનની નિકટ મુનિ થઈ, કેવળજ્ઞાન ઉપજાવીને સિદ્ધપદની પ્રાપ્તિ કરી.
ત્યારપછી એક વખત સગરના પુત્ર ભગીરથે શ્રુતસાગર મુનિને પૂછયું કે હે
પ્રભો! અમારા ભાઈઓ એક સાથે જ મરણ પામ્યા તેમાંથી ફકત હું જ બચ્યો, તો તે
કયા કારણથી? ત્યારે મુનિરાજ બોલ્યા કે એક વખત ચતુર્વિધસંઘ વંદના નિમિત્તે
સમ્મેદશિખર જતો હતો. તે ચાલતાં ચાલતાં અંતિક ગ્રામ પાસે આવી પહોંચ્યો. તેમને
જોઈને અંતિક ગ્રામના લોકો દુર્વચન બોલવા લાગ્યા અને મશ્કરી કરવા લાગ્યા. ત્યાં એક
કુંભારે તેમને રોકયા અને મુનિઓની સ્તુતિ કરવા લાગ્યો. પછી તે ગામના એક માણસે
ચોરી કરી એટલે રાજાએ આખા ગામને બાળી નાખ્યું. તે દિવસે તે કુંભાર કોઈ બીજે
ગામ ગયો હતો તેથી તે બચી ગયો. તે કુંભાર મરીને વણિક થયો અને ગામના બીજા જે
લોકો મરણ પામ્યા હતા તે બેઈન્દ્રિય કોડી થયા. કુંભારના જીવ મહાજને તે સર્વ કોડી
ખરીદી લીધી. પછી તે મહાજન મરીને રાજા થયો અને કોડીના જીવ મરીને કીડીઓ થઈ
તે હાથીના પગ નીચે કચરાઈ ગઈ. રાજા મુનિ થઈને દેવ થયો અને દેવમાંથી તું ભગીરથ
થયો અને ગામના લોકો કેટલાક ભવ કરીને સગરના પુત્રો થયા. તેમણે મુનિસંઘની
નિંદાના કારણે જન્મોજન્મ કુગતિ પ્રાપ્ત કરી અને તું સ્તુતિ કરવાના કારણે આવો થયો.
આ પૂર્વભવ સાંભળીને ભગીરથ પ્રતિબોધ પામ્યો. તેણે મુનિરાજનાં વ્રત ધારણ કર્યાં અને
અંતે પરમપદની પ્રાપ્તિ કરી.
ગૌતમસ્વામી રાજા શ્રેણિકને કહે છે - ‘હે શ્રેણિક! આ સગરનું ચરિત્ર તને કહ્યું.
આગળ લંકાની કથા કહીએ છીએ તે સાંભળ.’ મહારિક્ષ નામનો વિદ્યાધર ઘણી સંપદા
સહિત લંકામાં નિષ્કંટક રાજ્ય કરતો. તે એક દિવસ પ્રમદ નામના ઉદ્યાનમાં રાજ્યના
લોકો સાથે ક્રીડા માટે ગયો. પ્રમદ ઉદ્યાન કમળોથી પૂર્ણ સરોવરોથી શોભે છે. નાના
પ્રકારનાં રત્નોથી પ્રભા ધારણ કરતા ઊંચા પર્વતોથી મહારમણીય છે. સુંગધી પુષ્પો ભરેલાં
વૃક્ષોથી શોભિત અને મધુર શબ્દો બોલનાર પક્ષીઓના સમૂહથી અતિસુન્દર છે, જ્યાં
રત્નોની રાશિ છે અને અતિસઘન પત્રપુષ્પોથી મંડિત લતાઓનાં મંડપો જ્યાં ઠેરઠેર
છવાયેલા છે એવા વનમાં રાજાએ રાજ્યલોક સહિત નાનાપ્રકારની ક્રીડા કરી.
રતિસાગરમાં ડૂબતાં તેણે નંદનવનમાં ઇન્દ્ર ક્રીડાકરે તેમ ક્રીડા કરી.
ત્યાં સૂર્યાસ્ત થતાં કમળો બિડાઈ ગયાં. તેમાં ભમરાઓને ગુંગળાઈને મરેલા જોઈને