જ્ઞાયકજ્યોતિ છે. આવી શુદ્ધ સત્તાનો અંતરમાં સ્વીકાર થવો એ અલૌકિક વાત છે. આ હું એક જ્ઞાયક શુદ્ધ છું એમ અંતર-સન્મુખ થઈ જેણે જ્ઞાયકને જાણ્યો-અનુભવ્યો તેને મુક્તિનાં કહેણ મળી ગયાં એવો આ છઠ્ઠીનો લેખ છે. નિયમસારમાં શુદ્ધભાવ-અધિકારમાં એમ કહ્યું છે કે ઔદયિક આદિ ચાર ભાવો ત્રિકાળી સ્વરૂપમાં નથી. શુભ-અશુભભાવ જે ઔદયિક ભાવ છે તેરૂપ જ્ઞાયક પરિણમતો નથી કેમકે તે અચેતન છે એ વાત તો ઠીક. પણ ક્ષયોપશમ, ક્ષાયિકભાવ તો જ્ઞાયકને પ્રસિદ્ધ કરનારી જ્ઞાનની પર્યાયો છે, છતાં તે ભાવ વસ્તુમાં નથી. આવી સૂક્ષ્મ વાત છે. ત્રિકાળી દ્રવ્યને જાણનારી જે જ્ઞાનની પર્યાય તે જ્ઞાયકમાં નથી. ગજબ વાત છે ને! અહા! ઈન્દ્રો અને ગણધરોની ઉપસ્થિતિમાં દેવાધિદેવ ત્રિલોકીનાથ જિનેન્દ્રદેવની દિવ્યધ્વનિમાં આ અલૌકિક વાત આવતી હશે ત્યારે સાંભળનારા કેવા નાચી ઊઠતા હશે! નિયમસારમાં જે ઔપશમિકાદિ ભાવોને અગોચર આત્મા કહ્યો તે ચાર ભાવો પર્યાયસ્વરૂપ છે અને તેથી તેમના આશ્રયે આત્મા જણાય એવો નથી. ધ્રુવ, નિત્યાનંદસ્વરૂપ આત્મા પોતાના આશ્રયે જ જણાય એવો છે. આવો ત્રિકાળ શુદ્ધ આત્મા જ દ્રષ્ટિનો-નજરનો વિષય છે. તે સમ્યગ્દ્રષ્ટિને જ ગમ્ય છે, ગોચર છે. એક તરફ ગોચર કહે; ને વળી અગોચર પણ કહે બન્ને વાત યથાર્થ છે. જ્યાં જે અપેક્ષા હોય તે બરાબર સમજાવી જોઈએ. અહાહા...! દ્રવ્યસ્વભાવ, પદાર્થસ્વભાવ, તત્ત્વસ્વભાવ કે વસ્તુસ્વભાવ જે ચૈતન્યભાવ તેને તેના નિજ સ્વરૂપથી જોઈએ તો પુણ્ય-પાપને ઉત્પન્ન કરનાર જે સમસ્ત અનેક શુભ-અશુભભાવ તેરૂપ કદીય પરિણમતો નથી. અહિંસા, સત્ય, દયા- દાન, વ્રત, તપ, ભક્તિ-પૂજા ઈત્યાદિ શુભરાગ તે શુભભાવ છે. હિંસા, જૂઠ ચોરી, વિષય-વાસના ઈત્યાદિ અશુભરાગ તે અશુભ ભાવ છે. આ બન્ને ભાવ જડ અને મલિન છે. અહીં કહે છે કે નિર્મળાનંદ ચૈતન્ય પ્રભુ આત્મા કદીય શુભ-અશુભભાવપણે જડરૂપ કે મલિનતારૂપ થયો નથી, તેથી પ્રમત્ત પણ નથી કે અપ્રમત્ત પણ નથી. ટીકામાં પ્રમત્ત શબ્દ પહેલો લીધો છે. ગાથામાં અપ્રમત્ત-પ્રમત્ત એમ લીધું છે. એ તો શબ્દયોજના છે. ગાથા તો પદ્યરૂપ છે ને? એટલે પદ્યરચનામાં અપ્રમત્ત-પ્રમત્ત લીધું છે. આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. જૈનશાસન એ તો વસ્તુનું સ્વરૂપ છે. જૈન એટલે અંદર જે આ ધ્રુવ જ્ઞાયકભાવ બિરાજે છે જે કદીય રાગરૂપ-જડરૂપ મલિનતારૂપ થતો નથી એવા જ્ઞાયકની સન્મુખ થઈને એને જ્ઞાન અને દ્રષ્ટિમાં લે તેને જૈન કહે છે. જૈન કોઈ વાડો કે વેશ નથી, એ તો વસ્તુસ્વરૂપ છે. ધર્મના બહાને બહારમાં હો-હા કરે, પુણ્યની ક્રિયાઓ કરે, રથ-વરઘોડા કાઢે, પણ એ બધો તો રાગ છે, અને રાગ તે આત્મા નથી તથા આત્મા