૧૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ
ઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીતઉષ્ણપણાની માફક, જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાની ને ભાસે છે. તેથી તે એમ માને છે કે ‘હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું’ ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિનો કર્તા થાય છે.
હવે, અજ્ઞાનથી જ કર્મ ઉત્પન્ન થાય છે એમ તાત્પર્ય કહે છેઃ-
‘અજ્ઞાનથી આ આત્મા પરનો અને પોતાનો પરસ્પર વિશેષ (તફાવત) ન જાણતો હોય ત્યારે પરને પોતારૂપ કરતો અને પોતાને પર કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, કર્મોનો કર્તા પ્રતિભાસે છે.’
અજ્ઞાનથી આત્મા પર એટલે રાગ-વ્યવહારરત્નત્રયનો વિકલ્પ અને પોતાની જુદાઈ જાણતો નથી. એટલે તે પરને-રાગને પોતારૂપ કરતો અને પોતાને પરરૂપ એટલે રાગરૂપ કરતો, અજ્ઞાનમય થયો થકો, કર્મોનો એટલે વિકારી પરિણામોનો કર્તા પ્રતિભાસે છે. અહીં જડકર્મોની વાત નથી. તે સ્પષ્ટતાથી સમજાવવામાં આવે છેઃ-
‘જેમ શીત-ઉષ્ણનો અનુભવ કરાવવામાં સમર્થ એવી શીત-ઉષ્ણ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી સદાય અત્યંત ભિન્ન છે અને તેના નિમિત્તે થતો તે પ્રકારનો અનુભવ આત્માથી અભિન્નપણાને લીધે પુદ્ગલથી સદાય અત્યંત ભિન્ન છે.’
શું કહે છે? ઠંડી અને ગરમ એ પુદ્ગલની જડની અવસ્થા છે. તે અવસ્થા પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી સદાય અત્યંત ભિન્ન છે. ઠંડી અને ગરમ અવસ્થા ભગવાન આત્માથી અત્યંત ભિન્ન છે. આત્મા કદીય ઠંડો કે ગરમ થતો નથી. આ મરચુ ખાય ત્યારે તીખાશરૂપે આત્મા થતો નથી. તીખો સ્વાદ એ તો જડની પર્યાય છે. અજ્ઞાની માને છે કે હું તીખાશરૂપે થઈ ગયો, પણ આત્મા તીખા રસપણે થતો નથી. ઠંડી અને ગરમ અવસ્થા પુદ્ગલથી અભિન્નપણાને લીધે આત્માથી ભિન્ન છે. પરંતુ ઠંડી અને ગરમ અવસ્થાનું જ્ઞાન પોતામાં-આત્મામાં થાય છે. એ જ્ઞાનથી અભિન્ન છે. ઠંડી અને ગરમ અવસ્થાનું જે જ્ઞાન થાય એનાથી આત્મા અભિન્ન છે અને તે જ્ઞાન પુદ્ગલથી સદાય ભિન્ન છે.