પ્રમત્ત અને અપ્રમત્ત એ તો પર્યાયના ભેદો છે અને તે અશુદ્ધનયનો વિષય છે. પહેલેથી છ ગુણસ્થાન પર્યંતની પર્યાયો પ્રમત્ત છે અને સાતમેથી ચૌદ ગુણસ્થાન પર્યંતની પર્યાયો તે અપ્રમત્ત છે. આમાં હવે કઈ પર્યાયો બાકી રહી ગઈ? ભગવાન આત્મા આ સઘળી અપ્રમત્ત અને પ્રમત્ત એવી પર્યાયોના ભેદથી રહિત શુદ્ધનયસ્વરૂપ એક જ્ઞાયકભાવ છે. આગળ અગિયારમી ગાથામાં એને જ ભૂતાર્થ કહેલો છે. અહો! જે દ્રષ્ટિનો વિષય છે અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે તે આ જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી અને પ્રમત્ત પણ નથી; એ રીતે એને શુદ્ધ કહેવાય છે.
વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી. અહીં જ્ઞાયકને જાણનાર પર્યાયની વાત કરી. જ્ઞાયકને જાણનારી પર્યાય જ્ઞાયકની પોતાની જ છે, એ પર્યાયનો કર્તા પોતે જ છે. જ્ઞાનની પર્યાય તે અન્ય જ્ઞેયનું કાર્ય છે વા નિમિત્તનું કાર્ય છે એમ નથી. પોતે જ્ઞાયકભાવ જે પર્યાયમાં જણાયો તેમાં ભલે-જ્ઞેયનું જ્ઞાન હોય, પણ એ જ્ઞાન જ્ઞેયનું કાર્ય નથી, પોતાનું કાર્ય છે.
અહાહા...!! ભગવાન, તું અનાદિઅનંત નિત્યાનંદસ્વરૂપ એક પૂર્ણ જ્ઞાયકભાવ છું જેમાં પર્યાયનો-ભેદનો અભાવ છે. તેથી તું શુદ્ધ છે-એમ કહેવાય છે. એટલે પરદ્રવ્ય અને તેના ભાવો તથા કર્મના ઉદયાદિનું લક્ષ છોડી જ્યાં દ્રષ્ટિ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર ગઈ કે પરિણતિ શુદ્ધ થઈ. એ શુદ્ધ પરિણમનમાં જ્ઞાયક શુદ્ધ છે એમ જણાયું એને શુદ્ધ છે એમ કહે છે, ખાલી શુદ્ધ છે, શુદ્ધ છે એમ કહેવામાત્ર નથી. આ જ્ઞાયકભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે. દોલતરામજીએ કહ્યું છે ને કેઃ-
તોડી સકલ જગ–દંદ–ફંદ, નિજ આતમ ધ્યાવો.
અરે! ભગવાન, તેં તારી જાતને જાણી નહીં! ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનો આ સંદેશ છે કે ભગવાન આત્મા નિત્યધ્રુવ, ત્રિકાળ એકરૂપ, પરમ પારિણામિકભાવરૂપ જ્ઞાયકરૂપ છે, શુદ્ધ છે, પવિત્ર છે, પ્રગટ છે. પણ કોને? કે પરનું લક્ષ છોડી જેણે અંતરસન્મુખ થઈ એક આ જ્ઞાયકભાવની સેવા-ઉપાસના કરી તેને પર્યાયમાં સમ્યગ્દર્શન-જ્ઞાન તથા ચારિત્રનો અંશ પ્રગટ થયો. ત્યારે તેને જ્ઞાયકભાવ પરમશુદ્ધ છે એમ જણાયું. તેને જ્ઞાયક શુદ્ધ છે એમ કહેવામાં આવે છે. જ્ઞાયકભાવની દ્રષ્ટિ થતાં જે શુદ્ધતા પ્રગટી એને એ શુદ્ધતામાં સ્વનું અને પરનું જ્ઞાન પરિણમનરૂપ થયું. એ જ્ઞાન પરનું-નિમિત્તનું કે જ્ઞેયનું કાર્ય છે એમ નથી. પોતાના જ્ઞાનની પર્યાય જે પરિણમી તેનો કર્તા પોતે છે અને જે પર્યાય પરિણમી તે એનું પોતાનું કાર્ય છે.