૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-પ અહીં કરાવવું છે. રાગ-દ્વેષના પરિણામ જ્ઞાન થવામાં નિમિત્ત છે પણ રાગદ્વેષના પરિણામ તે જીવનું કાર્ય નથી. આત્મા રાગદ્વેષનો કર્તા થાય એવી કોઈ શક્તિ આત્મામાં નથી.
રાગદ્વેષાદિ પરિણામ જીવની-ચૈતન્યની જાતિના નથી માટે તેને પુદ્ગલના પરિણામ કહ્યા છે. ૭૨મી ગાથામાં તેને અચેતન જડ કહ્યા છે. ત્યાં ગાથા ૭૨માં કહ્યું છે કે-શુભાશુભ પરિણામ અશુચિ છે, ભગવાન આત્મા અત્યંત શુચિ છે; પુણ્ય-પાપના ભાવ જડ છે, ભગવાન આત્મા શુદ્ધ વિજ્ઞાનઘન છે; પુણ્ય-પાપના ભાવ દુઃખરૂપ છે, ભગવાન આત્મા સદા આનંદરૂપ છે. અરેરે! એને ખબર નથી કે આત્માને વિજ્ઞાનઘન ભગવાન કહીને બોલાવ્યો છે. માતા બાળકને પારણામાં સુવાડે ત્યારે તેનાં વખાણ કરીને સુવાડે છે. ‘‘મારો દીકરો ડાહ્યો ને પાટલે બેસી નાહ્યો’’ એમ પ્રશંસા કરીને સુવાડે છે. જો ઠપકાવે તો બાળક ઘોડિયામાં ન સૂવે. તેમ અહીં ત્રિલોકનાથ તીર્થંકરદેવ અને વીતરાગી સંતો જગતના જીવોને જગાડવા ‘ભગવાન’ કહીને બોલાવે છે. કહે છે-
અરે ભગવાન! તું ત્રણલોકનો નાથ છું! આ રાગદ્વેષાદિ પરિણામ છે એ તો પુદ્ગલના પરિણામ છે, તારી ચૈતન્યજાતિની એ ચીજ નથી. આ વ્યવહારરત્નત્રયના પરિણામ જડ, અચેતન પુદ્ગલના પરિણામ છે. જેમ શીત-ઉષ્ણ અવસ્થા જડની સાથે અભેદ છે તેમ વ્યવહારરત્નત્રયના પરિણામ જડ પુદ્ગલની સાથે અભેદ છે. સાંભળીને લોકો રાડ નાખી જાય છે! પણ ભાઈ! જે વ્યવહારરત્નત્રયને તું સાધન માને છે તેને તો અહીં પુદ્ગલના પરિણામ એટલે જડ-અચેતન કહ્યા છે. તે મોક્ષમાર્ગનું સાધન કેમ હોય?
અહો! શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે શું ગજબ કામ કર્યું છે! આત્મા તો આત્મારામ છે. ‘નિજપદ રમે સો રામ કહીએ.’ અતીન્દ્રિય આનંદમાં રમે તે આત્મારામ છે. અને જે રાગમાં રમે તે અનાત્મા હરામ છે. રાગમાં રમે તે આત્મા-રામ નથી, હરામ છે. ૭૨મી ગાથામાં રાગને અનાત્મા જડ કહ્યો છે અને જીવ-અજીવ અધિકારમાં દયા, દાન, વ્રત આદિ પરિણામને અજીવ કહ્યા છે.
અહીં પણ એ જ કહે છે કે-રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ પુદ્ગલપરિણામની અવસ્થા પુદ્ગલ સાથે અભિન્નતાના કારણે આત્માથી અત્યંત ભિન્ન છે. અહાહા! દયા, દાન અને વ્યવહારરત્નત્રયના પરિણામ પુદ્ગલથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. બહુ સૂક્ષ્મ વાત, ભાઈ.
અરે! રળવા-કમાવામાં આ જિંદગી (વ્યર્થ) ચાલી જાય છે ભાઈ! કદાચ પાંચ-પચાસ લાખ મળી જશે, પણ મૂળ વસ્તુ (આત્મા) હાથ નહિ આવે, ભાઈ! આમ ને આમ તું રખડીને મરી ગયો (દુઃખી થયો) છું! આવી સૂક્ષ્મ વાત સાંભળવા માંડ મળી છે તો ધીરજથી સાંભળીને નિર્ણય કર. અહીં કહે છે કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો