સમયસાર ગાથા ૮૯ ] [ ૨૮૧
પોતાના કારણે થાય છે. ધર્માસ્તિકાય આદિ ચાર દ્રવ્યમાં તો દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે શુદ્ધ છે. તેમાં વિભાવ પરિણામ થતા નથી. પરમાણુ અને આત્મા-આ બે દ્રવ્યમાં વિભાવ પરિણામ થાય છે.
આત્માના ઉપયોગનું પર ઉપર લક્ષ હોવાથી મિથ્યાશ્રદ્ધા, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારના વિકાર ઉત્પન્ન થાય છે. પરના કારણે નહિ પણ પરનો સંગ કરવાથી ત્રણ પ્રકારના વિકારી પરિણામ પોતામાં પોતાથી ઉત્પન્ન થાય છે. અરે! આટલી સ્વતંત્રતા ન બેસે તો તે અંદરમાં કેમ જઈ શકે?
‘ઉપયોગનો તે પરિણામવિકાર, સ્ફટિકની સ્વચ્છતાના પરિણામવિકારની જેમ, પરને લીધે (પરની ઉપાધિને લીધે) ઉત્પન્ન થતો દેખાય છે. તે સ્પષ્ટપણે સમજાવવામાં આવે છેઃ- ’
સ્ફટિકમણિમાં કાળી, પીળી, લીલી આદિ ઝાંય દેખાય છે તે પરના સંયોગના સંગથી પોતામાં પોતાના કારણે ઉત્પન્ન થાય છે. લોખંડનો ચાર હાથનો લાંબો સળિયો એક છેડે ગરમ થતાં બીજે છેડે ગરમ થઈ જાય છે; તે પોતાની યોગ્યતાથી થાય છે, અગ્નિના કારણે નહિ. લાકડુ ચાર હાથ લાંબુ હોય તેનો એક છેડો ગરમ થતાં બીજો છેડો ગરમ થતો નથી, કેમકે લાકડાની પર્યાયની એવી યોગ્યતા નથી.
અહો! સંતોની કેવી કરુણા છે! કેટલું સ્પષ્ટ કર્યું છે! પરંતુ અરે! જીવોને સમજવાની દરકાર નથી! દુનિયા સમજે તો મને લાભ છે એમ સંતોને નથી તથાપિ વિકલ્પ આવ્યો છે તો જગત સમક્ષ સત્ય વાત જાહેર કરી છે. કહે છે-
‘જેમ સ્ફટિકની સ્વચ્છતાનું સ્વરૂપ-પરિણમનમાં (અર્થાત્ પોતાના ઉજ્જ્વળતારૂપ સ્વરૂપે પરિણમવામાં) સમર્થપણું હોવા છતાં, કદાચિત્ સ્ફટિકને કાળા, લીલા અને પીળા એવા તમાલ, કેળ અને કાંચનના પાત્રરૂપી આધારનો સંયોગ હોવાથી, સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો, અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે.’ જુઓ, સ્ફટિક તો સ્વચ્છતાના સ્વરૂપપરિણમનમાં સમર્થ છે. છતાં પરના સંગથી કાળા, લીલા, પીળા રંગરૂપે પર્યાયમાં પરિણમન થાય છે. સ્ફટિકમાં જે કાળી ઝાંય દેખાય છે તે ખરેખર તો પોતાના ષટ્કારકના પરિણમનથી થઈ છે; પરના કારણે નહિ અને પોતાના દ્રવ્ય-ગુણના કારણે પણ નહિ. માર્ગ સૂક્ષ્મ છે પ્રભુ! સંતો પોકાર કરે છે કે તારા અપરાધથી તારામાં રાગ પરિણામ થાય છે, પરના કારણે નહિ.
કોઈ કહે કે બીજાએ ગાળ આપી તો મને ક્રોધ થયો તો એ વાત ખોટી છે. ગાળ તો પરચીજ છે. તને ક્રોધ થયો તે તારા કારણે થયો છે, ગાળના કારણે નહિ. પ્રવચનસાર ગાથા ૬૭માં કહ્યું છે કે-રાગદ્વેષ ઉત્પન્ન થવામાં વિષયો અકિંચિત્કર છે. વિષયો તો જડ છે; તેઓ જીવને રાગ ઉત્પન્ન કેમ કરે? રાગ પોતાથી ઉત્પન્ન થાય છે.