લાગ્યો. શોકરૂપ અગ્નિથી તપેલા ચિત્તવાળો તે ઘણા લાંબા સમય સુધી ભાઈના ગુણોનું
ચિંત્વન કરતો તે શોકસમુદ્રમાં ડૂબી ગયો. હાય ભાઈ! મારા જીવતાં તું મરણ પામ્યો,
મારો જમણો હાથ ભાંગી ગયો. પહેલાં હું તને એક ક્ષણ ન જોતો તો પણ અત્યંત વ્યાકુળ
થતો. હવે હું તારા વિના કેવી રીતે પ્રાણ ટકાવીશ? અથવા મારું ચિત્ત વજ્રનું છે, કેમ કે
તારા મૃત્યુના સમાચાર સાંભળવા છતાં પણ તે શરીરને છોડતું નથી. હે ભાઈ! તારું તે
મલકતું મુખ અને નાની ઉંમરમાં મહાન વીરની ચેષ્ટાઓ સંભારી સંભારીને મને અત્યંત
દુઃખ થાય છે. આ પ્રમાણે મહાવિલાપથી ભાઈનો સ્નેહ સંભારી કિહકંધ ખેદખિન્ન થયો.
ત્યારે લંકાના ધણી સુકેશે અને મોટા મોટા પુરુષોએ કિહકંધને ઘણું સમજાવ્યો કે ધીર
પુરુષે આવી રંક ચેષ્ટા કરવી યોગ્ય નથી. ક્ષત્રિયનું વીરકુળ છે તે મહાસાહસરૂપ છે અને
આ શોકને પંડિતોએ મહાપિશાચ કહ્યો છે. કર્મના ઉદયથી ભાઈનો વિયોગ થયો છે, આ
શોક નિરર્થક છે. જો શોક કરવાથી ગયેલાનું ફરીથી આગમન થતું હોય તો શોક કરીએ.
આ શોક શરીરનું શોષણ કરે છે અને પાપનો બંધ કરે છે. તે મહામોહનું મૂળ છે તેથી આ
વેરી શોકને ત્યજીને, પ્રસન્ન થઈ કર્તવ્યમાં બુદ્ધિને જોડ. આ અશનિવેગ વિદ્યાધર અતિ
પ્રબળ શત્રુ છે, તો આપણો પીછો છોડશે નહિ, આપણા નાશનો ઉપાય તે વિચારી રહ્યો
છે માટે હવે જે કર્તવ્ય હોય તેનો વિચાર કરો. વેરી બળવાન હોય ત્યારે ગુપ્ત સ્થાનમાં
સમય વિતાવવો, જેથી શત્રુથી અપમાન ન થાય. પછી કેટલાક સમય પછી વેરીનું બળ
ઘટે ત્યારે વેરીને દબાવવો. વૈભવ સદા એક સ્થાનમાં રહેતો નથી. માટે આપણી
પાતાળલંકા જે મહાન આશ્રયસ્થાન છે ત્યાં થોડો વખત રહો. આપણા કુળમાં જે વડીલો
છે તે એ સ્થાનની ઘણી પ્રશંસા કરે છે. જેને જોતાં સ્વર્ગલોકમાં પણ મન લાગે નહિ એવું
એ સ્થાન છે માટે ઊઠો, તે સ્થાન વેરીઓથી અગમ્ય છે. આ પ્રમાણે રાજા સુકેશીએ રાજા
કિહકંધને ઘણો સમજાવ્યો તો પણ તેણે શોક છોડયો નહિ એટલે રાણી શ્રીમાળાને બતાવી.
તેને જોતાં તેનો શોક મટયો. પછી રાજા સુકેશી અને કિહકંધ સમસ્ત પરિવાર સહિત
પાતાળલંકા ચાલ્યા ગયા. અશનિવેગનો પુત્ર વિદ્યુદ્વાહન તેમની પાછળ પડયો. પોતાના
ભાઈ વિજયસિંહનો વેરથી અત્યંત કુપિત થયેલા તેણે શત્રુઓનો સમૂળ નાશ કરવા
પ્રયત્ન કર્યો. ત્યારે નીતિશાસ્ત્રના જાણકારોએ તેને સમજાવ્યો. જેમની શુદ્ધ બુદ્ધિ છે એવા
તેમણે કહ્યું કે ક્ષત્રિય ભાગે તો તેમની પાછળ ન પડવું. રાજા અશનિવેગે પણ
વિદ્યુદ્વાહનને કહ્યું કે અંધ્રકે તારા ભાઈને હણ્યો તો મેં અંધ્રકને રણમાં માર્યો માટે હે પુત્ર!
આ હઠ છોડી દે. દુઃખી પ્રત્યે દયા જ રાખવી. જે કાયરે પોતાની પીઠ બતાવી તે જીવતા
જ મરેલો છે. તેનો પીછો શું કરવો? આ પ્રમાણે અશનિવેગે વિદ્યુદ્વાહનને સમજાવ્યો.
એટલામાં રાક્ષસવંશી અને વાનરવંશી પાતાળલંકા પહોંચી ગયા. કેવું છે તે નગર?
રત્નોના પ્રકાશથી શોભી રહ્યું છે. ત્યાં હર્ષ અને શોક ધરતાં બન્ને નિર્ભયપણે રહ્યા. એક
દિવસે અશનિવેગ શરદઋતુમાં વાદળાઓને ભેગા થતાં અને વિલય પામતાં જોઈને
વિષયોથી વિરક્ત થયા. મનમાં