અહીં એમ પણ જાણવું કે જિનમતનું કથન સ્યાદ્વાદરૂપ છે તેથી અશુદ્ધનયને સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્યાદ્વાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા-બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધનયને અહીં હેય કહ્યો છે કારણ કે અશુદ્ધનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે કલેશ મટે. એ રીતે દુઃખ મટાડવાને શુદ્ધનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ધનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ધનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ધનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુસ્વરૂપ છે તે છે- એ પ્રમાણદ્રષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.
અહીં, (જ્ઞાયકભાવ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત’ એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ધનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે.
શિષ્યનો પ્રશ્ન છે કે એવો શુદ્ધાત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ? શિષ્યને અંતરમાં જિજ્ઞાસા થઈ છે કે પરથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવો શુદ્ધાત્મા કોણ છે જેને જાણવાથી જન્મ-મરણ મટે અને ભવભ્રમણ નાશ થઈને મોક્ષ થાય. આવી અંતરની ચીજ જાણવાનો જેને પ્રશ્ન થયો છે તેને ઉત્તરરૂપે ગાથાસૂત્ર કહે છે.
પ્રવચન નંબર, ૧૪–૧૭ તારીખ ૧૩–૧૨–૭પ થી ૧૬–૧૨–૭પ
જે જ્ઞાયકભાવ છે તે અપ્રમત્ત પણ નથી અને પ્રમત્ત પણ નથી, -એ રીતે એને શુદ્ધ કહે છે; વળી જે જ્ઞાયકપણે જણાયો તે તો તે જ છે, બીજો કોઈ નથી.
જ્ઞાયકભાવ જે ત્રિકાળ એકરૂપ સ્વભાવભાવરૂપ છે તેને અહીં પરમ પારિણામિકભાવ ન કહેતાં જ્ઞાયકભાવ કહ્યો તેનું કારણ એ છે કે પારિણામિકભાવ તો સર્વ દ્રવ્યોમાં છે; જ્યારે જાણવું, જાણવું, જાણવું, એવો જે સામાન્ય જ્ઞાયકભાવ તે એક જીવદ્રવ્યમાં જ છે. તે જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી કે પ્રમત્ત પણ નથી. અર્થાત્ ચૌદેય ગુણસ્થાનની પર્યાયો એમાં નથી.