જ્ઞાયક જ્ઞાનરૂપે પરિણમે છે, તે જ્ઞેયાકારે પરિણમે છે એમ છે જ નહીં. આ જ્ઞાયક રૂપી દીવો દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ઈત્યાદિ પરિણામ જે જ્ઞેય છે તેને જાણવાના કાળે પણ જ્ઞાનરૂપે રહીને જ જાણે છે, અન્ય જ્ઞેયરૂપ થતો નથી. જ્ઞેયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, જ્ઞેયની નથી. જ્ઞાનની પર્યાય જ્ઞેયના જાણનપણે થઈ માટે તેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. સાક્ષાત્ તીર્થંકર ભગવાન સામે હોય અને તે જાણવાના આકારે જ્ઞાનનું પરિણમન થાય તો તે જ્ઞેયના કારણે થયું એમ નથી. તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. ભગવાનને જાણવાના કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી પણ ખરેખર તત્સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે આત્મા જાણનાર છે તે જાણે છે, તે પરને જાણે છે કે નહીં? તો કહે છે કે પરને જાણવાના કાળે પણ સ્વનું પરિણમન-જ્ઞાનનું પરિણમન પોતાથી થયું છે, પરના કારણ નહીં. આ શાસ્ત્રના શબ્દો જે જ્ઞેય છે એ જ્ઞેયના આકારે જ્ઞાન થાય છે પણ તે જ્ઞેય છે માટે જ્ઞાનનું અહીં પરિણમન થયું છે એમ ત્રણકાળમાં નથી. તે વખતે જ્ઞાનના પરિણમનની લાયકાતથી અર્થાત્ જ્ઞેયનું જ્ઞાન થવાની પોતાની લાયકાતથી જ્ઞાન થયું છે. જ્ઞાન જ્ઞેયના આકારે પરિણમે છે તે જ્ઞાનની પર્યાયની પોતાની લાયકાતથી પરિણમે છે, જ્ઞેય છે માટે પરિણમે છે એમ નથી. હવે સુગમ ભાષામાં ભાવાર્થ કહે છે. * ભાવાર્થ ઉપરનું પ્રવચન * આત્મામાં અશુદ્ધપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે. ત્યાં મૂળદ્રવ્ય તો અન્યદ્રવ્યરૂપ થતું જ નથી, માત્ર પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. જુઓ આત્મામાં પુણ્ય-પાપની મલિન દશા એ કર્મના નિમિત્તથી આવે છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઈત્યાદિ વિકલ્પો એ રાગ છે, મલિનતા છે અને એ પરદ્રવ્ય જે કર્મનો ઉદય તેના સંયોગથી આવે છે. પણ તેથી મૂળદ્રવ્ય જે જ્ઞાયકભાવ છે તે રાગાદિરૂપ મલિન થઈ જતું નથી. એ તો નિર્મળાનંદ, ચિદાનંદ ભગવાન જેવો છે તેવો ત્રિકાળ જ્ઞાયકસ્વરૂપે રહે છે. દ્રવ્યદ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાયદ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા પુદ્ગલકર્મના નિમિત્તથી રાગાદિરૂપ મલિન છે. પંડિત જયચંદ્રજીએ બહુ સારું સ્પષ્ટીકરણ કર્યું છે કે પર્યાયદ્રષ્ટિથી જુઓ તો તે મલિન જ દેખાય છે. અને દ્રવ્યદ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે, કાંઇ જડપણું થયું નથી. અહીં દ્રવ્યદ્રષ્ટિને પ્રધાન કરી કહ્યું છે, પર્યાયમાં જે પ્રમત્ત-અપ્રમત્તના ભેદ છે તે તો પરદ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. અહીં મલિન પર્યાય જે પ્રમાદના ભાવ એ તો પરદ્રવ્યસંયોગજનિત છે પણ એના અભાવથી જે અપ્રમત્તદશા થાય તેને પણ પરદ્રવ્યના