૨૮૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૪
છે અને તેમાં મોહકર્મ નિમિત્ત છે. નિમિત્ત છે એટલે કર્મે વિકાર કરાવ્યો છે એમ નથી. કર્મ જીવના વિકારનું કર્તા નથી. પણ જીવમાં વિકાર પોતાથી છે એમાં મોહકર્મ નિમિત્ત છે. આત્મામાં અનાદિ મિથ્યાત્વદશા છે તેમાં દર્શનમોહકર્મ નિમિત્ત છે; પણ દર્શનમોહકર્મ મિથ્યાત્વદશાનું કર્તા નથી.
‘એમ નથી કે પહેલાં એ શુદ્ધ જ હતો અને હવે તેમાં નવો પરિણામવિકાર થયો છે.’ પર્યાયમાં વિકાર અનાદિનો છે અને કર્મનું નિમિત્ત પણ અનાદિનું છે. સમય સમય થઈને અનંતકાળથી પ્રવાહરૂપે આત્માની પર્યાયમાં વિકાર છે. શરીર મારું, ઇન્દ્રિયો મારી, રાગ મારો એવી માન્યતા સહિત જીવને અનાદિ પરંપરાથી વિકાર છે. આ પરિણામવિકાર કાંઈ નવો નથી. જો એમ હોય તો સિદ્ધોને પણ નવો પરિણામવિકાર થવો જોઈએ, પણ એમ તો થતું નથી. માટે તે અનાદિથી છે એમ જાણવું.
પ્રશ્નઃ– સ્ફટિકમાં જે લાલ ઝાંય દેખાય છે તે પ્રત્યક્ષ લાલ વાસણને લીધે દેખાય છે ને?
ઉત્તરઃ– નહિ. સ્ફટિકમાં જે લાલ ઝાંય દેખાય છે તે લાલ વાસણને લીધે નથી. સ્ફટિક પોતે પોતાની ઉજ્જ્વળ અવસ્થા પલટીને લાલ ઝાંયની અવસ્થાપણે પરિણમ્યો છે. લાલ વાસણનો સંયોગ છે એ તો નિમિત્ત છે અને તે સ્ફટિકની લાલ ઝાંયની અવસ્થાનો કર્તા નથી. પોતાની લાલ ઝાંયની અવસ્થાનો કર્તા સ્ફટિક પોતે છે. તેવી જ રીતે જીવના વિકારનો કર્તા દર્શનમોહકર્મ નથી. દર્શનમોહકર્મ તો નિમિત્તમાત્ર છે. જીવના વિકારનો કર્તા નિશ્ચયથી વિકાર પોતે છે. (અને અભેદથી કહીએ તો જીવ પોતે છે).