નથી. જાણનાર જ્ઞેયાકારોના જ્ઞાનપણે પરિણમે તેથી તેને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તોપણ જ્ઞેય પદાર્થોના કારણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી. જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. પરના કારણે જ્ઞાન જ્ઞેયાકારરૂપ થાય છે એમ નથી, પરંતુ પોતાની પરિણમનયોગ્યતાથી પોતાનો જ્ઞાનઆકાર પોતાથી થયો છે.
આવું વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે નહીં અને સામાયિક કરે, પ્રૌષધ કરે, પ્રતિક્રમણ કરે, ઉપવાસાદિ કરે, પણ તેથી શું? અહીં તો કહે છે કે જ્ઞાયક, જે જ્ઞેયો પર છે તેનો જાણનાર છે, પરજ્ઞેયો જેવા હોય તે આકારે જ્ઞાનનું પરિણમન થાય છે; તો પરની અપેક્ષાથી જ્ઞાનનું પરિણમન અશુદ્ધ થયું કે નહીં? તો કહે છે ના, કેમકે રાગાદિ જ્ઞેયાકારની અવસ્થામાં જ્ઞાયકપણે જે જણાયો તે સ્વરૂપપ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. જેમ દાહ્યકૃત અશુદ્ધતા અગ્નિને નથી તેમ જ્ઞેયકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. જ્ઞાયકભાવના લક્ષે જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું અને જે જ્ઞેય છે, તેનું જ્ઞાન થયું, તે પોતાના કારણે થયું છે. જે જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ, કર્તા કર્મનું અનન્યપણું હોવાથી, જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જ જાણ્યો માટે પોતે જ કર્મ. જ્ઞેયને જાણ્યું જ નથી, પણ જ્ઞેયાકાર થયેલા પોતાના જ્ઞાનને જાણ્યું છે. અહાહા...! વસ્તુ તો સત્, સહજ અને સરળ છે, પણ એનો અભ્યાસ નહીં એટલે કઠણ પડે છે, શું થાય?
દ્રષ્ટાંતઃ જેમ દીપક ઘટ-પટને પ્રકાશિત કરવાની અવસ્થામાંય દીપક છે અને પોતાને -પોતાની જ્યોતિરૂપ શિખાને -પ્રકાશવાની અવસ્થામાં પણ દીપક જ છે. દીવો ઘટ-પટાદિને પ્રકાશે ત્યારે પણ દીવારૂપ છે, ઘટ-પટાદિરૂપ થતો નથી; અને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશે ત્યારે પણ દીવો દીવો જ છે, અન્ય કાંઈ નથી; તેમ જ્ઞાયકનું પણ સમજવું.
જ્ઞાયક ઘટપટાદિ કે રાગાદિ જ્ઞેયાકારોને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે અને પોતાને જાણવાની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે ઘટ-પટાદિ કે રાગાદિને જાણવાના કાળે પણ જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ જ છે, ઘટ-પટાદિ અન્યરૂપ નથી. તથા પોતાની પર્યાયને જાણવાના કાળે પણ જ્ઞાનની પર્યાય જ્ઞાનરૂપ જ છે, અન્યરૂપ નથી.
માર્ગ ઘણો સૂક્ષ્મ છે. ભાઈ! અનાદિના શલ્ય પડયા છે તેથી આવી વાત સમજવી કઠણ પડે. પરંતુ આ સમજ્યા વિના જન્મ-મરણનો અંત આવે એમ નથી. ભાઈ! પ્રયત્ન કરીને પણ આ સમજવું પડશે.