નાખ્યા અને કેટલાક સામંતોના શરીર ઉપરના અગાઉ પડેલા ઘા પણ ક્રોધને કારણે ફાટી
ગયા, તેમાંથી લોહીની ધારા નીકળવા લાગી, જાણે કે ઉત્પાતનો મેઘ જ વરસી રહ્યો હોય.
કેટલાક ગર્જના કરવા લાગ્યા તે કારણે દશે દિશાઓ શબ્દથી ભરાઈ ગઈ. કેટલાક યોદ્ધા
માથાના વાળ ઉછાળવા લાગ્યા, જાણે રાત્રિ જ પડી ગઈ હોય! આવી અપૂર્વ ચેષ્ટાઓથી
વાનરવંશી વિદ્યાધરોની સેના અન્ય વિદ્યાધરોને મારવા તૈયાર થઈ ગઈ. હાથી સાથે હાથી,
ઘોડા સાથે ઘોડા અને રથ સાથે રથ યુદ્ધ કરવા લાગ્યા. બન્ને સેનાઓ વચ્ચે મહાયુદ્ધ થયું,
આકાશમાં દેવો કૌતુકથી જોવા લાગ્યા. આ યુદ્ધની વાત સાંભળીને રાક્ષસવંશી વિદ્યાધરોનો
અધિપતિ લંકાનો સ્વામી રાજા સુકેશ વાનરવંશીઓની સહાય કરવા આવ્યો. રાજા સુકેશ
કિહકંધ અને અંધ્રકનો પરમ મિત્ર હતો. જેમ ભરત ચક્રવર્તીના સમયમાં રાજા અકંપનની
પુત્રી સુલોચનાના નિમિત્તે અર્કકીર્તિ અને જયકુમારનું યુદ્ધ થયું હતું તેવું આ યુદ્ધ થયું. આ
સ્ત્રી જ યુદ્ધનું મૂળ કારણ છે. વિજયસિંહ અને રાક્ષસવંશી, વાનરવંશીઓ વચ્ચે મહાયુદ્ધ
ચાલતું હતું ત્યારે કિહકંધ કન્યાને લઈ ચાલ્યો ગયો અને તેના નાના ભાઈ અંધ્રકે
ખડ્ગથી વિજયસિંહનું મસ્તક કાપી નાખ્યું. વિજયસિંહ વિના તેની બધી સેના વેરણછેરણ
થઈ ગઈ, જેમ એક આત્મા વિના સર્વ ઇન્દ્રિયો વિખરાઈ જાય છે તેમ. ત્યારે
વિજયસિંહના પિતા અશનિવેગ પોતાના પુત્રનું મરણ થયું તેમ સાંભળીને શોકથી મૂર્ચ્છિત
થઈ ગયા. જેની છાતી પોતાની સ્ત્રીઓના આંસુથી ભીંજાઈ ગઈ છે એવો તે ઘણા લાંબા
સમય પછી મૂર્છામાંથી જાગ્યો અને પુત્રના વેરથી શત્રુઓ ઉપર ભયંકર આક્રમણ કર્યું.
લોકો તેનું આક્રમણ જોઈ ન શક્યા. જાણે કે પ્રલયકાળના ઉત્પાતના સૂર્યે તેનું રૂપ ધારણ
કર્યું હતું. તેણે સર્વ વિદ્યાધરોને સાથે લઈ કિહકુંપુરને ઘેરો ઘાલ્યો. પોતાના નગરને
ઘેરાયેલું જોઈને બન્ને ભાઈઓ વાનર અંકિત ધ્વજ લઈ સુકેશ સાથે અશનિવેગ સાથે યુદ્ધ
કરવા નીકળ્યા. ત્યાં પરસ્પર ભયંકર યુદ્ધ થયું. ગદા, શક્તિ, બાણ, પાશ, કુહાડા, ખડ્ગ
આદિ શસ્ત્રોથી મહાન યુદ્ધ થયું. તેમાં પુત્રના વધથી ઊપજેલી ક્રોધાગ્નિની જ્વાળાથી
પ્રજ્વલિત અશનિવેગ અંધ્રકની સામે આવ્યો. ત્યારે મોટાભાઈ કિહકંધે વિચાર્યું કે મારો
ભાઈ અંધ્રક તો હજી નવયુવાન છે અને આ પાપી અશનિવેગ મહાબળવાન છે માટે હું
ભાઈને મદદ કરું. ત્યાં કિહકંધ આવ્યો અને અશનિવેગનો પુત્ર વિદ્યુદ્વાહન કિહકંધની સામે
આવ્યો. કિહકંધ અને વિદ્યુદ્વાહન વચ્ચે ભયંકર યુદ્ધ થયું તે વખતે અશનિવેગે અંધ્રકને
મારી નાખ્યો. અંધ્રક પૃથ્વી ઉપર પડી ગયો. જેમ પ્રભાતનો ચંદ્ર કાંતિ રહિત થઈ જાય
તેમ અંધ્રકનું શરીર કાંતિરહિત થઈ ગયું. આ તરફ કિહકંધે વિદ્યુદ્વાહનની છાતી ઉપર
શિલા ફેંકી તેથી તે મૂર્છિત થઈને પડયો, થોડી વારે સચેત થઈ તેણે તે જ શિલા કિહકંધ
ઉપર ફેંકી. કિહકંધ મૂર્છા ખાઈને ચક્કર ખાવા લાગ્યો. લંકાના સ્વામીએ તેને સચેત કર્યો
અને કિહકંધને કિહકુંપર લઈ આવ્યા. કિહકંધે આંખો ઉઘાડીને જોયું તો ભાઈ નહોતો. એટલે
પાસે રહેલાઓને પૂછવા લાગ્યો કે મારો ભાઈ ક્યાં છે? લોકો નીચું જોઈ ગયા. રાજ્યમાં