ઈચ્છા ઉત્પન્ન થઈ છે. રાજા વિચારે છે કે જુઓ, પુષ્પરસમાં આસક્ત આ મૂઢ ભમરો
ગંધથી તૃપ્ત ન થયો અને મૃત્યુ પામ્યો. ધિક્કર હો આવી ઈચ્છાને! જેમ કમળના રસમાં
આસક્ત આ ભમરો મરણ પામ્યો તેમ હું સ્ત્રીઓના મુખરૂપી કમળનો ભ્રમર બનીને,
મરીને કુગતિમાં જઈશ. જો આ ભ્રમરો એક નાસિકા ઇન્દ્રિયનો લોલુપી નાશ પામ્યો તો હું
તો પાંચેય ઇન્દ્રિયોનો લોભી છું. મારી શી દશા થશે અથવા આ ચૌરીન્દ્રિય જીવ અજ્ઞાની
હોવાથી ભૂલ્યો તો ભલે ભૂલ્યો, પણ હું જ્ઞાનસંપન્ન હોવા છતાં વિષયોને વશ કેમ થયો?
મધ ચોપડેલી ખડ્ગની ધારને ચાટવામાં સુખ શાનું હોય? જીભના જ ટુકડા થાય છે. તેવા
વિષયના સેવનમાં સુખ ક્યાંથી હોય? અનંત દુઃખોનું ઉપાર્જન જ થાય છે. વિષફળ
સમાન વિષયોથી જે મનુષ્ય પરાઙમુખ છે તેમને હું મન, વચન, કાયાથી નમસ્કાર કરું છું.
અરેરે! આ અત્યંત ખેદની વાત છે કે હું પાપી ઘણા દિવસો સુધી આ દુષ્ટ વિષયોથી
ઉગાઈ ગયો. આ વિષયોનો પ્રસંગ વિષમ છે. વિષ તો એક ભવમાં પ્રાણ હરે છે અને આ
વિષયો અનંતભવમાં પ્રાણ હરે છે. જ્યારે રાજાએ આવો વિચાર કર્યો તે વખતે વનમાં
શ્રુતસાગર મુનિ આવ્યા. તે મુનિ પોતાના રૂપથી ચન્દ્રમાની ચાંદનીને જીતે છે અને
દીપ્તિથી સૂર્યને જીતે છે, સ્થિરતાના સુમેરુથી અધિક છે. જેમનું મન એક ધર્મધ્યાનમાં જ
આસક્ત છે અને જેમણે રાગદ્વેષ બેયને જીતી લીધા છે તથા મન, વચન, કાયાના
અપરાધ જેણે તજ્યા છે, ચાર કષાયોને જીતનાર, પાંચ ઈન્દ્રિયોને વશ કરનાર, છ કાયના
જીવ પ્રત્યે દયાળુ, સાત ભયવર્જિત, આઠ મદરહિત, નવ નયના વેત્તા, શીલની નવવાહના
પાળનાર, દસ લક્ષણ ધર્મસ્વરૂપ, પરમ તપને ધારણ કરનાર, સાધુઓના સમૂહ સહિત
સ્વામી પધાર્યાં. તેઓ જીવજંતુરહિત પવિત્ર સ્થાન જોઈને વનમાં રહ્યા. તેમના શરીરની
જ્યોતિથી દશે દિશામાં ઉદ્યોત થઈ ગયો.
આવીને મુનિના પગમાં પડયા. તે મુનિનું મન અતિપ્રસન્ન છે, તેમનાં ચરણકમળ
કલ્યાણના દેનાર છે. રાજાએ સમસ્ત સંઘને નમસ્કાર કરી, કુશળ પૂછી, એક ક્ષણ બેસીને,
ભક્તિભાવથી મુનિને ધર્મનું સ્વરૂપ પૂછયું. મુનિના હૃદયમાં શાંતભાવરૂપી ચન્દ્રમા પ્રકાશ
પાથરી રહ્યો હતો. તે વચનરૂપી કિરણોથી ઉદ્યોત કરતા થકા વ્યાખ્યાન કરવા લાગ્યા કે હે
રાજા, ધર્મનું લક્ષણ જીવદયા જ છે અને સત્ય વચનાદિ સર્વ ધર્મનો જ પરિવાર છે. આ
જીવ કર્મના પ્રભાવથી જે ગતિમાં જાય છે તે જ શરીરમાં મોહિત થાય છે માટે જો કોઈ
ત્રણ લોકની સંપદા આપે તો પણ તે પ્રાણી પોતાનો પ્રાણ ત્યાગતો નથી. બધા જીવોને
પ્રાણ સમાન બીજું કાંઈ વ્હાલું નથી. બધા જ જીવવાની ઈચ્છા રાખે છે. મરવાને કોઈ
ઈચ્છતું નથી. ઘણું કહેવાથી શું? જેમ આપણને આપણા પ્રાણ વ્હાલા છે, તેવી જ રીતે
બધાને વ્હાલા હોય છે તેથી જે મૂર્ખ પરજીવના પ્રાણ હરે છે, તે