ભોગવો. આ પ્રમાણે યુવરાજે વિનંતી કરી અને અશ્રુવર્ષા કરી, તો પણ રાજાના મનમાં
શિથિલતા ન આવી. ત્યારે મહાનીતિના જ્ઞાતા મંત્રીએ પણ અતિ દીન થઇને ઘણી વિનંતી
કરી કે હે નાથ! અમે અનાથ છીએ. જેમ વેલ વૃક્ષના આધારે ટકી રહે છે તેમ અમે
આપનાં ચરણોના આધારે છીએ. તમારા મનમાં અમારું મન ચોંટી રહ્યું છે માટે અમને
છોડીને જવું યોગ્ય નથી. આ પ્રમાણે ઘણી વિનંતી કરી તો પણ રાજાએ માન્યું નહિ. ત્યારે
રાણીએ ઘણી વિનંતી કરી, ચરણોમાં આળોટી પડી અને બહુ આંસુ સાર્યાં. રાણી ગુણોના
સમૂહરૂપ હતી, રાજાની પ્યારી હતી, તો પણ રાજાએ નીરસ ભાવે તેને જોઈ. રાણી કહેતી
હતી કે હે નાથ! અમે આપના ગુણોથી ઘણા દિવસોથી બંધાયેલા છીએ, આપ અમારા
માટે લડાઈ લડયા અને મહાલક્ષ્મી સમાન પ્રેમથી રાખી, હવે એ સ્નેહપાશ તોડીને ક્યાં
જાવ છો? રાણીની આવી અનેક કાકલૂદી પણ રાજાએ ચિત્તમાં લીધી નહિ. રાજાના મોટા
મોટા સામંતોએ વિનંતી કરી કે હે દેવ! આ નવયૌવનમાં રાજ્ય છોડી ક્યાં જાવ છો?
બધા પ્રત્યે સ્નેહ શા માટે તોડયો? ઇત્યાદિ સ્નેહનાં અનેક વચનો કહ્યાં, પરંતુ રાજાએ
કોઇનું સાંભળ્યું નહિ. સ્નેહપાશ છેદી, સર્વપરિગ્રહનો ત્યાગ કરી, પ્રતિચન્દ્ર પુત્રને રાજ્ય
આપી, પોતે પોતાના શરીરથી પણ ઉદાસ થઈ, દિગંબરી દીક્ષા ધારણ કરી. પૂર્ણબુદ્ધિમાન,
મહાધીરવીર, પૃથ્વી ઉપર ચન્દ્રમા સમાન ઉજ્જવળ કીર્તિવાળા રાજા ધ્યાનરૂપ ગજ ઉપર
સવાર થઈ તપરૂપી તીક્ષ્ણ શસ્ત્રથી કર્મશત્રુને કાપી સિદ્ધપદને પામ્યા. પ્રતિચન્દ્ર પણ
કેટલાક દિવસ રાજ્ય કરી પોતાના પુત્ર કિંહકન્ધને રાજ્ય આપી અને નાના પુત્ર અંધ્રકરૂઢને
યુવરાજપદ આપી પોતે દિગંબર થઈ શુક્લ ધ્યાનના પ્રભાવથી સિદ્ધસ્થાનને પામ્યા.
સ્થનૂપુર નામનું દેવનગર સમાન નગર હતું. ત્યાંનો રાજા અશનિવેગ મહાપ્રરાક્રમી બન્ને
શ્રેણીનો સ્વામી હતો. તેની કીર્તિ શત્રુઓનું માન હરતી. તેનો પુત્ર મહારૂપવાન વિજયસિંહ
હતો. આદિત્યપુરના વિદ્યાધર રાજા વિદ્યામંદિર અને રાણી વેગવતીની પુત્રી શ્રીમાલાના
વિવાહ નિમિત્તે જે સ્વયંવર મંડપ રચાયો હતો અને અનેક વિદ્યાધરો જ્યાં આવ્યા હતા
ત્યાં વિજયસિંહ પધાર્યા. શ્રીમાલાની કાંતિથી આકાશમાં પ્રકાશ થઈ રહ્યો છે, સફળ
વિદ્યાધર રાજાઓ સિંહાસન ઉપર બેઠા છે. મોટા મોટા રાજાઓના કુંવરો થોડા થોડા
સમૂહમાં ઊભા છે. બધાની દ્રષ્ટિ નીલકમળની પંક્તિ સમાન શ્રીમાલા ઉપર પડી છે. કેવી
છે શ્રીમાલા? જેને કોઇના પ્રત્યે રાગદ્વેષ નથી, મધ્યસ્થ પરિણામ છે. મદનથી તપ્ત
ચિત્તવાળા તે વિદ્યાધર કુમારો અનેક પ્રકારની વિકારી ચેષ્ટાઓ કરવા લાગ્યા. કેટલાક
માથાનો મુગટ સ્થિર હોવા છતાં સુંદર હાથ વડે વ્યવસ્થિત કરવા લાગ્યા. કેટલાકનાં ખંજર
ખુલ્લાં હોવા હતાં હાથના આગળના ભાગથી હલાવવા લાગ્યા. કેટલાક કટાક્ષદ્રષ્ટિથી જોવા
લાગ્યા. કેટલાકની પાસે માણસો ચામર અને પંખા ઢોળતા હતા તો પણ મહાસુંદર