ગણતરી કરવામાં આવે તો તેનો નંબર પ્રથમ આવે. દોષવાનોની ગણતરી કરવામાં આવે
તો તેમાં તેનું નામ આવે નહિ. તેનું શરીર અદ્ભુત પરમાણુઓથી બન્યું હતું, એનામાં
જેવી શોભા હતી તેવી બીજે ઠેકાણે દુર્લભ હતી. વાતચીતમાં જાણે કે અમૃતનું જ સીંચન
કરતા. યાચકોને મહાન દાન કરતા. ધર્મ, અર્થ, કામમાં બુદ્ધિમાન, ધર્મપ્રિય, નિરંતર ધર્મનો
જ યત્ન કરતા, જન્માન્તરથી ધર્મ લઈને આવ્યા હતા. યશ તેમનું આભૂષણ અને ગુણ
તેમનું કુટુંબ હતું. તે ધીર વીરવેરીઓનો ભય ત્યાગીને વિદ્યા સાધન માટે પુષ્પક નામના
વનમાં ગયા. તે વન ભૂત, પિશાચાદિકના શબ્દથી અતિભયંકર હતું. આ ત્યાં વિદ્યા સાધે
છે. રાજા વ્યોમબિંદુએ પોતાની પુત્રી કેકસીને એની સેવા કરવા માટે એની પાસે મોકલી.
તે સેવા કરતી, હાથ જોડતી, તેમની આજ્ઞાની અભિલાષા રાખતી. કેટલાક દિવસો પછી
રત્નશ્રવાનો નિયમ પૂરો થયો, સિદ્ધોને નમસ્કાર કરી તેણે મૌન છોડયું. તેણે કેકસીને
એકલી જોઈ. કેકસીનાં નેત્ર સરળ હતાં, તેનું મુખકમળ લાલ અને નીલકમળ સમાન
સુંદર હતું, કુન્દપુષ્પ સમાન દંતાવલી હતી, પુષ્પોની માળા જેવી કોમળ સુંદર ભુજાઓ
હતી. કોમળ, મનોહર અધર મૂંગા (લાલ રત્ન) સમાન હતા, મોલશ્રીનાં પુષ્પોની સુગંધ
સમાન તેનો નિશ્વાસ હતો, તેનો રંગ ચંપાની કળી સમાન હતો. જાણે કે લક્ષ્મી
રત્નશ્રવાના રૂપને વશ થઈને કમળોને નિવાસ છોડી સેવા કરવા આવી છે. તેના નેત્ર
ચરણો તરફ છે, લજ્જાથી તેનું શરીર નમેલું છે, પોતાના રૂપ અને લાવણ્યથી કૂંપળોની
શોભાને ઓળંગી જતી, શ્વાસની સુગંધથી જેના મુખ ઉપર ભમરા ગુંજારવ કરી રહ્યા છે,
તેનું શરીર અતિ સુકુમાર છે, યૌવનની શરૂઆત છે, જાણે કે તેની અતિસુકુમારતાના
ભયથી યૌવન પણ તેને સ્પર્શતાં શંકા કરે છે. સમસ્ત સ્ત્રીઓનું રૂપ એકઠું કરીને જેની
અદ્ભુત સુંદરતા બનાવવામાં આવી હોય કે સાક્ષાત્ વિદ્યા જ શરીર ધારણ કરીને
રત્નશ્રવાના તપથી વશ થઈને મહાકાંતિની ધારક આવી હોય તેવી લાગે છે. ત્યારે જેનો
સ્વભાવ જ દયાળુ છે એવા રત્નશ્રવાએ કેકસીને પૂછયું કે તું કોની પુત્રી છે? શા માટે
ટોળામાંથી વિખૂટી પડેલી મૃગલી સમાન એકલી વનમાં રહે છે? તારું નામ શું છે? તેણે
અત્યંત માધુર્યતાથી જવાબ આપ્યો કે હે દેવ! રાજા વ્યોમબિંદુની રાણી નંદવતીની કેકસી
નામની હું પુત્રી છું. આપની સેવા કરવા માટે પિતાજીએ મને મોકલી છે. તે જ વખતે
રત્નશ્રવાને માનસ્તંભિની નામની વિદ્યા સિદ્ધ થઈ. તે વિદ્યાના પ્રભાવથી તે જ વનમાં
પુષ્પાંતક નામનું નગર વસાવ્યું અને કેકસીને વિધિપૂર્વક પરણ્યો. તે જ નગરમાં રહીને
મનવાંછિત ભોગ ભોગવવા લાગ્યો. પ્રિયા અને પ્રિયતમ વચ્ચે અદ્ભુત પ્રીતિ હતી. તેઓ
એક ક્ષણ માટે પણ આપસમાં વિયોગ સહન કરી શકતા નહિ. આ કેકસી રત્નશ્રવાના
ચિત્તનું બંધન થતી ગઈ. બન્ને અત્યંત રૂપાળા, નવયુવાન, ધનવાન અને ધર્મના
પ્રભાવથી તેમને કોઈ પણ વસ્તુની કમી નહોતી. આ પતિવ્રતા રાણી પતિની છાયા સમાન
અનુગામિની થતી.