સમયસાર ગાથા ૮૬ ] [ ૨૪પ
અભેદદ્રષ્ટિમાં ભેદ માલૂમ પડતો નથી માટે અભેદની દ્રષ્ટિમાં ભેદ નથી એમ કહ્યું છે. અંદર ગુણ-પર્યાયનો ભેદ છે તો ખરો, પણ અભેદની દ્રષ્ટિમાં ભેદ માલૂમ પડતો નથી. માટે ભેદને ગૌણ કરીને-અભાવ કરીને નહિ -વ્યવહાર કહેલ છે. એકાંત અને અનેકાંતના ભારે ગોટા ઊઠયા છે. અહીં તો અભેદદ્રષ્ટિ કરાવવા એકાંત ભણી લઈ જાય છે. પર્યાય અને ભેદનું લક્ષ છોડાવવા ભેદને ગૌણ કરી અભૂતાર્થ કહેલ છે.
ત્યારે કોઈ કહે કે ભેદદ્રષ્ટિથી અભેદદ્રષ્ટિ થાય અને અભેદની દ્રષ્ટિથી પણ અભેદનું લક્ષ થાય એમ અનેકાંત કરવું જોઈએ. તેને કહે છે કે ભાઈ! એવું અનેકાંતનું સ્વરૂપ નથી. ભેદદ્રષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. સરાગીને ભેદના લક્ષે વિકલ્પ થાય છે. ભેદને જાણવાથી રાગ થાય એમ નહિ. પણ સરાગી પ્રાણી છે તેને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ થાય છે. તેથી નિર્વિકલ્પ દશા કરાવવા માટે ત્રિકાળી અભેદ એકરૂપ ચીજની દ્રષ્ટિ કરો એમ સમ્યક્ એકાંત કહ્યું છે.
અભેદદ્રષ્ટિથી સમ્યગ્દર્શન થાય અને ભેદદ્રષ્ટિથી ન થાય એનું નામ અનેકાંત છે. લોકોએ એકાંત-અનેકાંતને સમજ્યા વિના મોટી ગડબડ કરી દીધી છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે અભેદ ઉપર દ્રષ્ટિ મૂકવી જોઈએ. ભેદ અને પર્યાય હોવા છતાં એકાંત અભેદની દ્રષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કથંચિત્ ભેદના લક્ષથી અને કથંચિત્ અભેદના લક્ષથી સમ્યગ્દર્શન થાય એમ છે જ નહિ. એ અનેકાંત નથી, એ તો ફુદડીવાદ છે.
જુઓ, શું કહ્યું? વસ્તુનું સ્વરૂપ તો ભેદાભેદ છે. વીતરાગ થયા પછી અભેદને જાણે, ભેદને પણ જાણે. પણ સરાગી પ્રાણીને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ થાય છે. માટે ભેદને ગૌણ કરીને એક અભેદ ઉપર દ્રષ્ટિ સ્થાપિત કરવી. આવો જ વીતરાગનો માર્ગ છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે-અનેકાંત પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી. ભાઈ! અંદર ત્રિકાળી શુદ્ધ અભેદ ચીજ પડી છે. એના ઉપર દ્રષ્ટિ આપ્યા વિના કોઈ વ્રતાદિના વિકલ્પથી, રાગથી, ભેદથી કે નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટ થાય એમ ત્રણકાળમાં બનતું નથી. વળી શ્રીમદ્ કહે છે -
અનેકાંતદ્રષ્ટિયુક્ત એકાંતની જે સેવા કરે છે એટલે કે પર્યાયાદિ ભેદનું જ્ઞાન કરીને જે અભેદનું સેવન કરે છે તે સમ્યક્પણે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું એમ જાણે છે. એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું, હું એકાંત શુદ્ધ આનંદસ્વરૂપ છું. જુઓ, દુઃખ છે, અશુદ્ધતા છે એ વાત કરી નથી. સમ્યગ્દર્શનમાં સમ્યક્ એકાંત હોય છે. અહાહા..! અચિંત્ય સુખ પરમોત્કૃષ્ટ સુખમાત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં નિક્ષેપ શું? વિકલ્પ શું? ભય શું? ખેદ શું? બીજી અવસ્થા શું? હું તો માત્ર નિર્વિકલ્પ નિજસ્વરૂપમય ઉપયોગ કર્તા છું. તન્મય થા તો શાંતિ, શાંતિ, શાંતિ.