રહો, તમારા મનને ગમે તે સ્થાન લઈ લ્યો. મારું મન તમને છોડી શકતું નથી અને તમે
મારી પ્રીતિનું બંધન તોડાવી કેવી રીતે જશો? આમ શ્રીકંઠને કહીને પછી પોતાના આનંદ
નામના મંત્રીને કહ્યું કે તમે મહાબુદ્ધિમાન છો અને અમારા દાદાના વખતના છો,
તમારાથી સાર-અસાર કાંઇ છૂપું નથી, માટે આ શ્રીકંઠને યોગ્ય જે સ્થાનક હોય તે
બતાવો. ત્યારે આનંદે કહ્યું કે મહારાજ! આપનાં બધાં જ સ્થાન મનોહર છે તો પણ આપ
જ જોઈને જે નજરમાં આવે તે આપો. સમુદ્રની વચ્ચે ઘણા દ્વીપ છે. કલ્પવૃક્ષ સમાન
વૃક્ષોથી મંડિત, નાના પ્રકારનાં રત્નોથી શોભિત મોટા મોટા પહાડવાળા, જ્યાં દેવો ક્રીડા
કરે છે તે દ્વીપોમાં મહારમણીક નગરો છે અને જ્યાં સ્વર્ગીય રત્નોના મહેલો છે તેમનાં
નામ સાંભળો. સંધ્યાકાર, સુવેલ, કાંચન, હરિપુર, જોધન, જલધિધ્વાન, હંસદ્વીપ, ભરક્ષમઠ,
અર્ધસ્વર્ગ, કૂટાવર્ત, વિઘટ, રોધન, અમલકાંત, સ્ફુટતટ, રત્નદ્વીપ, તોયાવલી, સર,
અલંઘન, નભોભાન, ક્ષેમ ઇત્યાદિ મનોજ્ઞ સ્થાનો છે, જ્યાં દેવ પણ ઉપદ્રવ કરી શકે તેમ
નથી. અહીંથી ઉત્તર ભાગમાં ત્રણસો યોજન સમુદ્રની વચ્ચે વાનરદ્વીપ છે, જે પૃથ્વીમાં
પ્રસિદ્ધ છે, ત્યાં બીજા બહુ રમણીક દ્વીપો છે. કેટલાક તો સૂર્યકાંતમણિની જ્યોત કરતાં પણ
વધુ દેદીપ્યમાન છે અને કેટલાક હરિતમણિની કાંતિથી એવા શોભે છે કે જાણે ઊગેલી
લીલી હરિયાળીથી ભૂમિ વ્યાપ્ત થઈ રહી હોય! અને કેટલાક શ્યામ ઇન્દ્રનીલમણિની
કાંતિના સમૂહથી એવા શોભે છે કે જાણે સૂર્યના ભયથી અંધકાર ત્યાં શરણે આવીને રહ્યો
છે. ક્યાંક લાલ પદ્મરાગમણિના સમૂહથી જાણે લાલ ફૂલોનું વન જ શોભે છે. ત્યાં એવો
સુગંધી પવન વાય છે કે આકાશમાં ઊડતાં પક્ષી પણ સુંગધથી મગ્ન થઈ જાય છે અને
ત્યાં વૃક્ષો પર આવીને બેઠાં છે. સ્ફટિકમણિની વચ્ચે મળેલા પદ્મરાગમણિથી સરોવરમાં
કમળ ખીલેલાં જણાય છે. તે મણિની જ્યોતિથી કમળનો રંગ જણાતો નથી. ત્યાં ફૂલોની
સુવાસથી પક્ષી ઉન્મત્ત થઇને એવા મધુર શબ્દો કરે છે કે જાણે તેઓ સમીપના દ્વીપ સાથે
અનુરાગભરી વાતો કરી રહ્યા હોય. ત્યાં ઔષધોની પ્રભાના સમૂહથી અંધકાર દૂર થાય
છે, ત્યાં કૃષ્ણ પક્ષમાં પણ ઉદ્યોત જ થઈ રહે છે. ત્યાં ફળો અને પુષ્પોથી મંડિત વૃક્ષોનો
આકાર છત્ર સમાન છે. તેને મોટીમોટી ડાળીઓ છે તેના ઉપર પક્ષીઓ કલરવ કરી રહ્યાં
છે. ત્યાં વાવ્યા વિના જ ધાન્ય આપમેળે જ ઊગે છે. કેવા છે તે ધાન્ય! વીર્ય અને
કાંતિનો વિસ્તાર કરતા મંદ પવનથી ડોલતાં શોભી રહ્યાં છે, તેનાથી પૃથ્વીએ જાણે કે
ચોળી (કંચુકી) પહેરી છે. ત્યાં લાલ કમળો ખીલી રહ્યાં છે, તેના ઉપર ભમરાઓ
ગુંજારવ કરી રહ્યા છે જાણે કે સરોવર નેત્રો વડે પૃથ્વીનો વિલાસ દેખી રહ્યું છે. નીલકમળ
તો સરોવરનાં નેત્ર થયાં અને ભમરાઓ આંખની ભ્રમર બની. ત્યાં છોડવા અને શેરડીના
સાંઠાની વિસ્તીર્ણ વાડ છે તે પવન વડે હાલવાથી અવાજ કરે છે. આવો સુન્દર વાનરદ્વીપ
છે. તેની મધ્યમાં કિહકુન્દા નામનો પર્વત છે. તે પર્વત રત્ન અને સુવર્ણની શિલાના
સમૂહથી શોભાયમાન છે. જેવો આ ત્રિકૂટાચલ મનોજ્ઞ છે તેવો જ કિહકુન્દ પર્વત મનોજ્ઞ છે.