નિશ્ચયવ્યવહારાભાસ-અવલંબીઓનું નિરૂપણ
હવે, નિશ્ચય-વ્યવહાર બન્ને નયોના આભાસને અવલંબે છે એવા મિથ્યાદ્રષ્ટિઓનું નિરૂપણ કરીએ છીએઃ —
કોઈ જીવો એમ માને છે કે જિનમતમાં નિશ્ચય અને વ્યવહાર બે નય કહ્યા છે માટે અમારે તે બન્નેનો અંગીકાર કરવો. આમ વિચારી, જે પ્રમાણે કેવળનિશ્ચયાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તે પ્રમાણે તો તેઓ નિશ્ચયનો અંગીકાર કરે છે અને જે પ્રમાણે કેવળવ્યવહારાભાસના અવલંબીઓનું કથન કર્યું હતું તે પ્રમાણે વ્યવહારનો અંગીકાર કરે છે. જોકે એ પ્રમાણે અંગીકાર કરવામાં બન્ને નયોમાં પરસ્પર વિરોધ છે, તોપણ કરે શું? બન્ને નયોનું સાચું સ્વરૂપ તો ભાસ્યું નથી અને જિનમતમાં બે નય કહ્યા છે તેમાંથી કોઈને છોડ્યો પણ જતો નથી, તેથી ભ્રમપૂર્વક બન્ને નયોનું સાધન સાધે છે. તે જીવો પણ મિથ્યાદ્રષ્ટિ જાણવા.
પરંતુ જિન-આજ્ઞા માની નિશ્ચય-વ્યવહારરૂપ બે પ્રકારના મોક્ષમાર્ગ માને છે. હવે મોક્ષમાર્ગ તો કાંઈ બે નથી, મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારથી છે. જ્યાં સાચા મોક્ષમાર્ગને મોક્ષમાર્ગ નિરૂપણ કર્યો છે તે નિશ્ચયમોક્ષમાર્ગ છે, અને જ્યાં મોક્ષમાર્ગ તો છે નહિ પરંતુ મોક્ષમાર્ગનું નિમિત્ત છે વા સહચારી છે, તેને ઉપચારથી મોક્ષમાર્ગ કહીએ તે વ્યવહાર- મોક્ષમાર્ગ છે; કારણ કે નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. સાચું નિરૂપણ તે નિશ્ચય, ઉપચાર નિરૂપણ તે વ્યવહાર. માટે નિરૂપણની અપેક્ષાએ બે પ્રકારે મોક્ષમાર્ગ જાણવો. પરંતુ એક નિશ્ચયમોક્ષમાર્ગ છે તથા એક વ્યવહારમોક્ષમાર્ગ છે એમ બે મોક્ષમાર્ગ માનવા મિથ્યા છે.
વળી તેઓ નિશ્ચય-વ્યવહાર બન્નેને ઉપાદેય માને છે. તે પણ ભ્રમ છે, કારણ કે નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ તો પરસ્પર વિરોધ સહિત છે...