તદુપરાંત વિક્રમની ૧૯મી સદીમાં થયેલ વિદ્વાન પંડિત દૌલતરામજીએ ટીકાકારના
ભાવોને સુગમ હિંદી ભાષામાં સમજાવવાનો સુંદર પ્રયાસ કર્યો છે.
શ્રી પરમાત્મપ્રકાશના ગ્રંથકાર આચાર્ય શ્રી યોગીન્દ્રદેવ તથા ટીકાકાર શ્રી બ્રહ્મદેવજીના
અંતરમાં રહેલા ભાવોને પોતાની અનુભવરસભીની પ્રવચનશૈલીથી વર્તમાનયુગના અદ્વિતીય
અધ્યાત્મયોગી પરમોપકારી સુવર્ણપુરીના સંત શ્રી કહાનગુરુદેવે ખોલી મુમુક્ષુ જગત પર અવર્ણનીય
ઉપકાર કર્યો છે. તેઓશ્રીએ જ વર્તમાનમાં માત્ર આ જ નહીં પણ મહાન આચાર્યો પ્રણીત અનેક
મહાન ગ્રંથોનાં સર્વ રહસ્યોને પોતે અનુભવીને તથા તેના ભાવોને ખોલીને વર્તમાનકાળમાં ભગવાન
મહાવીરે પ્રબોધેલા સ્વાનુભૂતિયુક્ત સમ્યક્ રત્નત્રયપ્રધાન મોક્ષમાર્ગની જ્યોતને જળહળતી રાખી
છે.
તથા તદ્ભક્ત સ્વાનુભૂતિવિભૂષિત સમ્યક્ત્વપરિણત પૂજ્ય ભગવતી બહેનશ્રી ચંપાબહેને
પણ પૂજ્ય ગુરુદેવના અંતરના ભાવોને સ્પષ્ટ કરી પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા થયેલી શાસનપ્ર્રભાવનામાં
અનેરા રંગો પૂર્યા છે.
અંતમાં આ યુગના આ બંને સંત મહાત્માઓને અંતઃકરણપૂર્વક વંદન કરી તેમના
ઉપકારોને હૃદયમાં સર્વદા રાખી મુમુક્ષુજનો આ પરમાત્મપ્રકાશ ગ્રંથના ભાવોને સમજી નિજ
આત્મકલ્યાણને સાધે એ જ અભ્યર્થના.
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
[૯]