સમયસાર ગાથા ૮૬ ] [ ૨૪૩
ફરી પણ કહે છે કેઃ-
‘एकः परिणमति सदा’ વસ્તુ એક જ સદા પરિણમે છે, ‘एकस्य सदा परिणामः जायते’ એકના જ સદા પરિણામ થાય છે અર્થાત્ એક અવસ્થાથી અન્ય અવસ્થા એકની જ થાય છે. અને ‘एकस्य परिणतिः स्यात्’ એકની જ પરિણતિ-ક્રિયા થાય છે; ‘यत’ કારણ કે‘एकम् अनेकम् न स्यात्’ એક દ્રવ્ય અનેક દ્રવ્યરૂપ થાય નહિ.
‘એક વસ્તુના અનેક પર્યાયો થાય છે; તેમને પરિણામ પણ કહેવાય છે અને અવસ્થા પણ કહેવાય છે.’
પ્રત્યેક આત્મા અને પ્રત્યેક પરમાણુ સમયસમયમાં અનેક પર્યાયયુક્ત છે. એટલે કે પ્રત્યેક દ્રવ્ય પોતાની અનેક પર્યાયથી યુક્ત છે. માટે અન્ય દ્રવ્ય તેની પર્યાય કરે એમ નથી. પ્રત્યેક દ્રવ્યમાં અનંત ગુણો છે. તેથી એક સમયમાં તેની પર્યાયો પણ અનંત હોય છે. માટે અનંત પર્યાયરહિત કોઈ દ્રવ્ય હોતું નથી. જેમ આત્મદ્રવ્ય અનેક પર્યાયયુક્ત છે તેમ અન્ય દ્રવ્ય પણ અનેક પર્યાયયુક્ત છે. તો પછી અનેક પર્યાયયુક્ત બીજા દ્રવ્યની પર્યાયને આત્મા કેમ કરે?
દ્રવ્ય અનેક પર્યાયયુક્ત હોય છે. તેને પરિણામ પણ કહે છે. આત્મા પોતાની પર્યાય પ્રસિદ્ધ કરે તેને પરિણામ કહેવાય છે. અહીં સંસાર પર્યાયની જ વાત નથી. દરેક આત્મા શુદ્ધ કે અશુદ્ધ અનંત પર્યાયયુક્ત હોય છે. અશુદ્ધ વખતે પોતાની અશુદ્ધ અનંત પર્યાયયુક્ત આત્મા હોય છે. તો તે અશુદ્ધ પર્યાયને અન્ય દ્રવ્ય કેમ કરે?
પર્યાયને અવસ્થા પણ કહે છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના અનંત ગુણની અવસ્થારૂપે પરિણમન કરે છે. પર્યાયને પરિણામ પણ કહે છે, અવસ્થા પણ કહે છે. હવે કહે છે- ‘તેઓ સંજ્ઞા, સંખ્યા લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જુદા નથી.; એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે.’
દ્રવ્યનું નામ અને પર્યાયનું નામ જુદું છે માટે સંજ્ઞાભેદે ભેદ છે. દ્રવ્ય એક અને પર્યાય અનેક-એમ સંખ્યાભેદ છે. દ્રવ્ય ત્રિકાળ રહે છે અને પર્યાય એક સમય, માટે લક્ષણભેદ છે. અને દ્રવ્ય-પર્યાયનું પ્રયોજન ભિન્ન છે, માટે પ્રયોજનથી પણ ભેદ છે. તોપણ એક વસ્તુ જ છે. દ્રવ્યપર્યાય એક વસ્તુ જ છે. એવો જ ભેદાભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. આત્મા અભેદસ્વરૂપ છે એમ શાસ્ત્રમાં આવે છે. અહીં ભેદાભેદ સ્વરૂપ લીધું છે.