Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 100 of 4199

 

ભાગ-૧ ] ૯૩

હુકમનો એક્કો હોય છે ને? તેમ આ જ્ઞાયક હુકમનો એક્કો સર્વોપરિ છે, સદાય એની જીત છે.

અહા! શું આચાર્યદેવની કથની! શું એનું વાચ્ય! ભગવાન આત્મા જ્ઞાયક એક ભાવ છે. તે સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની નિરૂપણાથી ક્ષીરનીરની જેમ કર્મપુદ્ગલો સાથે એકરૂપ છે. આ પર્યાયની વાત છે. સંસારની અવસ્થામાં અનાદિ બંધપર્યાયની અપેક્ષાથી કર્મપુદ્ગલો સાથે દૂધ અને પાણીની જેમ એકક્ષેત્રાવગાહ સંબંધ છે. ખરેખર દૂધ દૂઘપણે અને પાણી પાણીપણે છે. તેમ જ્ઞાયક તે જ્ઞાયકપણે અને કર્મપુદ્ગલો પુદ્ગલપણે છે. પણ બન્ને વચ્ચે એક સમયની પર્યાય પૂરતો નિમિત્ત- નૈમિત્તિક સંબંધ છે.

આ રીતે કર્મપુદ્ગલો સાથે એકરૂપ છે છતાં દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોવામાં આવે તો દુરંત કષાયચક્રના ઉદયની વિચિત્રતાના વશે પ્રવર્તતા જે પુણ્ય- પાપને ઉત્પન્ન કરનાર સમસ્ત અનેકરૂપ શુભ-અશુભ ભાવો તેમના સ્વભાવે પરિણમતો નથી. કષાયચક્રનું મટવું બહું કઠણ છે. તે કષાયસમૂહના ઉદયની વિચિત્રતાને આ જીવ વશ થાય છે. કર્મનો ઉદય એને વશ કરે છે એમ નથી, પોતે ઉદયને વશ થાય છે. તેથી પ્રવર્તતા જે પુણ્ય અને પાપના જડ રજકણોના બંધને ઉત્પન્ન કરનાર અનેક શુભ-અશુભભાવો તે રૂપે આત્મા પરિણમતો નથી. દ્રવ્યના સ્વભાવની અપેક્ષાથી જોઈએ તો જ્ઞાયક જે એક ભાવ છે તે પુણ્ય-પાપના કારણરૂપ જે અનેક શુભાશુભભાવો છે તેના સ્વભાવે પરિણમતો જ નથી, કેમકે શુભાશુભભાવમાં જ્ઞાયકપણું નથી. શુભ-અશુભ ભાવ એ રાગાદિરૂપ અચેતન છે, તેમાં જ્ઞાનનો અંશ નથી. રાગાદિ પોતાને જાણતા નથી અને પરને પણ જાણતા નથી.

જુઓ, કેટલો ખુલાસો કર્યો છે? સમસ્ત અનેકરૂપ જે શુભ-અશુભભાવો તે રૂપે જ્ઞાયક કદી થતો નથી. શુભ-અશુભભાવો તો એકેન્દ્રિય જીવમાં, નિગોદના જીવમાં પણ થાય છે. પણ જ્ઞાયકમૂર્તિ આત્મા ચૈતન્યના નૂરનું પૂર તે અચેતન શુભ-અશુભભાવરૂપ કેમ થાય? ભાઈ! તારી ધ્રુવ વસ્તુ અનાદિઅનંત એવી ને એવી પડી છે, એકરૂપ છે. શુભ-અશુભભાવો તો અનેકરૂપ છે. પંચમહાવ્રતના પરિણામ, દયા, દાનના પરિણામ, વિષય-કષાયના પરિણામ ઈત્યાદિ અનેક શુભ-અશુભભાવોના સ્વરૂપે જ્ઞાયક શુદ્ધદ્રવ્ય કદી થતું નથી.

અરે! આ તો અંતરની નિજઘરની વાત લોકોએ સાંભળવાની દરકાર કરી નથી. અંદરમાં જ્ઞાયક જે ચૈતન્યના નૂરનું પૂર ભર્યું છે તે કદીય શુભાશુભભાવરૂપ થતું નથી અને તેથી કહે છે કે આત્મા પ્રમત્ત નથી અને અપ્રમત્ત પણ નથી. આવો જ્ઞાયક એક ભાવ તે સમ્યગ્દર્શનનું ધ્યેય અને વિષય છે આત્મા શરીર, મન, વાણી અને જડ કર્મપણે તો થતો નથી, પણ પુણ્ય અને પાપને ઉત્પન્ન કરનાર શુભ-અશુભભાવપણે પણ થતો નથી એવી