સમયસાર ગાથા ૮૬ ] [ ૨૩૯
ઉત્પત્તિ કાળમાં આત્મા જ્ઞાનના સ્વપરપ્રકાશક સ્વભાવના કારણે પરને પણ જાણે છે જ્ઞાનમાં પરને પ્રકાશવાનું સામર્થ્ય પરને લઈને નથી.
અહીં કહે છે કે જે પરિણમે છે તે કર્તા છે. આ શરીર પરિણમિત થાય તેનો કર્તા શરીર છે. પર જીવની દયા પાળવાના ભાવ થાય તે જીવનું પરિણમન છે અને તેનો કર્તા જીવ છે. અને તે દયાના પરિણામ કર્મ છે.
પરિણમે તે કર્તા છે અને પરિણામ કર્મ છે; કર્મ એટલે કાર્ય છે. ‘तु’ અને ‘या परिणति सा क्रिया’ જે પરિણતિ છે તે ક્રિયા છે. પ્રથમની પર્યાય પલટીને વર્તમાન પર્યાય થઈ તે ક્રિયા છે. ‘त्रयम् अपि’ એ ત્રણેય ‘वस्तुतया भिन्नम् न’ વસ્તુપણે ભિન્ન નથી. પર્યાયદ્રષ્ટિથી ત્રણ ભેદ પડે છે, વસ્તુપણે ભેદ નથી. સમયસાર કળશટીકાના ૪૯મા શ્લોકમાં તો એમ કહ્યું છે કે દ્રવ્ય કર્તા અને તેના પરિણામ એ તેનું કર્મ એ પણ ઉપચારથી છે. અને દ્રવ્ય પરનો કર્તા તો ઉપચારથી પણ નથી. , વ્યવહારથી પણ નથી. પોતાના જ્ઞાન પરિણામ તે કાર્ય અને તેનો કર્તા આત્મા એવો ભેદ ઉપચાર છે. નિશ્ચયથી તો પરિણામ અને પરિણામી અભેદ છે.
અહીં તો પરથી ભિન્ન પાડવાની વાત છે એટલે એમ કહ્યું કે જે પરિણમે છે તે કર્તા અને જે પરિણામ છે તે કર્મ છે. ખરેખર તો જે પરિણમે છે તે પર્યાય છે, દ્રવ્ય તેનું કર્તા નથી. પરિણતિનો કર્તા પરિણતિ પોતે છે, કેમકે એક સમયમાં જે પરિણતિ થઈ તે પોતાના ષટ્કારકથી થઈ છે. પરિણતિ થઈ તે દ્રવ્ય-ગુણના આલંબનથી થઈ નથી, પરના આલંબનથી પણ થઈ નથી. શુદ્ધ પરિણતિ હો કે અશુદ્ધ પરિણતિ હો, તે સમય સમયના પોતાના ષટ્કારકથી થાય છે. તે ક્રિયાનું કારણ દ્રવ્ય નથી. પરિણતિનું ઉપાદાન કારણ પરિણતિ પોતે છે; પરિણતિ ધ્રુવથી થઇ છે એમ નથી. પરિણતિ પરિણતિથી થઈ છે.
અહા! પરિણમે તે કર્તા, પરિણામ તે કર્મ અને પરિણતિ તે ક્રિયા-એમ ત્રણ ભેદ પાડવા તે ઉપચાર છે. ત્યારે લોકો વ્રત, તપ, ભક્તિ અને બ્રહ્મચર્ય પાળવું એમાં ધર્મ માને છે, પરંતુ એ માન્યતા તો મિથ્યાત્વ છે. વ્રતાદિ છે તે આસ્રવ છે. આસ્રવનું પાલન કરવું તે મિથ્યાત્વ છે. રાગને પાળવો-રાગની રક્ષા કરવી તે મિથ્યાત્વ છે. વર્તમાનમાં આ બધી ખૂબ ગડબડ ચાલે છે. પણ ભાઈ! તત્ત્વ તો આ છે. પરિણતિ તે ક્રિયા, પરિણમે તે કર્તા અને પરિણામ તે કર્મ- એ ત્રણેય વસ્તુ છે, વસ્તુથી ભિન્ન નથી.
પરનું કાર્ય પોતાથી થાય અને પોતાનું કાર્ય પરથી થાય એ વસ્તુસ્વરૂપ નથી. કહે છે ને કે ખેડૂતો ખેતીનાં કામ કરે છે; પણ એમ છે નહિ. ખેતીનાં કામ તો એના કારણે થાય છે, જીવથી તે થતાં નથી. ખેતીની પેદાશ જીવ કરે છે એમ છે જ નહિ. આત્મામાં આનંદની ઉત્પત્તિ થાય તે આત્માની પેદાશ છે. ખેતીની પેદાશ કોણ કરે? ખેતીની પેદાશ હું કરું છું એમ માને તે મિથ્યાદ્રષ્ટિ છે, એ દુઃખના ભાવ છે.