Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 76 of 660
PDF/HTML Page 97 of 681

 

background image
૭૬સપ્તમ પર્વપદ્મપુરાણ
મેઘરૂપ બનીને ઈન્દ્રરૂપ પર્વત ઉપર ગર્જના કરતાં, શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. પણ
મહાન યોદ્ધો ઈન્દ્ર જરા પણ ખેદ ન પામ્યો. તેણે પોતાને કોઈનું પણ બાણ લાગવા ન
દીધું, બધાનાં બાણ કાપી નાખ્યાં અને પોતાનાં બાણોથી વાનર અને રાક્ષસોને દબાવ્યા. તે
વખતે રાજા માલીએ લંકાની સેનાને ઈન્દ્રના બળથી વ્યાકુળ બનેલી જોઈને ઈન્દ્ર સાથે
યુદ્ધ કરવા માટે પોતે તૈયારી કરી. રાજા માલીએ ક્રોધથી ઊપજેલા તેજથી સમસ્ત
આકાશમાં ઉદ્યોત ફેલાવી દીધો. ઈન્દ્ર અને માલી વચ્ચે મહાન યુદ્ધ થયું. માલીના કપાળમાં
ઈન્દ્રે બાણ માર્યું, પણ માલીએ તે બાણની વેદના ગણકાર્યા વિના ઈન્દ્રના કપાળમાં
શક્તિનો પ્રહાર કર્યો. ઈન્દ્રના કપાળમાંથી લોહી ટપકવા લાગ્યું. માલી ઊછળીને ઈન્દ્ર પર
ધસી આવ્યો અને ઈન્દ્રે અત્યંત ક્રોધથી સૂર્યના બિંબ સમાન ચક્રથી માલીનું મસ્તક કાપી
નાખ્યું. માલી ભૂમિ પર પડયો ત્યારે સુમાલી માલીને મરેલો જોઈને અને ઈન્દ્રને મહા
બળવાન જાણીને સમસ્ત પરિવાર સહિત નાસવા લાગ્યો. સુમાલીને ભાઈના મરણનું
અત્યંત દુઃખ થયું. જ્યારે આ રાક્ષસવંશી અને વાનરવંશી ભાગવા લાગ્યા ત્યારે ઈન્દ્ર
તેમની પાછળ પડયો ત્યારે સ્વામીની ભક્તિમાં તત્પર એવા સોમ નામના લોકપાલે
ઈન્દ્રને વિનંતી કરી કે હે પ્રભો! જ્યારે મારા જેવો સેવક શત્રુને મારવામાં સમર્થ છે તો
પછી આપ એની પાછળ શા માટે જાવ છો? મને આજ્ઞા આપો. હું શત્રુને નિર્મૂળ કરીશ.
ઈન્દ્રે તેને આજ્ઞા કરી અને એ આજ્ઞા પ્રમાણ ગણીને તે પાછળ પડયો, શત્રુ ઉપર તેણે
બાણ વરસાવ્યાં. તે બાણોથી વાનર અને રાક્ષસની સેના વીંધાઈ ગઈ. જેમ મેઘની
ધારાથી ગાયોનું ધણ વ્યાકુળ થઈ જાય, તેમ તેમની સેના વ્યાકુળ બની ગઈ. પોતાની
સેનાને વ્યાકુળ બનેલી જોઈને સુમાલીનો નાનો ભાઈ માલ્યવાન ગર્જના કરતો સોમ તરફ
ધસ્યો અને સોમની છાતીમાં ભિણ્ડિપાલ નામનું હથિયાર માર્યું તેથી તે મૂર્ચ્છિત થઈ ગયો.
જ્યાં સુધી તે મૂર્ચ્છિત રહ્યો ત્યાં સુધીમાં રાક્ષસવંશી અને વાનરવંશી વિદ્યાધરો
પાતાલલંકામાં પહોંચી ગયા. જાણે કે તેમને નવો જન્મ મળ્‌યો, સિંહના મુખમાંથી નીકળ્‌યા
હોય તેવું લાગ્યું. જ્યારે સોમ જાગ્રત થયો ત્યારે તેણે સર્વ દિશા શત્રુથી રહિત દેખી.
લોકોએ જેનો યશ ગાયો એવો તે પ્રસન્ન થઈને ઈન્દ્રની પાસે ગયો. ઈન્દ્ર વિજય પામીને
ઐરાવત હાથી પર ચડયો. લોકપાલોથી શોભતો, શિર પર છત્ર ધારણ કરેલો, ચામર જેના
પર ઢોળાતા હતા અને જેની આગળ અપ્સરાઓ નૃત્ય કરતી હતી એવો તે અત્યંત
ઉત્સાહથી મહાવિભૂતિ સહિત રથનૂપુરમાં પ્રવેશ્યો. રથનૂપુર રત્નમયી વસ્ત્રોની ધજાઓથી
શોભે છે, ઠેકઠેકાણે તોરણો બાંધવામાં આવ્યાં છે. જ્યાં ફૂલોના ઢગલા થઈ રહ્યા છે, અનેક
પ્રકારની સુગંધથી દેવલોક સમાન લાગે છે, સુંદર સ્ત્રીઓ ઝરૂખામાં બેસીને ઈન્દ્રની શોભા
જોઈ રહી છે. ઈન્દ્રરાજ મહેલમાં આવ્યા, વિનયપૂર્વક માતાપિતાને પગે લાગ્યા ત્યારે
માતાપિતાએ માથે હાથ મૂકીને તથા ગાત્રસ્પર્શ કરીને આશીષ આપી. ઈન્દ્ર વેરીને જીતીને
અતિ આનંદ પામ્યો. તેણે પ્રજાપાલનમાં તત્પર રહી, ઈન્દ્ર સમાન ભોગ ભોગવ્યા.
વિજ્યાર્ધ પર્વત સ્વર્ગ સમાન અને આ રાજા ઈન્દ્ર સર્વ લોકમાં પ્રસિદ્ધ થયા.