૧૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ કહેવામાં આવે છે. જ્ઞાનીને પોતાના જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવનું ભાન થયું છે. તેને જે રાગ છે તે જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત છે. જ્ઞાનની જાણવાની પર્યાયનું ઉપાદાન તે પર્યાય પોતે છે, તેમાં રાગ નિમિત્ત છે. જ્ઞાનીને જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી થાય છે. તે પર્યાયમાં રાગ નિમિત્ત છે, પણ રાગ નિમિત્ત છે માટે ત્યાં જ્ઞાનની પર્યાય થઈ છે એમ નથી. રાગ કર્તા થયા સિવાય, જ્ઞાન સ્વયં જ્ઞાનરૂપે પરિણમે છે.
જેને શુદ્ધ ચિદાનંદ ચૈતન્યમય પ્રભુ આત્માની દ્રષ્ટિ કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થયું છે, આનંદનો સ્વાદ આવ્યો છે એ જ્ઞાનીને રાગ આવે છે. પણ તે રાગનો જ્ઞાની કર્તા નથી. રાગ એ જ્ઞાનીનું કર્તવ્ય નથી કેમકે રાગ કરવા લાયક છે એમ તે માનતો નથી. તથાપિ પરિણમન છે એ અપેક્ષાએ તેને કર્તા કહેવામાં આવે છે. પ્રવચનસારમાં ૪૭ નયના અધિકારમાં આવે છે કે-જેમ રંગરેજ રંગનો કર્તા છે તેમ જ્ઞાની પરિણમનની અપેક્ષાએ રાગનો કર્તા છે. કરવા લાયક છે એમ નહિ, પણ પરિણમન છે એ અપેક્ષાએ કર્તા કહેવાય છે.
પોતાની કમજોરીથી જ્ઞાનીને રાગ આવે છે. તે રાગના કાળે જ્ઞાનની સ્વપરપ્રકાશક પર્યાય પોતાથી પ્રગટ થાય છે. દ્રવ્યનું જ્ઞાન પર્યાયમાં આવે તે સ્વપ્રકાશક અને પર-રાગ સંબંધી પોતાનું જ્ઞાન પોતાથી પર્યાયમાં થાય તે પરપ્રકાશક. ત્યાં રાગથી જ્ઞાનની સ્વપર-પ્રકાશક પર્યાય થઈ છે એમ નથી. સ્વપરપ્રકાશક જ્ઞાનની પર્યાય તો પોતાથી થઈ છે, તેમાં રાગ નિમિત્ત છે. જ્ઞાનની જે પરિણતિ પ્રગટ થઈ તેનો કર્તા પોતાનો આત્મા છે, તેમાં રાગ નિમિત્ત છે, નિમિત્તકર્તા નહિ. આવો વીતરાગનો માર્ગ અતિ સૂક્ષ્મ છે.
અહીં કહે છે-જેમ મંત્રસાધક પોતાના ધ્યાનનો કર્તા થાય છે અને તે ધ્યાનભાવ સર્વ સાધ્યભાવોને અનુકૂળ હોવાથી નિમિત્તભૂત થતાં, સાધક કર્તા થયા સિવાય સર્પાદિકનું વ્યાપેલું ઝેર સ્વયમેવ ઉતરી જાય છે; ‘તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યા-દર્શનાદિભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યાદર્શનાદિભાવનો કર્તા થાય છે અને તે મિથ્યાદર્શનાદિભાવ પુદ્ગલદ્રવ્યને (કર્મરૂપે પરિણમવામાં) અનુકૂળ હોવાથી નિમિત્તમાત્ર થતાં, આત્મા કર્તા થયા સિવાય પુદ્ગલદ્રવ્ય મોહનીયાદિ કર્મપણે સ્વયમેવ પરિણમે છે.’
આત્મા પોતામાં જે રાગ થાય છે તેનો કર્તા છે. તે સમયે સમીપમાં જે કાર્મણ-વર્ગણા છે તે સ્વયં જડ કર્મપણે પરિણમે છે. તે કર્મપરિણામનો રાગ કર્તા નથી. નજીકમાં એકક્ષેત્રાવગાહ રહેલી પુદ્ગલકર્મવર્ગણા જડ કર્મપણે પરિણમે તેનો જો આત્મા કર્તા નથી તો આત્મા પરનો- મકાનાદિનો કર્તા થાય એ વાત પ્રભુ! કયાં રહી?
કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ-એમ છ શક્તિઓ પરમાણુ આદિ છએ દ્રવ્યોમાં છે. ભગવાન કહે છે કે પ્રત્યેક દ્રવ્યમાં ષટ્કારકરૂપ શક્તિઓ પડી છે. એ શક્તિઓ પોતાથી પોતાનું કાર્ય કરે છે, પરને લઈને કોઈનું કાર્ય થતું નથી.