Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1009 of 4199

 

સમયસાર ગાથા ૮૬ ] [ ૨૩૭

માની ‘હું ઉપજ્યો, હું મરીશ’ એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય જીવોથી સંબંધ માને છે. જેમકે -જેનાથી શરીર નીપજ્યું તેને પોતાનાં માત-પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે. શરીર વડે નીપજ્યાં તેને પોતાનાં દીકરા-દીકરી માને છે, શરીરને જે ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે. ઈત્યાદિરૂપ તેની માન્યતા હોય છે. ઘણું શું કહીએ? હરકોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એકરૂપ જ માને છે.” આનાથી જુદી જ વાત ત્યાં પ્રવચનસારમાં ચરણાનુયોગ અધિકારમાં આવે છે. દીક્ષા માટે તૈયાર થયેલો વૈરાગ્યપ્રાપ્ત સમકિતી એમ કહે છે-“અહો આ પુરુષના શરીરની જનનીના આત્મા! આ પુરુષનો આત્મા તમારાથી જનિત નથી એમ નિશ્ચયથી તમે જાણો. તેથી આ આત્માને તમે છોડો. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે આત્મારૂપી જે પોતાનો અનાદિ જનક તેની પાસે જાય છે. અહો આ પુરુષના શરીરની રમણીના આત્મા! આ પુરુષના આત્માને તું રમાડતો નથી એમ નિશ્ચયથી તું જાણ. તેથી આ આત્માને તું છોડ. જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે એવો આ આત્મા આજે સ્વાનુભૂતિરૂપ જે પોતાની અનાદિ રમણી તેની પાસે જાય છે.” આવો સમકિતી અને મિથ્યાદ્રષ્ટિની માન્યતામાં આસમાન-જમીન જેટલો ફરક છે.

કોઈ મકાનમાં પાંચ-પચીસ વરસ રહે તો અજ્ઞાની માનવા લાગે કે આ મારું મકાન છે. તે મેં બનાવ્યું છે. તેની વૃત્તિ મકાનના આકારે થઈ જાય છે. પણ ભાઈ! મકાન કોણ બનાવે? આ આગમમંદિર બન્યું તે કોણે બનાવ્યું? એ તો પુદ્ગલોએ બનાવ્યું છે. સંસ્થાનો વહિવટ ચાલે તો કહે કે મારાથી ચાલે છે; પણ એમ છે નહિ. એ તો બધી બોલવાની કથનપદ્ધતિ છે. સંસ્થાનો વહિવટ ચાલે તે આત્મા કરતો નથી. આત્મા તેનું જ્ઞાન કરે, પણ ત્યાં જડની ક્રિયા જે થાય તેને આત્મા કરતો નથી. જ્ઞાની પરદ્રવ્યને અંતરમાં પોતાનું માનતા નથી. સમકિતીને છ ખંડના રાજ્યનો બહારમાં સંયોગ હોય પણ એ રાજ્યનો હું સ્વામી છું એમ તે માનતા નથી. પહેલાં ૭૩મી ગાથામાં આવી ગયું કે વિકલ્પ દ્વારા પણ એવો નિર્ણય કર કે રાગદ્વેષનો હું સ્વામી નથી. રાગના સ્વામીપણે સદા નહિ પરિણમનારો એવો હું નિર્મમ છું. ભવિષ્યમાં રાગ થશે, પણ એના સ્વામીપણે પરિણમનારો હું નથી. હું તો નિર્મમ છું. સ્ત્રીનો સ્વામી, મકાનનો સ્વામી, રાજ્યનો સ્વામી હું નથી; જ્ઞાની આમ સમજે છે. બહુ સંપત્તિ હોય તે લખપતિ કહેવાય છે ને. તો શું આત્મા લખપતિ એટલે જડનો પતિ છે? જેમ ભેંસનો પતિ પાડો હોય તેમ જડનો પતિ જડ હોય છે. બાપુ! આત્મા જડનો સ્વામી નથી. પુણ્યનો સ્વામી પોતાને માને તે પણ જડ છે. ૪૭ શક્તિઓમાં છેલ્લી સ્વસ્વામી સંબંધરૂપ શક્તિ છે. ધર્મી માને છે કે હું તો મારા શુદ્ધ દ્રવ્ય-ગુણ અને નિર્મળ પર્યાયનો સ્વામી છું અને તેમારું સ્વ છે. રાગનો સ્વામી થાય,