૨૮૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
ઉત્પન્ન થાય છે. ભગવાન આત્માનો જાણવા-દેખવાનો ઉપયોગ તો સદા નિર્મળ, શુદ્ધ છે. તેમાં અનાદિ મોહકર્મના સંયોગના વશે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ-એમ ત્રણ પ્રકારે વિકારપરિણામની પોતાથી ઉત્પત્તિ છે.
સમયસાર કળશ ૧૭પમાં કહ્યું છે કે-સૂર્યકાંતમણિ પોતાથી જ અગ્નિરૂપે પરિણમતો નથી, તેના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે. તેમ આત્મા પોતાને રાગાદિકનું નિમિત્ત કદી પણ થતો નથી, તેમાં નિમિત્ત પરસંગ જ-પરદ્રવ્યનો સંગ જ છે. આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે. વિકાર પરસંગથી નહિ પણ પરદ્રવ્યનો સંગ પોતે કરે છે તો થાય છે. મિથ્યાત્વાદિ પરિણામ પોતાના ષટ્કારકના પરિણમનથી થાય છે એમ શ્રી પંચાસ્તિકાયની ગાથા ૬૨માં કહ્યું છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવમય સ્વનો સંગ છોડી જીવ કર્મનો સંગ કરે છે તો પોતામાં વિકારભાવ પોતાથી ઉત્પન્ન થાય છે. આ મહા સિદ્ધાંત છે.
ભગવાન વીતરાગદેવનો આ અલૌકિક માર્ગ છે. ગણધરદેવો અને એકાવતારી ઇન્દ્રોએ જેનો સ્વીકાર કર્યો છે તે આ માર્ગ છે. મધ્યલોકમાં અસંખ્ય દ્વીપ-સમુદ્ર છે, તેમાં છેલ્લો સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. તેમાં હજાર જોજન લાંબા શરીરવાળા મગરમચ્છ છે. તેમાં પંચમ ગુણસ્થાનવાળા જીવો પણ છે. આત્મા છે ને! અંતર્દ્રષ્ટિ કરતાં આત્માનું ભાન પ્રગટ થઈ ગયું હોય છે. અહીં કહે છે-આત્મા તો ચૈતન્યની ઝળહળ જ્યોતિસ્વરૂપ શાંતિનો સાગર છે. તેમાં આ રાગ કયાંથી આવ્યો? તો કહે છે-પર્યાયમાં પોતે પરનો સંગ કર્યો તો રાગ ઉત્પન્ન થયેલો છે. પોતાનો સંગ કરે તો રાગ ઉત્પન્ન ન થાય. પોતાનો સ્વભાવ સદા શુદ્ધ છે. તેનો સંગ કરે, તેનું લક્ષ કરે તો શુદ્ધતા જ ઉત્પન્ન થાય.
ભાઈ! આ સાંભળીને વસ્તુતત્ત્વનો અંદર નિર્ણય કરવો. કોઈ તો એવા હોય છે કે અહીં સાંભળે એટલે આ વાતની હા પાડે અને વળી બીજે બીજી વાત સાંભળે તો તેની પણ હા પાડે. એમ કે સૌનાં મન રાજી રાખવાં પડે. ભાઈ! ગંગા કિનારે ગંગાદાસ અને જમના કિનારે જમનાદાસની રીતથી સૌ રાજી થશે પણ આત્મા રાજી નહિ થાય. સાંભળવાનું તાત્પર્ય તો અંદર રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવમય પરિપૂર્ણ પ્રભુ આત્મા બિરાજે છે તેનો નિર્ણય કરી તેની પ્રતીતિ કરવી, તેનો અનુભવ કરવો એ છે. આ કાંઈ લોકરંજનની વાત નથી; આ તો આત્માના હિતની વાત છે, અને આત્માના હિત માટે કહેવાય છે.
અહીં કહે છે કે સર્વ પદાર્થો પોતાના નિજરસથી પોતાના સ્વભાવભૂત સ્વરૂપ- પરિણમનમાં સમર્થ છે. પરમાણુમાં તે છૂટો હોય ત્યારે શુદ્ધ પરિણમન થાય એવું એનું સામર્થ્ય છે. પરંતુ તે (પરમાણુ) બીજા સ્કંધના સંગમાં જાય તો વિભાવપર્યાયે થાય છે. બે પરમાણુથી માંડી અનંત પરમાણુઓના સ્કંધમાં વિભાવપર્યાય ઉત્પન્ન થાય છે. તે વિભાવ પરસંગથી