સત્ય છે, પ્રમાણસિદ્ધ છે. તે પરમ ઉપકારી આચાર્યભગવાને રચેલાં સમયસારાદિ
શાસ્ત્રોમાં તીર્થંકરદેવના ૐકારધ્વનિમાંથી જ નીકળેલો ઉપદેશ છે.’
આ શાસ્ત્રમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની પ્રાકૃત ગાથાઓ પર સમયવ્યાખ્યા નામની સંસ્કૃત ટીકા લખનાર ( લગભગ વિક્રમ સંવતના ૧૦ મા સૈકામાં થઈ ગયેલા ) શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ છે. જેમ આ શાસ્ત્રના મૂળ કર્તા અલૌકિક પુરુષ છે તેમ તેના ટીકાકાર પણ મહાસમર્થ આચાર્ય છે. તેમણે સમયસારની તથા પ્રવચનસારની ટીકા પણ લખી છે અને તત્ત્વાર્થસાર, પુરુષાર્થસિદ્ધ્યુપાય આદિ સ્વતંત્ર ગ્રંથો પણ રચ્યા છે. તેમની ટીકાઓ જેવી ટીકા હજુ સુધી બીજા કોઈ જૈન ગ્રંથની લખાયેલી નથી. તેમની ટીકાઓ વાંચનારને તેમની અધ્યાત્મરસિકતા, આત્માનુભવ, પ્રખર વિદ્વત્તા, વસ્તુસ્વરૂપને ન્યાયથી સિદ્ધ કરવાની અસાધારણ શક્તિ, જિનશાસનનું અત્યંત ઊંડું જ્ઞાન, નિશ્ચય-વ્યવહારનું સંધિબદ્ધ નિરૂપણ કરવાની વિરલ શક્તિ અને ઉત્તમ કાવ્યશક્તિનો પૂરો ખ્યાલ આવી જાય છે. અતિ સંક્ષેપમાં ગંભીર રહસ્યો ગોઠવી દેવાની તેમની શક્તિ વિદ્વાનોને આશ્ચર્યચકિત કરે છે. તેમની દૈવી ટીકાઓ શ્રુતકેવળીનાં વચનો જેવી છે. જેમ મૂળ શાસ્ત્રકારનાં શાસ્ત્રો અનુભવ – યુક્તિ આદિ સમસ્ત સમૃદ્ધિથી સમૃદ્ધ છે તેમ ટીકાકારની ટીકાઓ પણ તે તે સર્વ સમૃદ્ધિથી વિભૂષિત છે. શાસનમાન્ય ભગવાન કુંદકુંદાચાર્યદેવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકરદેવ જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે જાણે કે તેઓ કુંદકુંદભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભીર આશયોને યથાર્થપણે વ્યક્ત કરીને તેમના ગણધર જેવું કામ કર્યું છે. શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે રચેલાં કાવ્યો પણ અધ્યાત્મરસથી અને આત્મ-અનુભવની મસ્તીથી ભરપૂર છે. શ્રી સમયસારની ટીકામાં આવતાં કાવ્યોએ ( – કળશોએ) શ્રી પદ્મપ્રભદેવ જેવા સમર્થ મુનિવરો પર ઊંડી છાપ પાડી છે અને આજે પણ તે તત્ત્વજ્ઞાનથી અને અધ્યાત્મરસથી ભરેલા મધુર કળશો અધ્યાત્મરસિકોના હૃદયના તારને ઝણઝણાવી મૂકે છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી અમૃતચંદ્રાચાર્યદેવનું સ્થાન અદ્વિતીય છે.
પંચાસ્તિકાયસંગ્રહમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવે ૧૭૩ ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. તેના પર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે સમયવ્યાખ્યા નામની અને શ્રી જયસેનાચાર્યદેવે તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખી છે. શ્રી પાંડે હેમરાજજીએ સમયવ્યાખ્યાનો ભાવાર્થ ( પ્રાચીન ) હિંદીમાં લખ્યો છે અને તે ભાવાર્થનું નામ બાલાવબોધભાષાટીકા રાખ્યું છે. વિ. સં. ૧૯૭૨માં શ્રી પરમશ્રુતપ્રભાવકમંડળ દ્વારા પ્રકાશિત હિંદી