સમયસાર ગાથા ૮૯ ] [ ૨૮૩
લોઢાના સળિયાની ઉષ્ણ અવસ્થા થાય છે તેનો કર્તા લોઢાની પર્યાય છે (અભેદથી કહેતાં તે દ્રવ્ય છે), પણ અગ્નિ એનો કર્તા નથી. આ વિષયો-રૂપ, રસ, ગંધ, સ્પર્શ, શબ્દ-તે સુખદુઃખ થવામાં નિમિત્ત છે પણ તે કાંઈ સુખદુઃખ ઊપજાવતાં નથી. પ્રવચનસાર ગાથા ૬૬માં કહ્યું છે કે-“એકાંતે અર્થાત્ નિયમથી સ્વર્ગમાં પણ દેહ દેહીને (આત્માને) સુખ કરતો નથી; પરંતુ વિષયોના વશે સુખ અથવા દુઃખરૂપ સ્વયં આત્મા થાય છે.” સ્વર્ગમાં જે સુખ થાય છે તે સુખનો કર્તા દેહ નથી. દેહ સુખમાં નિમિત્ત છે. એનો અર્થ શું? કે સુખની જે કલ્પના થઈ તે સુંદર વૈક્રિયક દેહના કારણે થઈ નથી. તે સુખની કલ્પનાનો કર્તા તે તે પરિણતિ છે. અહો! દિગંબર મુનિઓ દ્વારા રચાયેલાં શાસ્ત્રોમાં પરમ સત્યનું નિરૂપણ થયેલું છે. ભાઈ! આ સર્વજ્ઞની વાણી છે. વાણીની પર્યાય નિશ્ચયથી વાણીની કર્તા છે, વાણીના કર્તા સર્વજ્ઞ નથી; નિમિત્ત હો; પણ નિમિત્ત ઉપાદાનના કાર્યમાં અકિંચિત્કર છે.
અન્યવસ્તુભૂત મોહના સંયોગથી જીવમાં વિકારપરિણામ થાય છે. જડકર્મ મિથ્યાદર્શન એટલે દર્શનમોહ, અજ્ઞાન એટલે જ્ઞાનાવરણીય કર્મ અને અવિરતિ નામ ચારિત્રમોહનીય કર્મ- તે જેનો સ્વભાવ છે એવા અન્યવસ્તુભૂત મોહના સંયોગથી-નિમિત્તથી આત્માના ઉપયોગમાં મિથ્યાદ્રર્શન, અજ્ઞાન અને અવિરતિ એવા ત્રણ પ્રકારના વિકારપરિણામ થાય છે. ૯૦મી ગાથામાં વિશેષ ખુલાસો કરશે.
કેવળજ્ઞાનમાં લોકાલોક નિમિત્ત છે; એટલે શું લોકાલોક કેવળજ્ઞાનનું કર્તા છે? બીલકુલ નહિ. વળી કેવળજ્ઞાન લોકાલોકને નિમિત્ત છે; તો શું કેવળજ્ઞાન લોકાલોકનું કર્તા છે? નહિ; બીલકુલ નહિ.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ધરત્નત્રયના પરિણામ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે જ યથાર્થ મોક્ષમાર્ગ છે. પણ સાથે વ્યવહારરત્નત્રયનો જે રાગ છે તેને સહચર વા નિમિત્ત દેખીને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવ્યો. આ વાત મોક્ષમાર્ગપ્રકાશકના સાતમા અધિકારમાં કહી છે. વ્યવહારરત્નત્રયને નિમિત્ત દેખીને આરોપથી મોક્ષમાર્ગ કહ્યો છે. પણ તે નિમિત્ત છે તે નિશ્ચય મોક્ષમાર્ગનું કર્તા છે એમ નથી. વ્યવહારરત્નત્રય છે તે શુદ્ધરત્નત્રયનું કર્તા નથી.
આ લાકડી ઊંચી થાય તેમાં આંગળી નિમિત્ત છે, પણ લાકડી જે ઊંચી થઈ તે ક્રિયાનો આંગળી કર્તા નથી. આ ભાષા જે બોલાય છે તેમાં જીવનાં રાગ અને જ્ઞાન નિમિત્ત છે; પણ તે રાગ અને જ્ઞાન ભાષાની પર્યાયના કર્તા નથી. ત્રણેકાળ નિમિત્ત અને ઉપાદાનની સ્વતંત્રતા છે એવો આ સ્પષ્ટ ખુલાસા ભર્યો ઢંઢેરો છે.
‘આત્માના ઉપયોગમાં આ ત્રણ પ્રકારનો પરિણામવિકાર અનાદિ કર્મના નિમિત્તથી છે.’ આત્મવસ્તુ સ્વભાવથી તો ત્રિકાળ શુદ્ધ છે. પણ તેની અવસ્થામાં અનાદિથી વિકાર