સમયસાર ગાથા-૯૨ ] [ ૧૯ રાગ અને વ્યવહારરત્નત્રયનો રાગ પુદ્ગલથી અભિન્ન છે અને તારાથી ભિન્ન છે. શુદ્ધ ચૈતન્યના લક્ષે જે આત્માના આનંદનો અનુભવ થાય તેમાં તે નિમિત્ત હો, પણ એનાથી અનુભવની દશા થઈ નથી. શું પુદ્ગલપરિણામથી ચૈતન્યની દશા થાય? ન થાય.
ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે. તે બધાં ભિન્ન ભિન્ન છે. આસ્રવ તત્ત્વ જીવ તત્ત્વથી ભિન્ન છે. જો એમ ન હોય તો નવ તત્ત્વ સિદ્ધ નહિ થાય. પુણ્ય તત્ત્વ જો જીવનું થઈ જાય તો બન્ને એક થઈ જાય. તો નવ તત્ત્વ રહે નહિ. ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે. તે પુણ્ય તત્ત્વરૂપ કેમ થાય?
પુણ્ય-પાપ-સુખ-દુઃખાદિનું જે જ્ઞાન થાય તે જ્ઞાન આત્માથી અભિન્ન છે અને પુણ્ય- પાપ આદિ ભાવ આત્માથી ભિન્ન છે. આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનરૂપે પોતાથી પરિણમે છે. તેમાં દયા, દાન આદિ પુણ્ય-પાપના ભાવ નિમિત્તમાત્ર છે. નિમિત્તનો અર્થ ઉપસ્થિતિ છે. જ્ઞાન તો પોતાથી થયું છે, નિમિત્તથી નહિ.
હવે કહે છે-‘જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો પરસ્પર વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીત-ઉષ્ણની માફક (અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે તેમ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો (અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, ‘‘આ હું રાગી છું (અર્થાત્ આ હું રાગ કરું છું)’’ -ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.’
અજ્ઞાનીને દયા, દાનના પરિણામ અને આત્માની એક્તાનો અધ્યાસ છે. તેથી એ બે વચ્ચેની ભિન્નતાનું એને ભાન નથી. પુણ્ય-પાપના પરિણામ મારાથી ભિન્ન છે અને તે સંબંધીનું જ્ઞાન મારાથી અભિન્ન છે એવું અજ્ઞાનીને ભાન નથી. જેમ શીત-ઉષ્ણ અવસ્થા આત્મા દ્વારા કરાવી અશકય છે તેમ રાગ-દ્વેષાદિ અવસ્થા આત્મા દ્વારા કરાવી અશકય છે. દયા, દાન આદિ પરિણામરૂપે આત્માનું પરિણમવું અશકય છે. અહાહા...! હું જાણનાર-જાણનાર એક જ્ઞાયક છું એવું ભાન નહિ રાખતાં દયા-દાન-પુણ્ય-પાપરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો એટલે તે-રૂપે પોતે પરિણમ્યો હોવાનું માનતો, અજ્ઞાની થયો થકો આ હું દયા-દાન આદિ કરું છું ઇત્યાદિ ભાવ વડે રાગાદિ કર્મનો અજ્ઞાની કર્તા પ્રતિભાસે છે.
ભગવાન આતમા જ્ઞાયકસ્વભાવી ચૈતન્યબિંબ પ્રભુ છે. અને પુણ્ય-પાપના ભાવ, મિથ્યાત્વના ભાવ અચેતન જડ છે. શુભાશુભભાવ છે તે મલિન આસ્રવભાવ છે. તે વિપરીતસ્વભાવવાળા અચેતન જડ છે. તે શુભાશુભભાવપણે આત્માનું પરિણમવું અશકય છે. છઠ્ઠી ગાથામાં આવે છે કે-જ્ઞાયક આત્મા શુભાશુભભાવોના સ્વભાવે પરિણમતો નથી.