૨૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
પરપદાર્થો જીવને રાગ થવામાં અકિંચિત્કર છે. પાંચ ઇન્દ્રિયના વિષયો જીવને રાગ ઉત્પન્ન કરાવતા નથી. ગાળના શબ્દો કાને પડયા માટે દ્વેષ ઉત્પન્ન થયો અને કોઈએ પ્રશંસા કરી માટે હરખ થયો એ વાત બીલકુલ નથી. મૈસૂબ અને રસગુલ્લાં ખાવાનો રાગ થયો તેમાં મૈસૂબ તથા રસગુલ્લાં રાગ થવામાં અકિંચિત્કર છે. રાગ થવામાં વિષયો બીલકુલ કારણ નથી.
ત્યાં પ્રવચનસાર ગાથા ૬૭ના ભાવાર્થમાં કહ્યું છે કે-“સંસારમાં કે મોક્ષમાં આત્મા પોતાની મેળે જ સુખરૂપ પરિણમે છે; તેમાં વિષયો અકિંચિત્કર છે અર્થાત્ કાંઈ કરતા નથી. અજ્ઞાનીઓ વિષયોને સુખનાં કારણ માનીને નકામા તેમને અવલંબે છે!” સ્ત્રી રાગનો વિષય છે; તે વિષય તેના પ્રત્યે રાગ થવામાં અકિંચિત્કર છે. સ્ત્રીનું કોમળ શરીર દેખીને રાગ થયો એમાં સ્ત્રીનું શરીર અકિંચિત્કર છે. નિમિત્તને અકિંચિત્કર કહેવામાં આવ્યું છે.
સમયસાર કળશ ૨૨૧માં એમ કહ્યું છે કે-“જેઓ રાગની ઉત્પત્તિમાં પરદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણપણું માનતા નથી) તેઓ-જેમની બુદ્ધિ શુદ્ધજ્ઞાનરહિત અંધ છે એવા (અર્થાત્ જેમની બુદ્ધિ શુદ્ધનયના વિષયભૂત શુદ્ધ આત્મસ્વરૂપના જ્ઞાનથી રહિત અંધ છે એવા)-મોહનદીને પાર ઊતરી શકતા નથી.” જીવને રાગ પોતાના કારણે થાય છે. એમાં પરવસ્તુ અકિંચિત્કર છે. શેરડીનો રસ દેખીને તે સંબંધી જે રાગ થયો તે પોતાથી સ્વતંત્રપણે થયો છે, રસના કારણે નહિ. સ્ફટિકની સ્વચ્છતાનો, કાળો, લીલો અને પીળો એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખાય છે ત્યાં તમાલ, કેળ, અને કાંચનના પાત્રરૂપી આધારનો જે સંયોગ છે તે નિમિત્ત છે; પણ તે નિમિત્તકર્તા નથી. કાળી ઝાંય દેખાય છે તે તમાલના કારણે નથી. આ દ્રષ્ટાંત પ્રમાણે હવે સિદ્ધ કહે છે-
‘તેવી રીતે (આત્માને) અનાદિથી મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ જેનો સ્વભાવ છે એવા અન્યવસ્તુભૂત મોહનો સંયોગ હોવાથી, આત્માના ઉપયોગનો, મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારનો પરિણામવિકાર દેખવો.’
જુઓ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ છે તે અન્યવસ્તુભૂત મોહનો સ્વભાવ છે; તે મોહનો સંયોગ એટલે નિમિત્ત હોવાથી આત્મામાં મિથ્યાદર્શન આદિ પરિણામ થાય છે. સંયોગ નિમિત્ત છે પણ સંયોગના કારણે મિથ્યાત્વાદિ વિકારપરિણામ થાય છે એમ નથી. જેમ સ્ફટિકમાં કાળી, લીલી, પીળી ઝાંય દેખાય છે તે વાસણના કારણે નથી; વાસણ તો નિમિત્ત છે, નિમિત્તકર્તા નથી. સ્ફટિકમાં જે કાળી, લીલી, પીળી ઝાંય દેખાય છે તે સ્ફટિકની પર્યાયની યોગ્યતાથી થઈ છે, વાસણે કરી છે એમ નથી. તેમ જીવમાં થતા મિથ્યાત્વાદિ ભાવો જીવની પર્યાયની યોગ્યતાથી થયા છે, જડ મોહકર્મે કર્યા છે એમ નથી. જડમોહ તો નિમિત્ત છે બસ.