સમયસાર ગાથા ૮૮ ] [ ૨૭૭
જાણે છે, કેમકે રાગ બંધનનું કારણ છે. મુનિને મહાવ્રતનો જે વિકલ્પ આવે છે તે રાગ છે, તે જગપંથ છે કેમકે તે ઉદયભાવ છે. અહા! મુનિના પંચમહાવ્રતના ભાવ પણ જો દુઃખરૂપ જગપંથ છે તો અશુભભાવનું તો કહેવું જ શું? એ તો નુકશાન જ નુકશાન છે. મિથ્યાદ્રષ્ટિને જે વિષયવાસના અને પરસ્ત્રીસેવન આદિના તીવ્ર અશુભભાવ થાય છે તે દુર્ગતિનું જ કારણ છે.
અહીં કહે છે-મિથ્યાદર્શન આદિ ભાવ કે જે અજીવ છે તે તો મૂર્તિક પુદ્ગલકર્મ છે અને તે અમૂર્તિક ચૈતન્યપરિણામથી અન્ય છે; અને જે મિથ્યાદર્શન આદિ ભાવ જીવ છે તે ચૈતન્યપરિણામનો વિકાર છે અને તે મૂર્તિક પુદ્ગલકર્મથી અન્ય છે. અહાહા...! કેટલું સ્પષ્ટ કર્યું છે! ભેદજ્ઞાન કરવાની વાત છે!
ભાઈ! ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે. ઉપરથી માની લે તેવી ચીજ નથી. પોતાનો ચૈતન્ય ભગવાન અનાકુળ શાંતરસનો ધ્રુવકંદ છે. તેની દ્રષ્ટિ કરતાં રાગની દ્રષ્ટિ છૂટી જાય છે અને તે સમ્યગ્દર્શન છે. ધર્મીને વ્યવહારરત્નત્રયનો રાગ આવે છે પણ એની રુચિ એને છૂટી જાય છે. જે ભાવથી તીર્થંકરનામકર્મ બંધાય તે ભાવની રુચિ ધર્મીને છૂટી ગઈ હોય છે. આવી વાત છે. ૮૮ પૂરી થઈ.