૨પ૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
આવો માર્ગ શ્રી સીમંધર ભગવાને ધર્મસભામાં કહ્યો છે અને તે જ માર્ગ શ્રી કુંદકુંદાચાર્ય અહીં લાવ્યા છે. અજ્ઞાની માને કે ‘परं अहं कुर्वे’ પર દ્રવ્યને હું કરું છું. પણ પરદ્રવ્યને કોણ કરે? પરદ્રવ્યનો અર્થ અહીં પરદ્રવ્યની પર્યાય કરવો. અહાહા...! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાને હું કરું છું એમ જે માને છે તે અહંકારી, અજ્ઞાની, મિથ્યાદ્રષ્ટિ છે. હું બીજાઓને સુંદર વક્તવ્ય-વ્યાખ્યાન વડે સમજાવી દઉં એમ અજ્ઞાની માને છે. બીજાને કોણ સમજાવી દે? અરે ભાઈ! ભાષા તો જડ છે. તે જડના પોતાના કારણે થાય છે. જીભ, હોઠ આદિ હલે તે પોતાના કારણે હલે છે, તે આત્માના વિકલ્પને કારણે હલે છે એમ નથી. ભાષા જે શબ્દનો વિકાર છે તે તો પોતાના કારણે પોતે ભાષારૂપ થાય છે. અને સમજનાર પણ પોતે પોતાની યોગ્યતાથી પોતાના કારણે સમજે છે. આવું જ વસ્તુસ્વરૂપ છે. આ મોટાં કારખાનાં ચાલે તે સમયે તે તે પુદ્ગલોની જે પર્યાય થવા યોગ્ય હોય તે પુદ્ગલોથી થાય છે. ત્યાં બીજો કોઈ (ઉદ્યોગપતિ આદિ) એમ કહે કે મારાથી કારખાનાં ચાલે છે તો તે પરદ્રવ્યના કર્તાપણાના અહંકારરસથી ભરેલો અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે.
અહા! જગતમાં મોહી અજ્ઞાની જીવોને પરદ્રવ્યના કર્તાપણાનો મહા અહંકાર છે અને તે અજ્ઞાન છે. આવું અજ્ઞાન તેમને અનાદિ સંસારથી ચાલ્યું આવે છે અને તે દુર્નિવાર છે, ટાળવું મહા કઠણ છે. આ અજ્ઞાન મહા પુરુષાર્થ વડે જ ટાળી શકાય એમ છે.
હવે કહે છે-‘अहो’ અહો! ‘भूतार्थपरिग्रहेण’ પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધ દ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી ‘यदि’ જો ‘तत् एकवारं विलयं व्रजेत्’ તે એક વાર પણ નાશ પામે ‘तत्’ તો ‘ज्ञानघनस्य आत्मनः’ જ્ઞાનઘન આત્માને ‘भूयः’ ફરીથી ‘बन्धनम् किं भवेत्’ બંધન કેમ થાય? જીવ જ્ઞાનઘન છે માટે યથાર્થ જ્ઞાન થયા પછી જ્ઞાન કયાં જતું રહે? ન જાય. અને તે જ્ઞાન ન જાય તો ફરી અજ્ઞાનથી બંધ કયાંથી થાય? કદી ન થાય.
હું પરદ્રવ્યની ક્રિયાને કરું છું એવું મોહી જીવોને અનાદિ સંસારથી અજ્ઞાન ચાલ્યું આવે છે. અનાદિ સંસાર એટલે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભવ અને ભાવરૂપ પરાવર્તન જીવને અનાદિથી છે. શુભાશુભભાવનું પરાવર્તન એને અનાદિથી ચાલ્યું આવે છે. પણ તે અજ્ઞાન છે. આ અજ્ઞાન અત્યંત દુર્નિવાર છે. રાગને ઘટાડી મંદરાગપણે વા શુભરાગ રૂપે પરિણમવું એ તો સહેલી વાત છે. એવા શુભભાવ એણે અનંતવાર કર્યા છે. પણ સમ્યગ્દર્શન પામવા માટે શુભરાગ કાંઈ વસ્તુ નથી. ભાઈ! આ તો ધર્મની પહેલી સીડીની વાત છે. અહીં કહે છે કે ‘भूतार्थपरिग्रहेण’-અહો! પરમાર્થનયનું અર્થાત્ શુદ્ધદ્રવ્યાર્થિક અભેદનયનું ગ્રહણ કરવાથી જો તે એક વાર પણ નાશ પામે તો જ્ઞાનઘન આત્માને ફરી બંધન કેમ થાય? કદી ન થાય.