Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 99 of 4199

 

૯૨ [ સમયસાર પ્રવચન

અહો! આ છઠ્ઠી ગાથા અલૌકિક છે. આ તો છઠ્ઠીના અફર લેખ. લૌકિકમાં છઠ્ઠીના લેખ કહેવાય છે. કહે છે બાળક જન્મ્યા પછી છઠ્ઠે દિવસે વિધાતા ભાગ્ય-લેખ લખવા આવે છે. ત્યાં કાગળ વગેરે મૂકે છે. પરંતુ ત્યાં તો કાગળ એવો ને એવો કોરો રહે છે, કેમકે ત્યાં કોઈ વિધાતા નથી. પણ આ ભગવાન ચિદાનંદનો નાથ પોતે જે પર્યાયમાં જણાયો તે નિશ્ચય વિધાતા છે. તેણે આ લેખ લખ્યો કે હવે આ આત્માને અલ્પકાળમાં મુક્તિ છે. જ્ઞાયકની સન્મુખ થતાં જ્યાં જ્ઞાયક શુદ્ધ જણાયો ત્યાં મુક્તિ- લેખ નિશ્ચિત લખાઈ જાય છે એવી અલૌકિક વાત આ ગાથામાં છે.

* ટીકા ઉપરનું પ્રવચન *

જે પોતે પોતાથી જ સિદ્ધ હોવાથી અનાદિ સત્તારૂપ છે. જ્ઞાયકભાવ ધ્રુવ પોતે પોતાથી જ હોવાપણે છે. કોઈ ઈશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નથી. તેથી અનાદિ સત્તારૂપ છે. એટલે એને અનાદિથી હોવાપણું છે, એનું હોવાપણું કાંઈ નવું નથી. પ્રભુ સતરૂપ અનાદિ સત્તાવાળો છે એ ભૂતકાળની અપેક્ષાથી વાત કરી. વળી, કદી વિનાશ પામતો નથી માટે અનંત છે. એ ભવિષ્યકાળની અપેક્ષાથી વાત કરી. ભવિષ્યમાં પણ નિરંતર ધ્રુવસ્વરૂપે રહેશે. એનો ભવિષ્યમાં નાશ થશે એમ કદીય બનવું સંભવિત નથી તેથી અનંત છે. આમ આદિ-અંત રહિત ધ્રુવ જ્ઞાયકભાવ અનાદિ-અનંત સત્તારૂપ છે. આ પર્યાય વિનાના ધ્રુવની વાત છે હોં; પર્યાય તો વિનાશિક છે. કેવળજ્ઞાનની ક્ષાયિક પર્યાય હોય તોપણ તે એક સમયની પર્યાય છે તેથી વિનાશિક છે. આ તો ત્રિકાળી જ્ઞાયકભાવ જે ચૈતન્યપ્રકાશના નૂરના પૂરથી ભરેલો ભગવાન આત્મા છે તે અનાદિ- અનંત અવિનાશી ચીજ છે.

હવે વર્તમાનની વાત કરે છે-કે ‘નિત્યઉદ્યોતરૂપ હોવાથી ક્ષણિક નથી.’ એટલે વર્તમાનમાં છે એવો ને એવો ત્રિકાળ છે. વર્તમાન-વર્તમાનપણે પોતે કાયમ રહેનારો ત્રિકાળ છે. ‘અને સ્પષ્ટ પ્રકાશમાન જ્યોતિ છે.’ અહાહા...! પરની અપેક્ષા રાખ્યા વિના પોતે પોતાને જ્ઞાનમાં સ્પષ્ટ પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્યજ્યોતિ પોતે છે. પ્રવચનસાર ગાથા ૧૭૨ની ટીકામાં અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે આત્મા પોતાના સ્વભાવ વડે જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. સર્વત્ર આ શૈલીથી જ વાત છે. ભગવાન આત્મા મતિ-શ્રુત-જ્ઞાનમાં પોતાથી પ્રત્યક્ષ જણાય એવી ચૈતન્યજ્યોતિ છે, પરોક્ષ રહે કે ઢંકાએલો રહે એવો આત્મા છે જ નહીં. અહા! જ્ઞાયકદેવ જેને જ્ઞાનમાં બેઠો એની અહીં વાત છે.

‘એવો જે જ્ઞાયક એક ‘ભાવ’ છે.’ જુઓ ભાષા! જ્ઞાયક એક ભાવ છે કહેતાં એકસ્વરૂપ છે. ઉપશમભાવ, ક્ષાયિકભાવ આદિ પર્યાયભાવો તો અનેક છે. આ તો ત્રિકાળ એકરૂપ, સદ્રશ-સદ્રશ, સામાન્ય જ્ઞાયક તે પોતે એક ભાવ છે. ગંજીફાની રમતમાં જેમ