Panchastikay Sangrah (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 296

 

background image
કોઈ રીતે જીવ અનાદિ કાળના ભયંકર દુઃખથી છૂટી શકતો નથી. જ્યાં સુધી
વસ્તુસ્વરૂપ જીવના ખ્યાલમાં આવતું નથી ત્યાં સુધી બીજા લાખ પ્રયત્ને પણ તેને
મોક્ષનો ઉપાય હાથ લાગતો નથી. તેથી જ આ શાસ્ત્રને વિષે પ્રથમ પંચાસ્તિકાય અને
નવ પદાર્થનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે કે જેથી જીવ વસ્તુસ્વરૂપને સમજી
મોક્ષમાર્ગના મૂળભૂત સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય.
અસ્તિકાયો અને પદાર્થોના નિરૂપણ પછી આ શાસ્ત્રમાં મોક્ષમાર્ગસૂચક ચૂલિકા
છે. આ અંતિમ અધિકાર, શાસ્ત્રરૂપી મંદિર ઉપર રત્નકળશ સમાન શોભે છે.
અધ્યાત્મરસિક આત્માર્થી જીવોનો, આ અતિ પ્રિય અધિકાર છે. તેમને આ અધિકારનો
રસાસ્વાદ લેતાં જાણે કે તૃપ્તિ જ થતી નથી. તેમાં મુખ્યત્વે વીતરાગ ચારિત્રનું
સ્વસમયનુંશુદ્ધ મુનિદશાનુંપારમાર્થિક મોક્ષમાર્ગનું ભાવવાહી મધુર પ્રતિપાદન છે,
તેમ જ મુનિને સરાગ ચારિત્રની દશામાં આંશિક શુદ્ધિની સાથે સાથે કેવા શુભ ભાવોનો
સુમેળ અવશ્ય હોય જ છે તેનો પણ સ્પષ્ટ નિર્દેશ છે. જેમના હૃદયમાં વીતરાગતાની
ભાવના ઘોળાયા કરે છે એવા શાસ્ત્રકાર અને ટીકાકાર મુનીંદ્રોએ આ અધિકારમાં જાણે
કે શાંત વીતરાગ રસની સરિતા વહાવી છે. ધીરગંભીર ગતિએ વહેતી આ શાંત રસની
અધ્યાત્મગંગામાં નહાતાં તત્ત્વજિજ્ઞાસુ ભાવુક જીવો શીતળીભૂત થાય છે અને તેમનું
હૃદય શાંત-શાંત થઈ મુનિઓની આત્માનુભવ- મૂલક સહજશુદ્ધ ઉદાસીન દશા પ્રત્યે
બહુમાનપૂર્વક નમી પડે છે. આ અધિકાર પર મનન કરતાં સુપાત્ર મુમુક્ષુ જીવોને
સમજાય છે કે ‘શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે સહજ દશાનો અંશ પ્રગટ કર્યા વિના મોક્ષના
ઉપાયનો અંશ પણ પ્રાપ્ત થતો નથી.’
આ પવિત્ર શાસ્ત્રના કર્તા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવ પ્રત્યે પૂજ્ય ગુરુદેવ
(શ્રી કાનજીસ્વામી)ને પારાવાર ભક્તિ છે. તેઓશ્રી અનેક વાર કહે છે કે‘શ્રી
સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાયસંગ્રહ આદિ શાસ્ત્રોની ગાથાએ ગાથાએ
દિવ્યધ્વનિનો સંદેશ છે. એ ગાથાઓમાં એટલી અપાર ઊંડપ છે કે તે ઊંડપ માપવા
જતાં પોતાની જ શક્તિ મપાઈ જાય છે. એ સાગરગંભીર શાસ્ત્રોના રચનાર પરમ
કૃપાળુ આચાર્યભગવાનનું કોઈ પરમ અલૌકિક સામર્થ્ય છે. પરમ અદ્ભુત સાતિશય
અંતર્બાહ્ય યોગો વિના એ શાસ્ત્રો રચાવાં શક્ય નથી. એ શાસ્ત્રોની વાણી તરતા પુરુષની
વાણી છે એમ સ્પષ્ટ જાણીએ છીએ. એની દરેક ગાથા છઠ્ઠા-સાતમા ગુણસ્થાને
ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. એ શાસ્ત્રોના કર્તા ભગવાન
કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં
[ ૧૪ ]