Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 1044 of 4199

 

૨૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪

અંદર ઝઘડા કરે છે તેમ ભગવાનનો વિરહ થયા પછી માર્ગમાં અજ્ઞાનીઓ મોટી ગડબડ ઊભી કરી રહ્યા છે. પણ ભાઈ! માર્ગ તું કહે છે એવો નથી. આ જ માર્ગ છે. વ્યવહાર છે તો સમ્યગ્દર્શન થયું છે એમ નથી. સમ્યગ્દર્શનની પર્યાય ત્રિકાળી શુદ્ધ દ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થઈ છે. શુદ્ધના આશ્રયે એટલે દ્રવ્યની સન્મુખ થઈને તે પર્યાય પ્રગટી છે; પણ દ્રવ્યના કારણે તે પર્યાય પ્રગટી છે એમ નથી. તે પર્યાય પોતાથી થઈ છે એમ ભગવાન પોકાર કરીને યથાર્થ તત્ત્વ કહે છે. દ્રવ્ય ખરેખર તો નિર્મળ પર્યાયનું પણ કર્તા નથી. દ્રવ્યસ્વભાવ છે તે પર્યાયનું કર્તા નથી. અરે ભાઈ! મોક્ષમાર્ગની પર્યાયનું દ્રવ્ય કર્તા નથી. પરમાત્મપ્રકાશ દોહા ૬૮માં અને સમયસારની ગાથા ૩૨૦ની જયસેનાચાર્યની ટીકામાં આ વાત સ્પષ્ટપણે આવે છે. ત્યારે પ્રવચનસાર ગાથા ૧૮૯માં (ટીકામાં) એમ કહ્યું છે કે-“રાગપરિણામ જ આત્માનું કર્મ છે, તે જ પુણ્યપાપરૂપ દ્વૈત છે, રાગપરિણામનો જ આત્મા કર્તા છે, તેનો જ ગ્રહનાર અને છોડનાર છે;-આ, શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચયનય છે.” પર્યાય પોતાથી થઈ છે તેથી તેને નિશ્ચયનય કહ્યો છે. આત્મા વિકાર કરે અને વિકાર છોડે એ શુદ્ધનયનું કથન છે. એટલે કે વિકાર પોતાથી થાય છે માટે તેને શુદ્ધ દ્રવ્યના નિરૂપણ સ્વરૂપ નિશ્ચયનય કહ્યો છે. નિમિત્તની અપેક્ષા વિના વિકાર પોતામાં થાય છે માટે તેને શુદ્ધનય કહ્યો છે. નિશ્ચયનય કેવળ સ્વદ્રવ્યના પરિણામને દર્શાવતો હોવાથી તેને શુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. અને વ્યવહારનય પરદ્રવ્યના પરિણામને આત્મપરિણામ દર્શાવતો હોવાથી તેને અશુદ્ધ દ્રવ્યનું કથન કરનાર કહ્યો છે. વિકારી પરિણામ દ્રવ્યકર્મના નિમિત્તથી થયા છે એ અશુદ્ધનયનું કથન છે અને વિકારી પરિણામ પોતાથી થયા છે એ શુદ્ધનયનું કથન છે. “શુદ્ધપણે તથા અશુદ્ધપણે બન્ને પ્રકારે દ્રવ્ય પ્રતીત કરાય છે. પરંતુ અહીં નિશ્ચયનય સાધકતમ હોવાથી ગ્રહણ કરવામાં આવ્યો છે; (કારણ કે) સાધ્ય શુદ્ધ છે તેથી દ્રવ્યના શુદ્ધત્વનો દ્યોતક હોવાને લીધે નિશ્ચયનય જ સાધકતમ છે, પણ અશુદ્ધત્વનો દ્યોતક વ્યવહારનય સાધકતમ નથી.” આ જ્ઞેય અધિકાર છે માટે રાગ, દ્વેષ, પુણ્ય, પાપ, દયા, દાન અને મિથ્યાત્વભાવ પોતાની પર્યાયમાં પોતાથી થાય છે તે શુદ્ધનયનું કથન છે એમ કહ્યું છે. શુદ્ધનય સાધકતમ છે માટે અશુદ્ધનયનું લક્ષ છોડી દે-એમ કહે છે પ્રશ્નઃ– દ્રવ્યસામાન્યનું આલંબન જ ઉપાદેય છે, છતાં અહીં રાગપરિણામના ગ્રહણ- ત્યાગરૂપ પર્યાયોનો સ્વીકાર કરનાર નિશ્ચયનયને ઉપાદેય કેમ કહ્યો છે? ઉત્તરઃ– ‘રાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે અને વીતરાગપરિણામનો કરનાર પણ આત્મા જ છે; અજ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે અને જ્ઞાનદશા પણ આત્મા સ્વતંત્રપણે કરે છે’-આવા યથાર્થ જ્ઞાનની અંદર દ્રવ્યસામાન્યનું જ્ઞાન ગર્ભિતપણે સમાઈ જ જાય છે.