मिथ्यादर्शनादिश्चैतन्यपरिणामस्य विकारः कुत इति चेत्–
मिच्छत्तं अण्णाणं अविरदिभावो य णादव्वो।। ८९।।
मिथ्यात्वमज्ञानमविरतिभावश्च ज्ञातव्यः।। ८९।।
હવે ફરી પૂછે છે કે મિથ્યાદર્શનાદિ ચૈતન્યપરિણામનો વિકાર કયાંથી થયો? તેનો ઉત્તર કહે છેઃ-
ગાથાર્થઃ– [मोहयुक्तस्य] અનાદિથી મોહયુક્ત હોવાથી [उपयोगस्य] ઉપયોગના [अनादयः] અનાદિથી માંડીને [त्रयः परिणामाः] ત્રણ પરિણામ છે; તે [मिथ्यात्वम्] મિથ્યાત્વ, [अज्ञानम्] અજ્ઞાન [च अविरतिभावः] અને અવિરતિભાવ એ ત્રણ) [ज्ञातव्यः] જાણવા.
ટીકાઃ– જોકે નિશ્ચયથી પોતાના નિજરસથી જ સર્વ વસ્તુઓનું પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ-પરિણમનમાં સમર્થપણું છે, તોપણ (આત્માને) અનાદિથી અન્ય-વસ્તુભૂત મોહ સાથે સંયુક્તપણું હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર છે. ઉપયોગનો તે પરિણામવિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, પરને લીધે (-પરની ઉપાધિને લીધે) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છેઃ- જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં (અર્થાત્ પોતાના ઉજ્જ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ (સ્ફટિકને) કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે, તેવી રીતે (આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્ય-વસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.