૨૪૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
પર્યાયમાં અશુદ્ધતા છે અને ભેદ છે એ બધું અહીં ઉડાડી દીધું છે. દ્રષ્ટિનો વિષય આમ એકાંત હોય છે.
બે કારણથી કાર્ય થાય એમ નથી. પોતાના સ્વરૂપના લક્ષથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કારણ એક જ છે; પરંતુ પ્રમાણજ્ઞાનમાં બીજું નિમિત્ત કોણ છે એનું જ્ઞાન કરાવવા ઉપચારથી એને કારણ કહેવાય છે.
નયચક્રમાં આવે છે કે-શિષ્યે પ્રશ્ન કર્યો કે પ્રભુ! નિશ્ચયમાં તો એકલું દ્રવ્ય આવે છે, જ્યારે પ્રમાણનો વિષય તો દ્રવ્ય અને પર્યાય બન્ને છે. માટે નિશ્ચય કરતાં પ્રમાણ પૂજ્ય છે? તેના જવાબમાં કહ્યું કે -નહિ, પ્રમાણ પૂજ્ય નથી. તેમાં પર્યાયનો નિષેધ ન આવે તે પૂજ્ય નથી. આવો માર્ગ છે.
વળી કહે છે કેઃ-
‘न उभौ परिणमतः खलु’ બે દ્રવ્યો એક થઈને પરિણમતાં નથી, ‘उभयोः परिणामः न प्रजायेत’ બે દ્રવ્યોનું એક પરિણામ થતું નથી અને ‘उभयोः परिणतिः न स्यात्’ બે દ્રવ્યોની એક પરિણતિ -ક્રિયા થતી નથી.
શું કહે છે? આત્મામાં જે અશુદ્ધ રાગ-દ્વેષાદિ પરિણામ થાય તે પોતાથી પણ થાય અને કર્મથી પણ અશુદ્ધરૂપ ચેતના થાય એમ નથી. બે દ્રવ્યોની એક પરિણતિ હોતી નથી. કર્મથી વિકાર થાય છે એ માન્યતા ખોટી છે. પોતાનું અશુદ્ધ પરિણમન પોતાથી થાય છે. કર્મ પણ (જીવનું) અશુદ્ધ પરિણમન કરી દે છે એમ નથી. જીવદ્રવ્ય પોતાની શુદ્ધ ચેતનારૂપ અથવા અશુદ્ધ ચેતનારૂપ વ્યાપ્યવ્યાપકભાવથી પરિણમે છે. પુદ્ગલદ્રવ્ય પણ પોતાના અચેતનલક્ષણ પરિણામરૂપ અથવા જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પરિણમે છે. વસ્તુ તો આમ છે. પણ જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બન્ને મળીને અશુદ્ધ ચેતનારૂપ પરિણમે છે એમ નથી.
શ્રી જયસેનાચાર્યની ટીકામાં એમ આવ્યું છે કે -જેમ માતાપિતા વિના પુત્ર થતો નથી તેમ આત્મા અને કર્મ વિના અશુદ્ધતા થતી નથી. પરંતુ એ તો ત્યાં પ્રમાણનું જ્ઞાન કરાવવા એમ વાત કરી છે. અહીં કહે છે કે જેમ આત્મા અશુદ્ધતારૂપે વ્યાપ્યવ્યાપકભાવથી પરિણમે છે તેમ પુદ્ગલ પણ આત્માને અશુદ્ધતારૂપે પરિણમાવી દે છે એમ કોઈ માને તો તે એમ નથી. જીવદ્રવ્ય અને પુદ્ગલદ્રવ્ય બન્ને મળીને એક પર્યાયપણે પરિણમે એમ છે નહિ. જડકર્મ કર્મની પર્યાયને કરે અને જીવના અશુદ્ધ પરિણામને પણ કરે એમ છે નહિ.
લોકો મોટા વાંધા ઉઠાવે છે. પણ અહીં કહે છે કે જ્ઞાનાવરણાદિ કર્મ જીવમાં કાંઈ કરતું નથી. વિકાર પોતાની પર્યાયથી પોતાના કારણે થાય છે. પોતાની ષટ્કારકની