૨૭૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
અજ્ઞાનીને ભ્રમ થાય છે. સાકરમાં મીઠાશ છે. તે જડની અવસ્થા છે. તે મીઠાશનું જીવને જ્ઞાન થતાં મને મીઠાશનો સ્વાદ આવ્યો એમ અજ્ઞાની ભ્રમથી માને છે. તેમ કર્મનો ઉદય આવતાં તેમાં મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે. અહીં સ્વાદનો અર્થ એમ છે કે કર્મના ઉદયનો જે રસ છે તે જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. કર્મના ઉદયનો રસ તો જડની પર્યાય છે. તે જડનો સ્વાદ આત્મામાં કેમ આવે? કર્મનો વિપાક થતાં તેમાં મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે એટલે ઉદયના રસનું જીવને જ્ઞાન થાય છે ત્યાં અજ્ઞાનીને એમ ભ્રમ થાય છે કે જડના સ્વાદનું મને વેદન થાય છે.
પોતાના ઉપયોગમાં મિથ્યાત્વાદિનો રસ ખ્યાલમાં આવે છે પણ જ્ઞાનમાં એનો રસ આવતો નથી. જેમ તીખાશ, મીઠાસ, ખટાશ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે પણ તે તીખાશ, મીઠાશ, ખટાશ જ્ઞાનમાં આવતી નથી. તેમ કર્મના ઉદયનો રસ જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે પણ તે સ્વાદ પોતાનો નથી; તે સ્વાદ પરનો છે. તે મિથ્યાત્વાદિ અજીવ છે, જડ છે. જેમ તીખાશ, મીઠાશ વગેરે જડ છે તેમ મિથ્યાત્વાદિ કર્મનો ઉદય પણ જડ છે.
જીવને પોતાના મિથ્યાત્વભાવનું વેદન થાય છે, પણ જડ મિથ્યાત્વનું (કર્મનું) વેદન જીવને થતું નથી. જ્ઞાનમાં જડના રસનો ખ્યાલ આવે છે ત્યાં જડનો હું સ્વાદ લઉં છું એમ અજ્ઞાની માને છે. જડની પર્યાય રૂપી છે તે અરૂપી જીવમાં આવતી નથી. જ્ઞાન જડના રસને- સ્વાદને જાણે છે પણ તે જડનો સ્વાદ કાંઈ જ્ઞાનમાં આવી જતો નથી. સૂક્ષ્મ વાત છે, ભાઈ! પણ આ પ્રમાણે ન માનતાં જડનો સ્વાદ મને આવ્યો એવું માનીને અજ્ઞાની જીવ મિથ્યાત્વભાવનું સેવન કરે છે. જુઓ, લાડુ ખાય ત્યાં લાડુના સ્વાદનું જ્ઞાન થાય છે, પણ લાડુનો સ્વાદ જ્ઞાનમાં પેસતો નથી. લાડુનો સ્વાદ તો જડ છે, રૂપી છે અને ભગવાન આત્મા તો ચૈતન્યસ્વરૂપ અરૂપી છે. એ અરૂપીને રૂપીનો સ્વાદ કેમ આવે? ન જ આવે. તેમ કર્મનો ઉદય છે તે જડ છે. એ જડનો સ્વાદ જ્ઞાન જાણે છે. પણ અજ્ઞાનીને ભેદજ્ઞાન નથી તેથી જડના સ્વાદનો જ્ઞાનમાં ખ્યાલ આવતાં મને જડકર્મનો સ્વાદ આવ્યો એમ માની મિથ્યાત્વનું સેવન કરે છે.
કર્મનો વિપાક થતાં જે મિથ્યાત્વાદિ સ્વાદ ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વાદિ અજીવ છે. અહીં તો જડકર્મ અને આત્મા વચ્ચે ભેદજ્ઞાન કરવાની, પરથી હું ભિન્ન છું એમ પ્રતીતિ કરવાની વાત ચાલે છે. પછી મિથ્યાત્વ અને રાગદ્વેષના વિકારી ભાવોથી સ્વના આશ્રયે ભેદજ્ઞાન થાય છે. કર્મના ઉદયથી વિકાર થયો અને વિકારના કારણે કર્મબંધન થયું એમ માને એને તો વ્યવહારશ્રદ્ધાનાં પણ ઠેકાણાં નથી. હજી વ્યવહારશ્રદ્ધાનાં પણ ઠેકાણાં ન હોય એને રાગથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપનો અનુભવ કેમ થાય? અહો! જૈન તત્ત્વજ્ઞાન બહુ ગંભીર અને સૂક્ષ્મ છે!