મળીને છાતીસરસા ભેટીને ખૂબ સન્માન આપ્યું. એમની વચ્ચે અરસપરસ કુશળ વાર્તા
ચાલી રહી હતી. ત્યાં જ રાજા પુષ્પોત્તર સેના સહિત આકાશમાં આવ્યો. કીર્તિધવલે તેમને
દૂરથી જોયા કે રાજા પુષ્પોત્તરની સાથે અનેક મહાતેજસ્વી વિદ્યાધરો છે, ખડ્ગ,
ધનુષ્યબાણ ઈત્યાદિ શસ્ત્રોના સમૂહથી આકાશમાં પ્રકાશ થઈ રહ્યો છે, વાયુ સમાન
વેગવાળા માયામયી તુરંગ, કાળી ઘટા સમાન માયામયી ગજ, જેમની સૂંઢ અને ઘંટડીઓ
હલી રહી છે, માયામયી સિંહ અને મોટામોટા વિમાનોથી ભરેલું આકાશ જોયું. ઉત્તર દિશા
તરફ સેનાનો સમૂહ જોઈને રાજા કીર્તિધવલે ક્રોધસહિત હસીને મંત્રીઓને યુદ્ધ કરવાની
આજ્ઞા આપી. ત્યારે શ્રીકંઠે લજ્જાથી નીચે જોઈને કહ્યું કે મારી સ્ત્રી અને મારા કુટુંબનું
તો આપ રક્ષણ કરો અને હું આપના પ્રતાપથી યુદ્ધમાં શત્રુને જીતી લાવીશ. ત્યારે
કીર્તિધવલે કહ્યું કે તારે આવી વાત કરવી યોગ્ય નથી, તું સુખેથી રહે, યુદ્ધ કરવા માટે
અમે ઘણા છીએ. જો આ દુર્જન નમ્રતાથી શાંત થાય તો ઠીક છે, નહિ તો તે મૃત્યુના
મુખમાં પડશે. આમ કહીને પોતાના સાળાને સુખેથી પોતાના મહેલમાં રાખી રાજા
પુષ્પોત્તર પાસે મહાબુદ્ધિશાળી દૂતો મોકલ્યા. તે દૂત જઈને પુષ્પોત્તરને કહેવા લાગ્યા કે
અમારા દ્વારા રાજા કીર્તિધવલે આપને બહુ જ આદરપૂર્વક કહેવરાવ્યું છે કે આપ મહાન
કુળમાં ઉત્પન્ન થયા છો, આપનાં કાર્યો નિર્મળ છે, આપ સર્વશાસ્ત્રના વેત્તા છો,
જગપ્રસિદ્ધ છો અને ઉંમરમાં સૌથી મોટા છો. આપે જે મર્યાદાની રીત જોઈ છે તે કોઈએ
કાનથી સાંભળી નથી. આ શ્રીકંઠ પણ ચન્દ્રમાના કિરણ સમાન નિર્મળ કુળમાં જન્મ્યો છે,
ધનવાન છે, વિનયવાન છે, સુન્દર છે, સર્વ કળામાં નિપુણ છે. આ કન્યા આવા જ વરને
આપવાને યોગ્ય છે. કન્યાનાં અને આનાં રૂપકુળ સમાન છે તો પછી તમારી સેનાનો
નાશ શા માટે કરાવવો? કન્યાનો તો એ સ્વભાવ જ છે કે તે પારકા ઘરનું સેવન કરે.
જ્યારે દૂત આ વાત કરી રહ્યા હતા ત્યારે પદ્માભાની મોકલેલી સખી પુષ્પોત્તરની નજીક
આવી અને કહેવા લાગી કે આપની પુત્રીએ આપના ચરણાવિંદમાં નમસ્કાર કરીને
વિનંતી કરી છે કે હું તો શરમને લીધે તમારી પાસે આવી નથી અને સખીને મોકલી છે.
હે પિતા! આ શ્રીકંઠનો જરા પણ દોષ નથી, અલ્પ પણ અપરાધ નથી, હું કર્માનુસાર
એની સાથે આવી છું. જે મોટા કુળમાં ઊપજેલી સ્ત્રી છે તેને એક જ વર હોય છે તેથી
આના સિવાય બીજાનો મારે ત્યાગ છે. આ પ્રમાણે આવીને સખીએ વિનંતિ કરી ત્યારે
રાજા ચિંતાતુર બની ગયો અને મનમાં વિચાર્યું કે હું સર્વ વાતે સમર્થ છું, યુદ્ધમાં લંકાના
સ્વામીને જીતીને શ્રીકંઠને બાંધીને લઈ જઈ શકું તેમ છું, પણ જ્યારે મારી કન્યા જ એને
વરી છે તો હું એને શું કહું? આમ જાણીને યુદ્ધ ન કર્યું અને જે કીર્તિધવલના દૂત આવ્યા
હતા. તેમને સન્માન આપીને વિદાય કર્યા તથા જે પુત્રીની સખી આવી હતી તેને પણ
સન્માન આપીને વિદાય કરી. સર્વ અર્થના વેત્તા રાજા પુષ્પોત્તર પુત્રીની વિનંતીથી શ્રીકંઠ
પર ક્રોધ ત્યજી પોતાના સ્થાનકે ગયા.