૨૩૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
એનાથી તે જાણે છે? ના, આત્મા જ્ઞાનથી જાણે છે; શરીર કે ઈન્દ્રિયોથી જાણતો નથી. અરે ભાઈ! જડ અને ચેતનના બંનેના સ્વભાવ પ્રગટ ભિન્ન છે છતાં અજ્ઞાની માને છે કે નાક વડે મેં સૂંઘ્યું, પણ એ જૂઠું છે. વળી દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે મેં ‘મન વડે જાણ્યું,’ પણ સ્મરણ તો જ્ઞાનની પર્યાય છે. તે કાંઈ જડ મનથી થતી નથી. વળી પોતાને બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે ત્યારે એકક્ષેત્રાવગાહ સંબંધથી શરીરનું અંગ પણ હાલતાં ભાષાવર્ગણારૂપ પુદ્ગલો વચનરૂપ પરિણમે છે; એ બધાને એકરૂપ માની આ એમ માને છે કે ‘હું બોલું છું.’ પણ આ બધું એનું અજ્ઞાન છે.
અરે! અજ્ઞાનીને આ ચોવીસ કલાકની બિમારી છે. આત્મસિદ્ધિમાં આવે છે કે-
સૂક્ષ્મ વાત છે, ભાઈ! લોકોને બહારની જડની ક્રિયામાં પોતાનું કર્તાપણું ભાસે છે તે રોગ છે, બિમારી છે. તે સ્વરૂપની સમજણ વડે જ દૂર કરી શકાય છે.
ત્યારે કોઈ તો વળી એમ કહે છે કે- પરનો કર્તા ન માને તે દિગંબર નથી. અરે ભાઈ! તું શું કહે છે? એમ ન હોય, ભાઈ! જીવ પરનો કર્તા ત્રણ કાળમાં નથી એમ અહીં શ્રેષ્ઠ દિગંબરાચાર્ય સિદ્ધ કરે છે. સમ્યક્દ્રષ્ટિ ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય હોય છે, છન્નુ હજાર રાણીઓ હોય છે. પણ એ તો માને છે કે રાગનો એક કણ પણ મારો નથી. તો બહારના જડ રજકણની ક્રિયા મારી એ વાત પ્રભુ? કયાં કહી? શ્રેણીક રાજા, ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા. તે એમ માનતા કે હું પરની ક્રિયાનો જાણનારો છું, હું તેનો કર્તા નથી. પરનો કર્તા માને તો બે દ્રવ્યોની એકતાબુદ્ધિ થઈ જાય છે તે મોટી મૂળમાં જ ભૂલ છે.
એક ને એક ત્રણ-એમ કહે તો તે મૂળમાં ભૂલ છે. પછી એ ભૂલ આગળ બધે વિસ્તરે છે. તેમ જડકર્મનો હું કર્તા અને શરીરાદિ પરદ્રવ્યની ક્રિયા હું કરું છું એમ જે માને તેને બે દ્રવ્યની એકતાબુદ્ધિની મૂળમાં ભૂલ છે. તે મિથ્યાદર્શન છે, દુઃખનો પંથ છે. ભાઈ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ ચીજ છે. સમ્યગ્દર્શન થાય તેને ભવનો અંત આવી જાય છે. અનાદિ મિથ્યાત્વની ગાંઠ તોડીને જેણે પરથી ભિન્ન જ્ઞાતાસ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદનો અનુભવ કર્યો છે તે સુખના-મોક્ષના પંથે પડયા છે. એ સિવાય આ કારખાનાં જે ચાલે, વેપારની મોટી પેઢીઓ ચાલે-ઈત્યાદિ બધી જડની ક્રિયા થાય તે હું કરું છું એમ જે માને તે મિથ્યાદ્રષ્ટિ છે, તે ભવના પંથે છે, દુઃખના પંથે છે.
મોક્ષમાર્ગપ્રકાશકના ચોથા અધિકારમાં બહુ સરસ વાત કરી છે. ત્યાં કહ્યું છે- “ શરીરનો સંયોગ થવા અને છૂટવાથી જન્મ-મરણ હોય છે-તેને પોતાનાં જન્મ-મરણ